પ્રેમનો હિસાબ
અમુક લોકો દરેક વાતનો હિસાબ રાખે છે. કદાચ એમને ગમતું હશે! પરંતુ શું દરેક વાતનો હિસાબ રાખવો શક્ય છે? હું પ્રણવને હંમેશા આ વાત પૂછું છું અને એનો જવાબ હંમેશની જેમ, "કોઈનું ઓછીનું લેવું અને ભૂલી જવું સારી બાબત નથી", એવો હોય છે. ત્યારે મને ફરી પ્રશ્ન થાય કે પ્રેમ, દયા, કરુણા આવી અગણિત લાગણીઓનો પણ હિસાબ હોય ખરો!
પ્રણવને હું બાળપણથી ઓળખું છું. તે દરેક બાબતનો હિસાબ રાખે છે, એટલું જ નહી પરંતુ એને દરેક બાબત મોઢે યાદ હોય છે. કોની પાસેથી કેટલાં રૂપિયા લેવાના, કોને કેટલાં આપવાના, ગાડીનું અઠવાડિયાનું પેટ્રોલ, વીજળી બિલ, પાણી બિલ... દરેક બાબત તે ખૂબ જ ચીવટથી યાદ રાખે છે. પરંતુ એની આ સારી આદત મને ગમતી નથી, કારણ કે તે આ બધાની સાથે તેને મળતાં પ્રેમનો અને મિત્રતાનો પણ હિસાબ રાખે છે. એને મન દરેક વસ્તુનો - બાબતનો બદલો વાળવો જરૂરી છે. નહિતર એના પર જે તે બાબતનું દેવું થઈ જશે! એમ એ માને છે.
તે પહેલાંથી આવો નો'તો. એક અકસ્માતમાં તેના માતા- પિતાનું મૃત્યુ થતાં તે પોતાના કાકા- કાકી સાથે રહેવા લાગ્યો. તેમનો પ્રેમ માતા - પિતાથી જરા પણ ઉણો ઉતરતો ન હતો. પરંતુ એકવાર તેણે કોઈકને કહેતાં સાંભળ્યું કે કાકા - કાકી સારાં છે કે પ્રણવને એમની સાથે રાખે છે. પ્રણવ એમનો જેટલો અહેસાન મને તેટલો ઓછો છે.
'અહેસાન'... આ શબ્દ કેટલો વજનદાર હોય છે. એનો બોજ માણસના હૃદયને કેટલાં ઊંડે સુધી ઘા આપે છે, એનો અંદાજો લાગડવો મુશ્કેલ છે. ત્યારથી પ્રણવ એ વાતનો બદલો ચૂકવવા માટે એનો પણ હિસાબ રાખવા લાગ્યો.
હું ઘણી વાર પ્રણવને સમજાવવાનો પ્રયત્ન કરું છે કે પ્રેમ, દુઃખ, કરુણા એ બધી લાગણીઓ છે એનો હિસાબ નહી હોય અને રખાય પણ નહી. એ તો અનુભવની વાત છે. ખાસ કરીને પ્રેમ. તે પણ માતા- પિતા સમાન કાકા- કાકીનો. એનો હિસાબ રાખીને એમનું અપમાન ન કરાય. પણ પ્રણવને મારી વાત ક્યારેય નથી સમજાતી. એ તો કાકા કાકીને એમના સ્વપ્નનું ઘર અપાવીને એમનો હિસાબ ચૂકવવા માંગે છે.
એકવાર સાંજે હું અને પ્રણવ ઘરે આવતા હતાં ત્યારે અચાનક અમારો અકસ્માત થયો. અમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં પ્રણવની બંને કિડની ખરાબ થઈ ગઈ અને તાત્કાલિક એને કિડની આપવામાં ન આવે તો એનું મૃત્યુ પણ થઇ શકે એમ હતું. એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના તેના કાકાએ તેને પોતાની કિડની આપીને તેનો જીવ બચાવ્યો. પ્રણવને આ વાતની જાણ થઈ અને એના બહીખાતામાં એક વધુ હિસાબ જોડાઈ ગયો. મને પગમાં ફ્રેકચર થયું હતું. હું વ્હીલચેર પર તેના રૂમમાં આવી ત્યારે તેને સમજાવતાં કહ્યું, "પ્રણવ પ્રેમનો હિસાબ ન હોય! જે કામ કાકાએ તારા માટે કર્યું તે જ તારા પિતાએ કર્યું હોત તો...!" "પરંતુ નીતિ..." એ વાક્ય પૂર્ણ કરે તે પહેલાં જ તેને અટકાવતાં કહ્યું, "પ્રણવ! કાકા- કાકી તારા મમ્મી- પપ્પા છે, અને મા- બાપના પ્રેમનો બદલો બાળક ગમે તેટલું મોટું થઈ જાય, ગમે તેટલો હિસાબ રાખે, પણ ક્યારેય ન ચૂકવી શકે. પ્રણવની આંખો ચોધાર આંસુએ વહી રહી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો