સ્વની સમજણ- મોક્ષ
એકવાર એક સંતને એક વ્યક્તિએ પૂછ્યું, "ગુરુવર! સંત અને મહાત્માઓના જીવનનું અંતિમ લક્ષ્ય શું હોઈ શકે?" સંતે કહ્યું, "મોક્ષ." તે વ્યક્તિએ ફરીથી પૂછ્યું, "શું મોક્ષ એ દરેક જીવનનું અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ?" સંતે આ પ્રશ્નોનો શો ઉત્તર આપ્યો હશે, તે આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ, આ મોક્ષ શું છે? શું કરવાથી મોક્ષ મળે? મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય? તે બાબતોથી હજી આપણે વંચિત છીએ. છતાં પણ જો આપણે મોક્ષને સામાન્ય શબ્દોમાં સમજીએ તો કહી શકાય કે,
"જીવન- મરણના/ પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ એટલે મોક્ષ."
"પરમાત્મા સાથે આત્માનું મિલન એટલે મોક્ષ."
"મૃત્યુ પર્યંત પરમાત્મામાં વિલીન થવાની ક્રિયા એટલે મોક્ષ."
આવી તો ઘણી બધી વ્યાખ્યાઓ આપણે આપણી સમજ પ્રમાણે આપી શકીએ. છતાં પણ એની સત્યતા કસોટી તો કરવી જ રહી!
મોક્ષનો પર્યાય એટલે મુક્તિ, અને તે ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણે સાંસારિક આશા અને અપેક્ષાથી પર ઉઠી શકીએ. પરંતુ, જેમ માણસ હોવું સહેલું નથી એમ માનવીય એષણાઓને ત્યજવું પણ સહેલું નથી. તેથી જ મોક્ષ તરફનો માર્ગ કઠિન લાગે છે. એવું પણ સાંભળ્યું છે કે, "કળિયુગમાં ઈશ્વરને પ્રાપ્ત કરવા સહેલા છે." પરંતુ માનવીય મૂળભૂત સ્વભાવ ખૂબ જ અઘરો છે, તેથી ઈશ્વરની પ્રાપ્તિ અતિ મુશ્કેલ બને છે.
આજના માણસમાં ગંભીરતા અને એકાગ્રતાનો અભાવ છે. જે તેને પૂર્વ યુગના મનુષ્યોથી અલગ બનાવે છે. કળિયુગમાં દરેક વસ્તુ સહેલી છે, પરંતુ વ્યક્તિ પોતે જ ભારે (મુશ્કેલ) છે. મોક્ષની પ્રાપ્તિ, જો આપણે સ્વને સમજી લઈએ તો પણ શક્ય છે. પરંતુ, આજે સ્વને સમજવાનો કોઈની પાસે સમય જ નથી, અથવા કહેવું જોઈએ કે કોઈને પણ પોતાને (સ્વને) સમજવું જ નથી. તેથી જ મોક્ષ તરફ અને અન્ય ધાર્મિક કે આધ્યાત્મિકતા તરફ સંતો દ્વારા લોકોને વાળવાનો પ્રયાસ કરવામાં આવે છે.
સ્વની સમજ એ મોક્ષ ભણી પ્રથમ પગલું થઈ શકે. જીવનમાં મુશ્કેલીઓ પણ ત્યારે જ દર્શન કરાવે છે, જ્યારે આપણે સ્વની સમજણને અણદેખી કરીને અન્ય દિશામાં કે વ્યક્તિમાં ધ્યાન દોરીએ છીએ. જીવાત્વાનો મોક્ષ એ તો ખૂબ જ મોટી બાબત છે. આપણે મનુષ્ય ઈચ્છીએ તો નાની- નાની બાબતથી શરૂઆત કરી શકીએ છીએ. જેમ કે, જતું કરવાની ભાવના, અન્યના વિષયોમાં નકામો રસ ન લેવો અને અન્યની ઈર્ષા ન કરવી. સ્વને સમજવાનો પ્રયત્ન તેમજ આવી બાબતો આપણને એક ચોક્કસ દિશામાં વાળે છે અને એ દિશા વ્યક્તિને આધ્યાત્મ તરફ દોરી જાય છે. એ આધ્યાત્મના માર્ગ તરફથી જ આપણે જીવાત્માનો મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ.
હા, એ વાત ચોક્કસ છે કે આ કાર્ય કહેવા જેટલું સરળ તો નથી જ. કદાચ એવું પણ બને કે દરેક વ્યક્તિ જીવાત્માના મોક્ષ સુધી ન પણ પહોંચી શકે. છતાં પણ એક ચોક્કસ અને નિશ્ચિત દિશામાં વળાંક લેવો અંતે હિતાવહ બને જ છે. મનુષ્ય તરીકેની જે આપણી નબળાઈ અને ખામી છે, તેને તો ચોક્કસપણે દૂર કરવામાં મહદ અંશે સફળતા મળે જ છે. સ્વને સમજવાની ઉત્તમ તક આપણને મોક્ષ તરફનો માર્ગ બતાવી જાય છે
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો