દાદીને ચિઠ્ઠી
દરવાજા પર અવાજ થયો.
શાંતિબહેને બારણું ઉઘાડયું. જોયું તો ટપાલી હતો. "શાંતિબહેનના નામની ચિઠ્ઠી છે." ટપાલીએ કહ્યું. શાંતિબહેને ચિઠ્ઠી લીધી અને ટપાલી રવાના થયો. શાંતિબહેને ચિઠ્ઠી પર *દાદીને ચિઠ્ઠી* લખેલું જોયું અને તરત જ ચિઠ્ઠી ખોલીને વાંચવા લાગ્યા. શાંતિબહેનની પૌત્રી મીનાક્ષી, જેને પ્રેમથી તેઓ મીના કહેતા તેની ચિઠ્ઠી હતી.
મારી વ્હાલી,
દાદી
મને તમારી ખૂબ જ યાદ આવે છે. તમારી યાદ આવે ત્યારે મને ખૂબ જ રડું આવે છે. હું હમણાં પપ્પાના શેઠના ઘરે રહું છું. અહીંયા રહેતાં લોકોનો વ્યવહાર મારી સાથે વધારે સારો નથી. પણ દાદી! અહીંયા મારા કરતાં નાની એક છોકરી છે શીલા. જે મારી ખુબ જ સારી મિત્ર થઈ ગઈ છે. હું એની સાથે જ રોજ શાળાએ જાઉં છું. દાદી તમને ખબર છે, એ પોતાનું માથું જાતે ઓળે છે. એને ચોટલો ગૂંથતા પણ આવડે છે. મને નથી આવડતું તેથી હું ગમે તેવા ચોટલા ગૂંથીને શાળાએ જાઉં છું તેથી મારા વર્ગમાં બધાં મને ખૂબ હસે છે અને ત્યારે મને ખૂબ જ રડું આવે છે, તમારી ખૂબ જ યાદ પણ આવે છે. દાદી! એક દિવસ હું બપોરે શાળાએથી આવીને પોતાનો ચોટલો ગૂંથવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે શીલા મારી પાસે આવી. એણે જોયું કે મને ચોટલો ગૂંથતા બરાબર નથી આવડતું તેથી હવે રોજ સવારે એ મારી સાથે મને ચોટલો ગૂંથતા શીખવે છે, અને દાદી તમને ખબર છે! મને હવે ચોટલો ગૂંથતા આવડી ગયું છે. મને બરાબર ચોટલો ગૂંથવાનું શીખતા પાંચ દિવસ લાગ્યા! હવે વર્ગમાં મારા ચોટલાને જોઈને કોઈ નથી હસતું. દાદી! હું ઘરે આવીશ ને ત્યારે તમને જાતે ચોટલો ગૂંથી બતાવીશ.
તમારી વ્હાલી,
મીના.
મીનાનો કાગળ વાંચતા વાંચતા શાંતિબહેનના આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. "મારી મીનાને *કેશ ગુંફન* કરતાં આવડી ગયું." ખુશીના આંસુ સારતાં સારતાં તેઓ ફક્ત એટલું જ બોલી શક્યા અને ચિઠ્ઠીને છાતીએ ચાંપીને ફરીથી રડવા લાગ્યા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો