દર્પણની ગલીમાં

     "માફ કરજો, એક વાત કહું?" દરિયા કિનારે ઊભેલી માનસીને અચાનક એક અજાણ્યા વ્યક્તિએ કહ્યું.

     "હા, બોલો." માનસીએ કહ્યું.

     "તમે ખૂબ જ સુંદર છો." એ અજાણ્યા વ્યક્તિએ એકાએક અણધારી વાત કહી.

     "હા!!" માનસી એકાએક પોતાની સુંદરતાની પ્રશંસા સાંભળીને હેરાન થઈ પરંતુ તેને મનોમન ખુશી પણ થઈ.

     ના... ના, ખોટું ન લગાડતા. હું એક ફોટોગ્રાફર છું અને દરેક વસ્તુમાં સુંદરતા જોવી એ મારી આદત છે. તેમાં પણ આંખે ઉડીને વળગે એવી સુંદરતાને કેદ કરવી એ મારો વ્યવસાય છે. શું હું તમારા ફોટોગ્રાફ્સ લઈ શકું?

     સુંદરતાના કદરદાને આજે સુંદરતાને કેદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. થોડી હિચકિચાટ બાદ માનસીએ પણ હા કહ્યું અને પ્રણવે તેની સુંદરતાને પોતાના કેમેરામાં કેદ કરી. થોડા સમય બાદ પ્રણવે એ ફોટોગ્રાફસની પ્રદર્શની કરી અને માનસી રાતોરાત ખૂબ જ મોટી હસ્તી બની ગઈ. તેને નવા નવા મોડલિંગ પ્રોજેક્ટસ મળવા લાગ્યા અને તે સફળતાના શિખરે પહોંચી ગઈ.

     પરંતુ માનસીની એ સફળતા લાંબી ટકી શકી નહીં. એકવાર ફોટોશૂટ કરીને પછી ઘરે આવતી માનસીનું અકસ્માત થયું. ઝાડ તૂટીને તેની કાર પર પડ્યું અને ગાડીના કાચ ઉડીને તેના શરીરમાં ખૂપી ગયા. તેમાંથી તેનો ચહેરો પણ બાકાત રહી શક્યો નહીં અને તેની સુંદરતાને આ અકસ્માત હંમેશા હંમેશા માટે દૂર કરી ગયો.

     "માનસી! માનસી બેટા!"

     મમ્મીનો અવાજ સાંભળીને માનસી દર્પણ સામે ઊભીને તેની ગલીઓમાં ક્યાં ખોવાયેલી હતી, તે પાછી હકીકતમાં આવી.

    "હા, મમ્મી."

    "બેટા, નીચે આવ તો."

    "આવી..." કહીને તેણે ફરીથી દર્પણમાં જોયું અને બોલી, "માનસી એ સુંદરતા આ દર્પણની ગલીઓમાં જ ક્યાંક ખોવાઈ ગઈ."

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ