માતૃત્વનું અનાવરણ
"બેટા, આમ કેટલા દિવસ તું ઘરમાં બેસીશ? આ રીતે જીવન ન જીવાય, જીવનનું બીજું નામ જ હિંમત છે. દરેક પળમાં હિંમત કરવી અને અન્યાય સામે લડતા રહેવાનું જ મેં તને શીખવ્યું છે. તું આમ લાચાર બે-સહારા બનીને નહીં જીવી શકે કેમ કે હું તને આ પ્રમાણે જીવવાની અનુમતિ નથી આપતી." શ્વેતાની મમ્મી કડક શબ્દોમાં તેને જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની સલાહ આપી રહ્યા હતા.
બાવીસ વર્ષની શ્વેતાની એક વર્ષ પહેલાં જ વિશ્વાસ સાથે સગાઈ થઈ હતી. બંને એકબીજાને જાણવા સમજવા માટે અવારનવાર મળતા રહેતા અને થોડા મહિનાઓમાં જ બંને એકબીજાની અત્યંત નજીક આવી ગયા. લગ્નને ફક્ત એક મહિનો જ બાકી હતો અને અચાનક વિશ્વાસનું અકસ્માત થતાં કમનસીબે તે મૃત્યુ પામ્યો. આ આઘાતથી શ્વેતા તૂટી ગઈ, તેણે બહાર આવવા જવાનું બંધ કરી દીધું અને આખો દિવસ વિશ્વાસનાં ગમમાં ડૂબીને રડ્યા જ કરતી. એક દિવસ તે અચાનક બેભાન થઈ ગઈ. તેને દવાખાને ખસેડવામાં આવી, જ્યાં ડૉક્ટરે જણાવ્યું કે, "શ્વેતા ગર્ભવતી છે." આ વાતથી શ્વેતા અને તેની મમ્મીને ફરીથી આઘાત લાગ્યો. શ્વેતાએ મનોમન જીવન ટૂંકાવવાનું વિચાર્યું અને તેણે પ્રયત્ન પણ કર્યો, પરંતુ સદભાગ્યે તેની મા સમયસર પહોંચી અને શ્વેતાનો જીવ બચી ગયો. શ્વેતાને તેની માએ સમજાવતાં કહ્યું, "સમાજની દ્રષ્ટિએ આ ચોક્કસપણે તદ્દન ખોટું જ છે. પરંતુ તું શું વિચારે છે એ મારા માટે મહત્વનું છે."
"મમ્મી! આ મારા અને વિશ્વાસના પ્રેમની નિશાની છે." શ્વેતાએ રડમસ અવાજે કહ્યું.
"બસ બેટા! રડીશ નહીં. સમાજની ખૂબ જૂની પરંપરા છે, તે દરેક માટે કંઈક ને કંઈક બોલે જ છે. પરંતુ આપણે શું વિચારીએ છીએ તે અગત્યનું છે. હવેથી તારા જીવનનો નવો અધ્યાય શરૂ થાય છે અને આ વાત વિશ્વાસના પરિવારે જાણવી ખૂબ જ જરૂરી છે." શ્વેતાને હિંમત આપતાં તેની માએ કહ્યું.
"પણ... હું... એમને શું..." શ્વેતા ગભરાયેલી હતી.
ત્યારે તેની માએ કહ્યું, "બેટા! જેમ એક સ્ત્રી માટે માતા બનવું એ ખૂબ જ સુંદર અને અનન્ય લાગણી હોય છે તેમ પુરુષ માટે પણ પિતા બનવું તેટલું સુંદર અને અનન્ય હોય છે. વિશ્વાસ ભલે આ દુનિયામાં નથી, પરંતુ તેનો પરિવાર છે અને તેમને જાણવાનો પૂરો હક છે. બેટા! આ માતૃત્વ તારું છે અને તેનું અનાવરણ તારે જ કરવું જોઈએ."
શ્વેતાએ મમ્મીની વાત સાંભળીને હિંમત ભેગી કરીને વિશ્વાસના પરિવાર સમક્ષ પોતાના *માતૃત્વનું અનાવરણ* કર્યું. એકના એક દીકરાની નિશાની શ્વેતાની અંદર ઉછરી રહી છે એ વાત જાણીને તેઓ પણ ખુશ થયા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો