પોસ્ટ્સ

મે, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હું કવિતા છું

*શીર્ષક :- હું કવિતા છું* ******************************* ટુંકમાં ઘણું કહેતી ને અર્થભર ચૂપ રહેતી, હું કવિતા છું. હૃદયને જોડતી લાગણી મુજમાં વહેતી, હું કવિતા છું. છંદોબદ્ધ રહેતી, પણ છંદ મુક્ત થઈ લય કહેતી; અર્થસભર, પ્રાસયુક્ત, કાનની કળા, હું કવિતા છું. કવિહૃદયનાં ભાવજગતમાં સંવેદનાથી ચિતરાતી, અસર કરતી ત્યારે જ મન પર, હું કવિતા છું. શબ્દોમાં ગૂંથાતી હું ને લાગણીઓમાં સચવાતી, વાંચવી સરળ, સમજવી અઘરી, હું કવિતા છું. કાગળ કલમની ક્યાં જરૂર! હું કવિહૃદયમાં વસતી, અનંતની ભાવના મુજમાં વહેતી, હું કવિતા છું. ✍️ સોનલ ટેલર 

મારી લીલી લાગણી

*શીર્ષક :- મારી લીલી લાગણી* ******************************* ક્યાંક નયનકોરથી વહી રહી છે, મારી લીલી લાગણી. વાયદો તૂટ્યો ને ઢળી પડી છે, મારી લીલી લાગણી. મન આશાથી ભરેલું મારું; તોય થાતું 'તું ડગમગ, વિશ્વાસ કરી ફરી હારી ગઈ છે મારી લીલી લાગણી એક વખતની વાત નથી; આ વારંવારની ઘટના, તોય કદી ન સૂકી પડી છે, મારી લીલી લાગણી. આભ ક્યાં ઓછું? તોય મારે હિસ્સે ખાલીપો જ, એમાં અશ્રુ ભીની સરી છે, મારી લીલી લાગણી. પ્રેમ ક્યાં ઓછો અહીં; પણ મમ્મીની યાદ આવે, જન્મદિને ફરી ગૂંચવણ ભરી છે, મારી લીલી લાગણી. ✍️ સોનલ ટેલર

જણાવજો જરા

*શીર્ષક :- જણાવજો જરા* ******************************* મોનની મહેફીલ ક્યાં ભરાય છે? જણાવજો જરા. વિના વેણ કઈ રીતે બોલાય છે? જણાવજો જરા. ઉકળે મન ભીતર તોય ચૂપ શાને રહો! મૌન શાશ્વત કાં પાળ્યું છે? જણાવજો જરા. વાચ વિહોણી લાગણીનો ઉકળાટ વધે, ઉકળાટ મૌનની શમાય છે? જણાવજો જરા . લાગણીમાં મળ્યો વિરહ તોય આશ મિલનની, તીવ્ર લાગણીમાં ધીરજ ધરાય છે? જણાવજો જરા. રાહમાં મિલનની મન સળવળ્યાં છે વર્ષોથી, મૌનની મહેફિલ કાં છોડતા નથી? જણાવજો જરા. ✍️ સોનલ ટેલર