આત્મસન્માન

     "તમે તલાક કેમ લેવા માંગો છો? એક મોકો આપી જુઓ. તલાક લેવાથી તમારા બાળકનું શું થશે એ તો વિચારો!"

     "મારા બાળકનું વિચારીને જ આટલો સમય લીધો છે. પરંતું તેનો કોઈ અર્થ નથી. જો મારે મારા પતિ સાથે રહીને પણ એકલ માવતર જ જીવવાનું છે તો તેમના નામને પાછળ લગાડવાનો શો અર્થ?"

     "તમારી સાથે એવું તો શું થયું?"

     "આ વાત આપણા ભારતીય સમાજના દ્રષ્ટિકોણથી ખૂબ જ નાની લાગે, પરંતુ આ મારા સ્વાભિમાનની વાત છે. હું હંમેશા એવા વાતાવરણમાં ઉછરી છું, જ્યાં દરેકના મતને માન આપવામાં આવે છે. હું લગ્ન કરીને ગઈ ત્યારે થોડો સમય તો બધું સારું રહ્યું, પરંતુ પાછળથી ધીમે ધીમે મને એ કહેવાતું "મારું ઘર" મારું કદી ન લાગ્યું. મને હંમેશા એક બહારની વ્યક્તિ હોવાનું અનુભવાતું. હું ઘરમાં જ્યારે જોબ કરીને આવું ત્યારે મારા પતિ અને સાસુ કંઈક વાતો કરતાં હોય તો ચૂપ થઈ જતાં. અમારા વચ્ચે વિશ્વાસની ખૂબ જ કમી હતી અને જ્યાં વિશ્વાસ ન હોય ત્યાં પ્રેમ ક્યાંથી ટકે? મારા માટે લગ્ન એ પ્રેમ પર ટકતો સંબંધ છે અને અમારા વચ્ચે એ જ નથી. મારા પતિ ફક્ત મારી સાસુનું જ કહ્યું કરે છે. હું અને મારી દીકરી એમના માટે કોઈ મહત્વ જ રાખતાં નથી. આજે અમને અલગ થયાં ને પાંચ વર્ષ થઈ ગયા છે, મારા પતિએ એક પણ રૂપિયાનો ખર્ચ મારી દીકરી માટે આપ્યો નથી. તેમણે ભાગ્યે જ બે થી ત્રણ વાર પોતાની દીકરીને ફોન કર્યો છે. તેના જન્મદિવસ પર પણ ફોન કરતાં નથી. મને નથી લાગતું કે મને કે મારી દીકરીને જીવનમાં હવે કોઈ પુરુષની; જે મારા પતિ જેવો હોય તેની જરૂર છે. તેથી, હું મારી દીકરી સાથે અલગ તેની માતા-પિતા બંને બનીને રહેવા માંગું છું. હું મારા એકલ માવતરને ગર્વથી જીવવા માંગું છું." પ્રીતિ પોતાનું ઘવાયેલું આત્મસન્માન અને હૃદયનું દુઃખ વકીલ સામે ઠાલવી રહી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ