જન્મદિવસની સાંજ
*શીર્ષક :- જન્મદિવસની સાંજ*
*******************************
સાંજનો સમય મને જીવનની નિકટતાનો અનુભવ કરાવે છે. મારા પ્રશ્નો જે ક્યારેય ઉકેલાતા નથી તેના ઉકેલો મને લાવી આપે છે આ સાંજ. ડૂબતો સૂર્ય, દિવસ અને રાતને જોડતી સાંજ; જાણે કે મારા મનના પ્રશ્નો, તેની ઉથલ- પાથલ આપમેળે સમજી જાય છે. એક એકલતાનો અનુભવ કરાવે છે, જેમાં અઢળક શાંતિ હોય છે. પરંતું એ સાંજે શાંતિ નહી મને ખુશી અનુભવવી હતી. તેથી હું જલ્દી ઘરે પહોંચવા માંગતી હતી.
એ સાંજે થાકીને ઓફિસથી હું ઘરે આવી તો જોયું કે આજે ફરીથી ઘરનો માહોલ રોજ જેવો જ ગંભીર હતો. હું કળી ગઈ કે ફરીથી આજે સંવાદે વિવાદનું સ્વરૂપ લીધું. ઓફિસથી નીકળતા જે ખુશી મનમાં લઈને આવી રહી હતી તે અચાનક ઘરનાં માહોલને જોઈને ક્યાં વિસરાઈ ગઈ તે ખબર જ ન પડી. "મૈત્રીને મળી આવું, આજે ઓફિસ નો'તી આવી."- કહીને હું મારી સ્કુટીની ચાવી મેજ પરથી લેવા લાગી કે મમ્મીએ મારો હાથ પકડી લીધો અને એમની આંખોમાંથી અશ્રુમોતી છલકી ગયા. તેમની ભીની આંખો અને એમાં છુપાયેલ દુઃખને હું સમજી ગઈ પરંતું એમની એ આંખોના દુઃખને ઓછું કરતાં "હું જલ્દી આવી જઈશ"- ફક્ત એટલું જ કહી શકી અને ફટાફટ નીકળી ગઈ.
મારા જન્મદિવસની એ સાંજ જે હું મારા પરિવાર સાથે વિતાવવાની હોવાથી ઓફિસથી જલ્દી ઘરે આવી હતી તે સાંજ મેં મારી એકલતા, મનની મૂંઝવણો અને પ્રશ્નો સાથે નદીના કિનારે ડૂબતા સૂર્યને સંધ્યાના પાલવમાં સમાતો જોતાં વિતાવી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો