મોરપીંછના શુકન થયાં
સોળ વર્ષની મિતાલી છેલ્લા પંદર દિવસથી બીમાર હતી. કોઈ મોટી બીમારી તો ન હતી, પરંતુ સ્વાસ્થ્ય સારું પણ ન કહી શકાય એવું હતું. છેલ્લા પંદર દિવસથી દવાઓ તો ચાલુ જ હતી, પણ કંઈ ખાસ સુધારો જોવા મળતો ન હતો. ખાવાનું ભાવે નહીં તેથી અશક્તિ રહે. તેને મનગમતી બધી જ વસ્તુઓ લાવી આપવામાં આવી... પણ ન તેને કોઈ વસ્તુ ગમે, ન ખાવાની વસ્તુ ભાવે, ન મન તંદુરસ્ત લાગે.
એક દિવસ તે બપોરનાં સમયે ઘરનાં ઓટલા પર હીચકામાં બેઠી હતી. ગુમસૂમ, ઉદાસ અને એકદમ ચુપચાપ. ત્યારે ક્યાંકથી અચાનક કોઈ બાળક મોરનું પીછું લઈને આવ્યું અને ઉદાસ મિતાલીને ખુશ કરવાના આશયથી કહ્યું, "દીદી આ કેટલું સુંદર છે ને!" મિતાલીએ કોઈ જવાબ ન આપ્યો અને પોતાના પોપચાં હળવેથી ઢાળી દીધા. તે બાળકે મિતાલીનાં ચહેરા પર પીછું ધીમેથી ફેરવ્યું. મિતાલીને અદ્ભુત અને કંઈક અલગ જ અનુભવ થયો. એ અનેરી લાગણી મિતાલીને ખૂબ જ ગમી તેથી તેણે આંખ ઉઘાડી, પરંતુ ત્યાં કોઈ જ ન હતું. બસ મોરપીંછ તેની સામે પડ્યું હતું. તેણે ધીમેથી તે ઉપાડ્યું અને ફરીથી પોતાના ચહેરા પર ફેરવવા લાગી. પંદર દિવસમાં પહેલીવાર તેને કંઈ ગમ્યું હતું. તે રાત્રે તેણે રોજ કરતાં સારી રીતે ભોજન પણ લીધું. ધીમે ધીમે તેની તબિયતમાં પણ સુધારો આવવા લાગ્યો. જન્માષ્ટમી આવતાં તો તે ફરીથી પહેલાં જેવી જ ચંચળ અને રમતિયાળ થઈ ગઈ. જાણે કે કોઈ ચમત્કાર થયો હોય.
દર વર્ષની જેમ જન્માષ્ટમીનાં દિવસે કાનુડાને પહેલો ઝુલો પણ તેણે ઝુલાવ્યો. ત્યારે દાદીએ કહ્યું, "આ તો મોરપીંછના જ શુકન થયા, કે મારી મિતુ સાજી થઈ ગઈ. કાનુડા તને અઢળક ધન્યવાદ. અમારા ઘરનાં જીવમાં તે ફરીથી નવી ચેતના ભરી દીધી."
પંદર દિવસથી ઉદાસીન ઘર આજે મિતાલીનાં સારા થવાથી અને કૃષ્ણ જન્મોત્સવથી ખુશીઓથી છલકાતું હતું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો