પીંજરું- લેખ
પીંજરું શબ્દ સાંભળતાં કે વિચારતાં આપણને એક લોખંડનાં સળિયાવાળું નાનું પોપટનું ઘર (જે આપણે મનુષ્યોએ બળજબરીથી આપ્યું છે) તે દેખાય છે. એક એવી ચોક્કસ હવા- ઉજાસવાળી જગ્યા જેમાં હવા- ઉજાસ અનુભવી તો શકાય પણ ખુલ્લા મને માણી ન શકાય. પીંજરું કે જેમાં બધી સગવડ હોય, (અથવા એમ કહેવું જોઈએ કે આપવામાં આવે છે.) પરંતુ, બદલામાં સ્વતંત્રતા છીનવી લેવામાં આવે છે.
જો પીંજરાંને વ્યાખ્યાયિત કરવું હોય તો નીચે મુજબની વાતો કહી શકાય:
• પીંજરું એટલે બધી રીતે સુરક્ષિત દેખાતી સૌથી અસુરક્ષિત જગ્યા.
• પીંજરું એટલે શારીરિક શાંતિનાં બદલામાં માનસિક શાંતિ લઈ લેતી જગ્યા.
• પીંજરું એટલે સ્વતંત્રતાનાં ભોગે મળેલા સુખ સગવડ.
• પીંજરું એટલે જેમાં એક વાર પુરાયા બાદ જીવનભરની ગુલામી.
• પીંજરું એટલે પોતાના જીવન પરથી ખોઇ દીધેલો હક.
કહેવાય છે કે, પીંજરું લોખંડનું હોય કે સોનાનું; છે તો અંતે પીંજરું જ. ભલે એ હીરા- મોતી જડેલું કેમ ન હોય! પરંતુ, જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુ સ્વતંત્રતા તો એ છીનવી જ લે છે. આજે આપણે પણ કોઈકને કોઈક પિંજરામાં ફસાયેલા જ છીએ. પછી ભલે તે સત્તાનું હોય, સંપત્તિનું હોય કે સુંદરતાનું હોય; એકવાર એમાં ફસાયા બાદ આપણી ખુશી પીંજરાંનાં માલિક પર અવલંબે છે. જો માલિક ખુશ તો જ પીંજરાંનાં અંદરનો ગુલામ ખુશ રહી શકે. અર્થાત્ સત્તા, સંપત્તિ અને સુંદરતા હોય તો જ આપણે ખુશ રહી શકીએ.
આજના આધુનિક સમયમાં કહેવાતા પિંજરાઓ ભલે વધુ ન જોવા મળતા હોય, પરંતુ આવા ન દેખાતા પિંજરાઓની કોઈ કમી નથી. ઉદાહરણ તરીકે, ફિલ્મી દુનિયાની ચમક- દમકથી દરેક વ્યક્તિ વાકેફ છે; પરંતુ એ દુનિયામાં ચમકતા સિતારાઓ પાસે સામાન્ય માણસની જેમ હરવા-ફરવાની, ખાવા-પીવાની કે લોકોને મળવાની આઝાદી હોતી નથી. આ ચમક-દમકનાં પિંજરાંમાં ફસાયેલી ફિલ્મી હસ્તીઓ ગુલામ નથી તો બીજું શું છે! આવી જ રીતે પૈસા પાછળ ઘેલો બનેલો માણસ લાલચનાં પિંજરાંમાં કેદ થઈ પડ્યો છે. આધુનિક સમયનો કહેવાતો હોશિયાર માણસ સ્વાસ્થ્યને અવગણીને સુંદરતાની ઘેલછામાં તેના પિંજરાંમાં કેદ થઈને રહી ગયો છે, પણ તે પિંજરું નાશવંત છે અને તેની સુંદરતા પણ નાશવંત છે. જેમાં આપણો અજર- અમર આત્મા ફસાયેલો છે. આજકાલના આવા પ્રચલિત પિંજરાંઓ એટલા તો લોભામણા છે કે સ્વતંત્રતાની ઉપરવટ ક્યારે જઈ ચડે માનવીને પોતાને તેનું ભાન રહેતું નથી. તો શું આપણે આવા લોભામણા પિંજરાઓને તોડવામાં ક્યારેય સક્ષમ બની શકીશું? એ યક્ષ પ્રશ્ન યથાવત છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો