સંતોષ- વાર્તા
જેવું ગણેશ વિસર્જન થાય કે બીજા દિવસથી જ શ્રાદ્ધનું પખવાડિયું ચાલુ. પ્રથમ શ્રાદ્ધ પૂનમનું અને અંતિમ શ્રાદ્ધ અમાસનું. મારી મમ્મી અમાસની રાહ જુએ. મારાં દાદાજીનું શ્રાદ્ધ મૂકવાનો દિવસ અમાસ છે ને! મારી મમ્મી ખૂબ જ શ્રદ્ધાળુ. ભગવાનમાં એમને ખૂબ જ શ્રદ્ધા અને દરેક ધર્મ- કર્મનાં કામમાં તેઓ આગળ પડીને ભાગ લે. પરંતું હું એમનાથી થોડી અલગ. હું ભગવાનમાં માનું પણ શ્રાદ્ધમાં માનતી નથી. કેમ કે મારું માનવું છે કે વ્યક્તિ જીવિત હોય ત્યારે જ એને કામ લાગવું, એને ખવડાવવું, એને પાણી પીવડાવવું, એનું ધ્યાન રાખવું... મૃત્યુ બાદ આપણે નથી જાણતાં કે શ્રાદ્ધમાં મૂકેલી વાનગી એમના સુધી પહોંચે જ કે કેમ? પણ મારી મમ્મી મારા દાદાનું શ્રાદ્ધ અચૂક કરે, પણ શ્રાદ્ધ મૂકવા માટે થોડી અડચણ ઉદ્ભવે. કેમ કે માન્યતા પ્રમાણે, આમ તો ઘરનો દીકરો શ્રાદ્ધ મૂકે, પરંતુ અમારા ઘરે મારા પિતા નાસ્તિક તેઓ કોઈપણ ધાર્મિક કાર્યમાં માનતા નથી અને મારે ભાઈ નથી. એટલે દાદાજીનું શ્રાદ્ધ મૂકવાનું કાર્ય મારી બહેનનું. પણ આજે બહેન કોલેજ ગઈ તેથી આજે શ્રાદ્ધ મૂકવા મમ્મીએ મને કહ્યું.
દાદીમાં હંમેશાં કહેતાં કે વાસ તો કાગડાને મૂકાય અને કાગડો વાસ ખાય તો જ પિતૃ સુધી પહોંચે. પરંતું આજે કાગડો નહીં આવ્યો આજે તો આવી ચકલી! ચકલીએ ખાવાનું પણ ખાધું. પણ આજે ચકલી આવી તો શું મારા દાદાજી સુધી વાસ નહીં પહોંચ્યો હોય? અને જો એમ હોય તો મને આજે શ્રાદ્ધ મૂક્યાનો અને દાદાજી સુધી એ વાસ પહોંચ્યાનો સંતોષ કેવી રીતે થયો? શું દાદાજી ચકલી બન્યા હશે!
મારાં મનમાં ઉત્પન્ન થયેલાં આ વિચારો મેં મારી મમ્મીને કહ્યાં. એમણે મને કહ્યું, "બેટા! વાત એ નથી કે શ્રાદ્ધમાં મૂકેલું ખાવાનું પિતૃઓ સુધી પહોંચે છે કે નહીં! કે પછી કાગડો ખાય તો જ પિતૃઓ સુધી પહોંચે. પરંતું મૂળ વાત એ છે કે, આપણા મનમાં આપણા પિતૃઓ માટે કેટલો પ્રેમ અને કેટલું સન્માન છે! તેઓ આપણી વચ્ચે નથી, છતાં પણ આપણે એમને યાદ કરીએ છીએ. એમને શાંતિ મળે, તેઓ જ્યાં હોય ત્યાં ખુશ અને સુખેથી રહે એવી પ્રાર્થના કરીએ છીએ. શ્રાદ્ધ પણ પિતૃઓને યાદ કરવાની... એમના માટેનાં આપણા પ્રેમને વ્યક્ત કરવાની જ એક રીત છે. બીજી વાત પ્રેમ અને સન્માનથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તે અચૂક રીતે જેમના માટે કર્યું હોય એમના સુધી પહોંચે જ છે. અને એ કાર્યનો સંતોષ પણ આપણને મળે જ છે. તું ભલે શ્રાદ્ધ મૂકવામાં ન માનતી હોય. પણ કામ તેં મનથી કર્યું છે. તારા મનમાં તારા દાદાજી માટે ખૂબ જ પ્રેમ અને સન્માન છે તેથી તને શ્રાદ્ધ મૂકવાનો સંતોષ થયો. અને એ વાસ તારા દાદાજી સુધી પણ અચૂક પહોંચ્યો જ હશે."
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો