અણકહ્યો પ્રેમ
વિરાજ રીમાને કોલેજના સમયથી પ્રેમ કરતો. બંને ખૂબ સારા મિત્ર એટલે કહેવામાં હિચકિચાટ અનુભવતો. છતાં ખૂબ હિંમત કરીને એણે રીમાને જણાવ્યું. પરંતુ રીમાએ સકારાત્મક જવાબ ન આપ્યો. તેણે વિરાજને કહ્યું, "હું પ્રેમ સંબંધ માટે તૈયાર નથી. ઘરની જવાબદારી અને અન્ય મજબૂરીઓ મને એ તરફ પગલાં ભરતાં અટકાવે છે. મજબૂરી ન પૂછીશ, કેમ કે હું તને ભાવનાત્મક દબાણ નથી આપવા માંગતી." વિરાજે રીમાની લાગણીને માન આપતાં તેના પર કોઈ પણ પ્રકારનો દબાવ ન નાંખ્યો અને બંને પહેલાંની જેમ મિત્રો તરીકે જ રહેવા લાગ્યાં. આ વાતને ઘણો સમય વીતી ગયો. પરંતુ વિરાજના પિતાની ઈચ્છા હતી કે તેમનો પુત્ર નોકરી કરતો થાય એટલે તેનાં લગ્ન થઈ જાય, વિરાજે પિતાની ઈચ્છાને માન આપતાં લગ્ન કરી લેવાનો નિર્ણય લીધો.
બીજી બાજુ વિરાજે જે રીતે રીમાની લાગણીને માન આપ્યું તે રીમાના હૃદયને સ્પર્શી ગયું. તેથી તેના હૃદયમાં પણ વિરાજ માટે લાગણીઓ જન્મવા લાગી, અને તેણે નક્કી કર્યું કે તે પોતાના મનની વાત વિરાજને જણાવી દેશે. એક દિવસ તેણે વિરાજને ફોન કરીને મળવા બોલાવ્યો અને પોતાના મનની વાત કહેવાનું નક્કી કર્યું. વિરાજે પોતે પણ રીમાને મળવા માંગે છે, અને કંઈક જરૂરી વાત કહેવા માંગે છે એમ કહ્યું. બંને પોતાની જુની જગ્યા ચાની ટપરી પર મળ્યા. વિરાજે પહેલાં વાત છેડતા રીમાના હાથમાં પોતાના લગ્નની કંકોત્રી આપી. રીમાના આંખમાંથી આંસુ ટપકી પડ્યા. વિરાજે આંસુનું કારણ પૂછ્યું, "હરખનાં આંસુ છે, અને આટલી મોટી ખુશખબર જણાવીને હું શું કહેવાની હતી તે તો ભૂલી જ ગઈ."કહીને વાત ટાળી દીધી. તે વિરાજને 'ખૂબ ખૂબ અભિનંદન' થી વધુ કંઈ જ ન કહી શકી. તેણે ખુશી ખુશી વિરાજના લગ્નમાં એક મિત્ર તરીકે હાજરી આપીને પોતાના અબોલ પ્રેમને તેણે મનમાં જ દબાવી દીધો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો