નટખટ પરી
"નટખટ પરી! ગઇ વખતે તમારી ભૂલ પર તમને છેલ્લી ચેતવણી આપવામાં આવી હતી કે જો હવે પછી તમારી ફરિયાદ આવશે તો તમને પરિસ્તાનમાંથી કાઢી મુકવામાં આવશે. આમ, ચેતવણી આપવા છતાં પણ તમારી ફરિયાદ આવી છે જેથી સજારૂપે તમારે એક મહિના માટે પૃથ્વી ઉપર જવું પડશે." રાણી પરીની સહેમતી સાથે ભગવાનને પોતાનો નિર્ણય સંભળાવ્યો.
પરિસ્તાનની સૌથી ચંચળ અને ખુશમિજાજ પરી હોવાથી નટખટ પરીને તેનું નામ 'નટખટ' મળ્યું હતું. ઘણીવાર તેને તેની ભૂલો અનદેખી કરીને માફ કરવામાં આવતી પરંતુ આ વખતે તેની ભૂલ માટે તેને સજા આપવી જ પડશે એમ વિચારીને તેને પરિસ્તાનમાંથી એક મહિના માટે પૃથ્વીલોક પર મોકલવામાં આવી, જેથી કે તે પોતાની ભૂલ સમજે અને ફરીથી અન્યને પોતાના જાદુથી હેરાન નહીં કરે.
નટખટ પરી પૃથ્વી પર આવી ત્યારે તે કોઈને ઓળખતી ન હતી. શું કરવું... ક્યાં જવું... તેને કંઈ ખબર ન હતી. તે સમયે લોકોનો અવાજ સંભળાયો ચાલો... ચાલો... જાદુ જોવા ચાલો, જાદુગર આવ્યો છે. નટખટ પરીએ વિચાર્યું પૃથ્વી પર કોણ છે જે અમારી જેમ જાદુ કરે છે! ચાલને હું પણ જોઉં.
નટખટ પરીએ જાદુ બતાવતાં જાદુગરને જોયો તો તે અચંભિત થઈ ગઈ. તે જાદુગર સાચો જાદુગર નહીં પણ જાદુગરનાં રૂપમાં શૈતાન હતો અને પરીઓનો દુશ્મન પણ હતો. એકવાર નટખટ પરી સાથે તેનો સામનો થયેલો અને નટખટ પરીએ તેના પરી મિત્રો સાથે તેને પરાજિત કર્યો હતો. તેમણે આ જાદુગર શૈતાનને ભગવાન પાસેથી સજા પણ કરાવી હતી. પરંતુ તે પૃથ્વી પર શું કરતો હશે તે નટખટ પરીને સમજાતું ન હતું. પૃથ્વી પર તે શું કરવા આવ્યો હશે એ વિચારીને નટખટ પરી ચિંતિત થઈ ગઈ અને પૃથ્વી પર કોઈ મુસીબત આવવાની છે તેની તેને ખાતરી થઈ ગઈ.
નટખટ પરી મદદ માંગવા પરિસ્તાન પણ ન જઈ શકતી હતી કેમ કે તેને સજા જો મળી હતી. બીજી બાજુ જાદુગર પક્ષીઓને માણસ અને માણસોને પક્ષીનું રૂપ આપી જાદુનો ખેલ કરી રહ્યો હતો. તેની નજર પણ હવે નટખટ પરી પર પડતાં તેને આગળની ઘટના યાદ આવી અને આ નટખટ પરી હવે એનો ખેલ શાંતિથી પૂરો નહીં થવા દેશે તે પણ તેને સમજાય ગયું. એટલે તેણે નટખટ પરીને પક્ષી બનાવીને કેદ કરી દીધી અને ત્યાંથી તે નટખટ પરીને લઈને જંગલમાં ગયો. જંગલમાં તેણે નટખટ પરીને અસલી રૂપમાં લાવીને પૂછ્યું, "તું અહીં શું કરે છે? તું ફરીથી મારો ખેલ બરબાદ કરવા આવી છે? ના, પણ આ વખતે તું કંઈ જ કરી શકશે નહીં કેમકે તારી પાસે તારી શક્તિઓ નથી તેમજ તારી મદદે પણ કોઈ નહી આવશે. તું પૃથ્વી પર છે, એટલે તને જરૂર સજા મળી છે. તેથી હું ગઈ વખતનો તારી પાસેથી બદલો લઈશ. તારા લીધે ગઈ વખતે મારા કામો બગાડ્યાં હતા અને મને સજા પણ મળી હતી. આ વખતે હું તને નહી છોડું", કહીને તે નટખટ પરીને હાનિ પહોંચાડવા આગળ વધ્યો પરંતુ નટખટ પરી પાસે એક વીંટી હતી જે તેના રક્ષણ માટે તેને તેની માતાએ આપી હતી, જેનાથી તે પૃથ્વી પર ખરાબ લોકોથી પોતાનો બચાવ કરી શકે. જોકે શૈતાન જેટલી તાકાત એના પાસે ન હતી પણ તે પોતાનો બચાવ કરવા સક્ષમ હતી. તેથી તેણે તે વીંટીથી પોતાનો બચાવ કર્યો અને જાદુગર શૈતાને જે લોકોને માણસમાંથી પક્ષી બનાવીને કેદ કર્યા હતા; નટખટ પરીએ જાદુગર સાથે મુકાબલો કરીને તેમને પણ છોડાવ્યા. જાદુગર શૈતાન જેવી રીતે બીજાને કેદ કરતો તે જ રીતે તેનાં જ જાદુનો ઉપયોગ કરીને નટખટ પરીએ જાદુગર શૈતાનને કેદ કરી લીધો અને પૃથ્વી પર પોતાની સજાનાં દિવસો તેણે અન્યોની મદદ કરીને પૂરા કર્યા.
સજા પૂર્ણ થતાં તે પરિસ્તાન પરત ફરી અને જાદુગર બનીને શૈતાન પૃથ્વી પર શું કરતો હતો તે બધાને જણાવ્યું. પોતે કેવી બહાદુરીથી તેનો મુકાબલો કર્યો તે પણ તે ખૂબ ગૌરાંવિત થઈને બધાને કહ્યું. પરીઓની રાણી અને અન્ય પરીઓ તેમજ ભગવાન ખૂબ ખુશ થયા. ઇનામ રૂપે નટખટ પરીને ભગવાને પોતાની ઇચ્છા મુજબ કંઈક માગવા કહ્યું, ત્યારે નટખટ પરી ફરીથી પોતાનું નટખટપણું બતાવતા પૃથ્વી પર જવા આવવાની મરજી મુજબની છૂટ માંગી. ભગવાને કહ્યું, "પૃથ્વી પર તો તમને સજા માટે મોકલ્યાં હતાં." "પરંતુ તે તો મારા માટે મજા થઈ ગઈ," કહીને નટખટ પરી ફરીથી પૃથ્વી પર જવા તૈયાર થઈ. ભગવાન અને રાણીપરી સાથે અન્ય પરીઓ પણ નટખટ પરીનાં આ ભોળા અંદાજ પર વારી ગયાં.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો