પાંચમો દીવો - આત્મવિશ્વાસ

તમે આત્મવિશ્વાસ કેળવો. પોતાના પર વિશ્વાસ રાખો. તમે પણ અન્યની જેમ બધું જ કરી શકો છો." શાળાના નવા શિક્ષિકા સરોજબેને વિશ્વાસ દાખવતાં એક વર્ગમાં આવી વાત કરી. જેઓ વર્ગ સુશોભન સ્પર્ધામાં છેલ્લો નંબર આવવાથી ખૂબ ઉદાસ હતાં. સરોજબેનના ઘણાં કહ્યાં બાદ તેમણે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પરંતું ધારેલું પરિણામ ન મળતાં તેમના આત્મવિશ્વાસને ઘણો ધક્કો લાગ્યો હતો. આ એ વર્ગ હતો જે શાળામાં સૌથી વધુ અપ્રિય કહી શકાય. કોઈને વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી કોઈ જ અપેક્ષા નહીં. તેમના અસ્તિત્વની દરકાર સુદ્ધાં કોઈ લેતું ન હતું. આ આપણને ભેદભાવ લાગે. પરંતું આ વર્ગ હતો જ એવો. વર્ગ બાર - અ નો. નવમાં ધોરણથી એમને શાળાનાં દરેક શિક્ષક સમજાવી સમજાવીને થાક્યાં પણ એમનામાં કોઈ બદલાવ કે સુધાર થયો નહીં. હવે તો ફક્ત શાળાનાં જૂનાં શિક્ષકો ગમે તેમ કરીને તેઓ બારમું ધોરણ પાસ કરીને શાળામાંથી વિદાય થાય તો શાંતિ એમ વિચારતાં. આ વર્ગનાં વિદ્યાર્થીઓ ક્યારેય કોઈ પ્રશ્ન ન કરે. એમની મુંઝવણ કોઈને ન કહે. કોઈપણ ઈતર પ્રવૃત્તિમાં ભાગ પણ ન લે. જો શિક્ષકથી ભણાવતી વખતે કોઈ ભૂલ થાય તો અન્ય વર્ગનાં વિદ્યાર્થીઓ જણાવે પરંતું બાર - અ વાળા ક્યારેય એક શબ્દ પણ ન ઉચ્ચારે. આવી ઘણી બધી બાબતોને લઈને આ વર્ગ પ્રત્યે અણગમો ઊપજી ગયેલો. જેને કારણે એમની પાસેથી કોઈ પ્રકારની કોઈને અપેક્ષા જ ન હોય. આ વાતથી સરોજબેન પરિચિત તો હતા પણ તેઓ એવું માનતાં કે દરેક બાળકમાં જો આત્મવિશ્વાસ કેળવાય તો એમનાં ઘણાં બધાં પ્રશ્નો ઉકેલી શકાય છે. આત્મવિશ્વાસની ઊણપ ઘણાં બાળકોમાં જોવા મળે છે. અને આ ઉણપનું મુખ્ય કારણ લઘુતાગ્રંથિ છે. આજકાલના બાળકો લઘુતાગ્રંથિથી પીડાય છે. સમવયસ્કોની વચ્ચે પોતાની ગરિમા ન છીનવાય તે કારણથી તેઓ બોલતાં અટકે છે. પ્રશ્નો નથી પૂછતાં. મનોવિજ્ઞાનનાં શિક્ષિકા હોવાથી સરોજબેન આ વાતને ખૂબ જ સારી રીતે સમજી શકતાં. તેમણે બાળકોમાં આજે ફરીથી પોતાની વાતોથી ઉત્સાહ જગાડ્યો. તેઓ ઘણી બધી મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી આ વર્ગમાં ધીમે- ધીમે પરંતું ખૂબ સારું એવું પરિવર્તન લાવતાં હતાં. ધીમે- ધીમે બાળકોને પણ સમજાતું હતું કે પ્રશ્ન પૂછ્યાં વિના સમાધાન મળતું નથી. તેમજ લઘુતાગ્રંથિ વિકાસને અવરોધે છે. આ વાત સમજાતાં તેમનો આત્મવિશ્વાસ પણ વધતો ગયો. બાળકો બોર્ડની પરીક્ષા સારા ગુણથી પાસ કરીને પરિણામપત્ર લેવાં આવ્યાં ત્યારે એમણે સરોજબેનને નતમસ્તક થઈ કહ્યું કે, "મેમ, તમે અમારામાં આત્મવિશ્વાસરૂપી પાંચમો દીવો પ્રજવલ્લિત કર્યો છે."

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...