ચાની છેલ્લી ચુસકી

      મને ચા પીવાનો અતિભારે શોખ. પરંતુ ચાની સાથે ખબર નહી કેવું વેર થવા માંડ્યું છે કે, મારી છેલ્લી ચાની ચુસકી બે વાર અધૂરી રહી ગઈ છે.

     એકવાર હું ચા પીતી હતી ત્યારે ચાનો છેલ્લો ઘૂંટડો જ બાકી હતો ને મને ખબર પડી કે ચા તો બકરીના દૂધમાં બનાવેલી છે. મને બકરીનું દૂધ જરા પણ પસંદ નહીં તેથી ખબર પડતાંની સાથે જ મનપસંદ ચા તરફ અણગમો થતાં ચાની છેલ્લી ચુસકીનો આનંદ ન માણી શકી.

     બીજી એકવાર હું બકુલ કાકાની ટપરી પર ચા પીતી હતી. એમની ચા મને અત્યંત પસંદ. એકદમ કડક, મીઠી, મસાલેદાર... સુગંધ લેતાં જ પીવાની તીવ્ર ઈચ્છા જાગી આવે. બસ ત્યારે, સુગંધ લેતાં લેતાં ચાનો સ્વાદ માણતી હતી ને અચાનક એક આખલો દોડતો આવ્યો ને એનાથી બચવાના ચક્કરમાં ફરીથી છેલ્લી ચાની ચુસકી મારી રહી ગઈ, કુલડી જો હાથમાંથી છૂટીને પડી ગઈ 'તી.

     બે વાર આવા બનાવ બન્યા બાદ ચા પીતી હોઉં ત્યારે મને ભય લાગે કે હવે આજે કઈ નવી ઘટના બનશે? કે જેથી મારી ચાની છેલ્લી ચુસકી અધૂરી તો નહી રહી જાય ને?

     આજે અમે મિત્રો કેન્ટિનમાં ચા પીવા ગયા. મારા મનમાં ડર તો સતત ચાલતો જ હતો પણ હિંમત કરી કે વિશ્વાસ રાખ આજે કંઈ નહી થાય. મારે અમારા અધ્યાપકને એક પ્રોજેક્ટ બતાવવાનો હતો પણ કમનસીબે તેઓ આજે કોલેજમાં હતા નહી અને ખબર પડી કે તેઓ આવવાના પણ નથી તેથી અમે કેન્ટિન તરફ વળ્યા. ત્યાં ચા મંગાવી ને ગપ્પા મારતાં મારતાં ચાનો આસ્વાદ માણી રહ્યાં હતા ત્યારે જ એક મિત્રએ મને આવીને કહ્યું, "પ્રોફેસર દેસાઈ તને બોલાવે છે." મે કહ્યું કે, "તેઓ તો આજે રજા પર..." પરંતુ હું વાક્ય પૂર્ણ કરું તે પહેલાં જ "જલ્દી જા, તેઓ અન્ય કામસર પાંચ દિવસ માટે કોલેજની બહાર જાય છે. તારા પ્રોજેક્ટ અને કોલેજના એક કામસર જ આવ્યા છે. કોલેજનું કામ પૂર્ણ થઈ ગયું છે, તારા માટે પૂછતાં હતા... પંદર મિનિટમાં નીકળી જશે..." બસ પછી શું! ફરીથી એ મારી છેલ્લી ચાની ચુસકી અધૂરી જ રહી ને મેં સીધી દોટ મૂકી કોલેજ તરફ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ