મિત્રતાનું પુનઃ મિલન
અગિયારમાં ધોરણમાં ભણતી, તરુણાવસ્થામાં હોવા છતાં ચંચળતાનો અભાવ અને ઠરેલ સ્વભાવની નિવાને પહેલીવાર જોઈને હિરેનને નવાઈ લાગી હતી. એક જ વર્ગમાં ભણતાં ધીમે- ધીમે બંનેની દોસ્તી થઈ ગઈ. નિવા પોતાના ભણતરને લઇને ખૂબ જ સજાગ. નિવાની આ જ સાદગી અને ગંભીરતા હિરેનને તેના તરફ આકર્ષિત કરતી. પરંતુ વર્ગમાં હિરેન અને કાજલ વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાતો ચાલતી હતી અને નિવાએ પણ તેમને એકસાથે જોયા હતા.
એકવાર સાંજે શાળા છુટવાના સમયે હિરેને નિવાને એક કાગળ આપ્યું. નિવાએ તે કાગળ ખોલીને જોયું અને ગભરાઈ ગઈ, ગભરાહટમાં બે દિવસ શાળાએ પણ નહીં ગઈ. નિવાની બે દિવસની ગેરહાજરી પછી શાળામાં આવતાં, હિરેન સાથે વાતો કરવાનું બંધ થતાં; હિરેનને પોતાની ભૂલ સમજાઈ અને તેણે માફી માંગવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. બીજી બાજુ કાજલ સાથે પણ હિરેનની વાતચીત બંધ થઈ ગઈ, જેના માટે નિવા પોતાને જવાબદાર સમજવા લાગી; કારણ કે આખા વર્ગમાં નિવા અને હિરેન ચર્ચાનો વિષય હતા. ત્યારબાદ નિવાએ ક્યારેય હિરેન સાથે વાત કરી નહીં અને બારમા ધોરણ બાદ તેણે ક્યારેય હિરેનને જોયો પણ નહીં.
*આઠ વર્ષ બાદ*
"મમ્મી, હું સ્કુટીમાં પેટ્રોલ પુરાવવા જાઉં છું. બજારમાંથી કંઇ લાવવાનું હોય તો બોલો," નિવાએ સ્કૂટીની ચાવી લેતા કહ્યું.
"હા બેટા, ટેબલ પર લિસ્ટ મૂક્યું છે; જલ્દી આવી જજે." મમ્મીએ રસોઈ કરતાં જવાબ આપ્યો.
નિવા પેટ્રોલપંપ પર ગઈ ને સામેથી બીજી ગાડી પણ આવી. બન્નેએ એક સાથે ચારસો વીસ રૂપિયાનું ભરજોની હાકલ પાડી. નિવાએ જોયું તો તે હિરેન હતો. તેથી તે જલ્દીથી પૈસા ચૂકવીને જવા લાગી, ત્યારે હિરેને તેને રોકતાં કહ્યું, "નિવા! એકવાર મારી વાત સાંભળી લે, મને માફી માંગવાનો તો મોકો આપ. એકવાર ચોખવટ કરવાનો તો મને હક છે જ... વિનંતી કરું છું; આજ પછી ભૂલથી પણ તને નહીં મળું. એમ પણ હવે આઠ વર્ષ થઈ ગયા છે, આઠ વર્ષ પછી મેં તને જોઈ છે; આપણી શાળા વખતની મિત્રતાનું તું આટલું તો માન રાખી જ શકે!
નિવા અને હિરેન આઇસ્ક્રીમ પાર્લરમાં ગયા. નિવાએ કહ્યું, "હિરેન! જે બોલવું હોય તે જલ્દી બોલ, મને ઘરે જવામાં મોડું થાય છે."
"આઠ વર્ષ પછી તું મળી છે અને...." હિરેન કહેતો હતો ત્યાં જ નિવાએ તેને અટકાવતા કહ્યું, "જો આવી જ વાત કરવી હોય તો હું જાઉં છું."
"ઠીક છે, મુદ્દાની વાત કરું છું. મને માફ કરી દે; તારું હૃદય દુભાવવાનો મારો ક્યારેય કોઈ ઈરાદો રહ્યો નથી. મેં તે સમયે પણ જે કહ્યું હતું તે સત્ય જ હતું," હિરેને કહ્યું.
"શું... કે તું મને પસંદ કરતો હતો?" નિવા અકળાતી હતી.
"પણ તેં આપણી મિત્રતા કેમ તોડી? મેં ક્યારેય તારી સાથે ગેરવર્તન નથી કર્યું," હિરેને કહ્યું.
"હા, પણ તારા તે વ્યવહારથી મારું ભણતર છૂટી જાત અને મારા લીધે તારા અને કાજલના સંબંધમાં..." નિવાએ વાત અધૂરી છોડી.
"મારા અને કાજલ વચ્ચે એવું કંઈ જ ન હતું. અમે ફક્ત મિત્રો હતા અને કાજલ મને પસંદ કરતી હતી. હકીકત એવી છે કે તે તરુણાવસ્થાની મારી એક ભૂલ હતી. એ ભૂલને લીધે મેં મારી સારી મિત્રને ગુમાવી દીધી. જોકે હવે આપણા વચ્ચે ચોખવટ થઈ ગઈ છે તો શું આપણે ફરીથી મિત્ર બની શકીએ? ફરીથી મારા તરફથી તને કોઈ અગવડ નહીં થાય એની ખાતરી આપું છું." હિરેને પ્રસ્તાવ મૂક્યો.
નિવાએ સહર્ષ પોતાની જૂની મિત્રતા અપનાવી લીધી અને તરુણાવસ્થાની ભૂલમાં પોતાની મિત્રતાને ગુમાવી ચૂકેલાં બે મિત્રોનું *પુનઃમિલન* થયું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો