સાચો પ્રેમ
"આ બધું ચાર દિવસ સુધી સારું લાગે, પછી આ સાચો પ્રેમ ક્યાં ગાયબ થઈ જાય...! ખબર પણ નહીં પડે. બગીચામાં ચાલતાં ચાલતાં ધ્રુવી જાણે કે પોતાનો આક્રોશ ઠાલવતી હતી.
"ધ્રુવી! તું આટલી બધી નિરાશાવાદી કેમ છે? તે પણ ફક્ત પ્રેમ જેવી આટલી ઉચ્ચ લાગણી માટે...?" સ્મિતા ધ્રુવીને અસમંજસથી પૂછી રહી હતી ત્યારે જ કોઈકે સ્મિતાને બોલાવી અને તે ધ્રુવીને, "હમણાં આવું છું, તું અહીં બેસ." કહીને ગઈ અને ધ્રુવી બાજુમાં રાખેલ બાંકડા પર બેસીને સ્મિતાની રાહ જોતાં જોતાં ભૂતકાળમાં ખોવાઈ ગઈ.
"ધ્રુવી! તું અને હું હવે એક છીએ, આપણે ક્યારેય અલગ નહીં થઈશું. તને મારા પર વિશ્વાસ છે ને?" પ્રેમ ખૂબ જ પ્રેમથી ધ્રુવીને પોતાના પ્રેમ પર વિશ્વાસ અપાવી રહ્યો હતો.
"હા, પ્રેમ! જેટલો ભક્તને ભગવાન પર હોય, તેનાથી પણ વધુ મને તારા પર છે." ધ્રુવી પ્રેમ સાથે પોતાનાં ઉજ્જવળ ભવિષ્યનાં સપના જોતાં જોતાં કહી રહી હતી.
થોડાં દિવસો પછી એકવાર ધ્રુવીને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો અને તે એટલો સખત હતો કે તે બેહોશ થઈ ગઈ. આવું ઘણાં સમયથી થતું હતું, પરંતુ ધ્રુવીએ તેને સમાન્ય દુઃખાવો સમજીને તકેદારી રાખી નહીં. આ વખતે દરદ વધતાં તેને દવાખાને પહોંચાડવામાં આવી. ત્યારે ડોક્ટરે કહ્યું કે, "ધ્રુવીને ગર્ભાશયનું કેન્સર છે તેથી તે ક્યારેય ગર્ભ ધારણ ન કરી શકે." આટલી વાત સાંભળતાં જ "હું હમણાં તારા માટે દવા લઈને આવું છું" કહીને પ્રેમ આઘાત પામેલી ધ્રુવીને છોડીને ગયો તે ગયો પાછો ફરીને ક્યારે આવ્યો જ નહીં. ધ્રુવીએ તેને ન જાણે કેટલાં ફોન કર્યા... કેટલાં સંદેશા મોકલ્યા... પણ બધું જ નકામું. તે સમયે ધ્રુવીએ પોતાની જાતને જેમ તેમ કરીને સંભાળી અને ત્યારથી તેને પ્રેમથી ઘૃણા થઈ ગઈ. પ્રેમનો એ 'સાચો પ્રેમ' ક્ષણ ભંગુર નીકળ્યો. ખૂબ જ સુંદર દેખાતો પરંતુ જરા પણ બહારી દબાણને સહન કરવા અસક્ષમ. જેવું બહારી દબાણ આવે કે તરત જ ફૂટી જાય તેવો પ્રેમનો પ્રેમ પરપોટાનો સમાનાર્થી જેવો નીકળ્યો તેથી આજે ધ્રુવી માટે 'સાચો પ્રેમ' ખરેખર જ પરપોટાનો સમાનાર્થી બની ગયો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો