માવઠાંની વિનંતી
તકલીફ આપનારને હંમેશા લોકો કોસે છે. ખોટું નથી, તકલીફ થાય ત્યારે આહ્ નીકળી જ જાય છે. પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે ઘણીવાર તકલીફ આપનારને પણ તકલીફ થતી હોય... હા, તમે સાચું સાંભળ્યું... તકલીફ આપનારને પણ તકલીફ થાય છે, કદાચ એટલે જ તે જાણતાં અજાણતાં અન્ય માટે મુશ્કેલીઓનું કારણ બની જાય છે. આ બધું શા માટે કહું છું ખબર છે તમને? કારણ કે હું મોટેભાગે અન્ય માટે મુશ્કેલી ઊભું કરતું તત્વ *માવઠું* છું.
મારા એ ટીપાં જયારે ચોમાસામાં વરસે ત્યારે લોકો અત્યંત ખુશ થાય છે પરંતુ એ જ ટીપાં જ્યારે શિયાળામાં વરસે તો... લોકો મને માવઠું કહે છે. મને મારું આ નામ પસંદ નથી... માવઠું! અચાનક વરસેલો વરસાદ... અણધારી મુસીબત, જે ઘણી બધી આફતને નોતરે છે. પરંતુ આ વરસાદ તરીકે વરસતાં પાણીના ટીપાં એ મારાં હૃદયના આંસુ છે. મારી એ તકલીફ જે હું કોઈને નથી કહી શકતો. એ તકલીફને હું આમ અચાનક વરસીને ઓછી કરવાનો પ્રયત્ન કરું છું. હા, જાણું છું કે હું જ્યાં વરસુ છું ત્યાં ઘણું નુકસાન થાય છે. સાચું માનજો ઘણો પ્રયત્ન કરું છું કે મારા દુઃખને હું મુજ સુધી જ સીમિત રાખી શકું, પરંતુ જ્યારે હૃદય ઉભરાય છે ત્યારે મસ્તિષ્ક કામ કરવાનું બંધ કરી દે છે. મારી સાથે પણ આવું જ થાય છે. ચક્રવાત, અચાનક આવતાં અણધાર્યા પવનો મારા આવવાનું કારણ બને છે. પરંતુ શું ફક્ત હું જ આના માટે જવાબદાર છું? શું તમે પણ આના માટે જવાબદાર નથી? વાતાવરણમાં થતો આ બદલાવ પ્રદૂષણની જ તો અસર છે ને! વૃક્ષોનું સતત મરણ અને જન્મ ઓછો. આ બધી વાતોથી જ મને વધુ પીડા થાય છે. મારા વરસવાનું આ જ તો મુખ્ય કારણ છે.
જેમ મેં આગળ કહ્યું હતું તેમ, આપણને થનારી તકલીફના જવાબદાર હમેશાં તકલીફ આપનાર જ હોય એવું નથી. આપણાં કર્મો પણ જ્યાં- ત્યાં નડે છે. આપણને મળતી ઠોકરો એ શીખ છે સુધારવાની, છતાં પણ જો કોઈ ન સુધી તો એણે તકલીફ સહન કર્યા વિના છૂટકો નથી.
આમ તો અતિથિ પૂજનીય હોય છે, પણ મને અતિથિ બનવું ગમતું નથી. હું સમય સાથે ચાલવાનું પસંદ કરું છું. સમયસર હોવું એ મારી ઓળખ હોય એવી મારી તીવ્ર ઈચ્છા છે. હું નિશ્ચિત તિથિ પર આવવાનું અને તે પ્રમાણે જ પરત થવાનું પસંદ કરું છું. મારી એક વિનંતી છે તમને સૌને કે મને અતિથિ ન બનાવશો. હું અતિથિ ન બનું તે માટેના પ્રયત્નો તમારે જ આચરવા પડશે. વધુ વૃક્ષો વાવો. પ્રદૂષણ ઓછું કરો. આ ધરતીની કદર કરતાં શીખો. આપણે ભારતીયો તો એને મા માનીએ છીએ ને! તો આપણી માને બચાવવા, એને સ્વસ્થ રાખવા થોડાં પ્રયત્નો તો અવશ્ય આચરી શકીએ નહી! મારી આ વિનંતી મંજૂર થશે ને?
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો