મદદની જરૂર કોને?
"મમ્મી,સૌથી સારું કામ કયું?" દેવે પ્રશ્ન કર્યો.
"જરૂરિયાતમંદોને મદદ કરવી." રસોઈ કરતાં મમ્મીએ કહ્યું.
"હમણાં સૌથી વધુ મદદની જરૂર કોને છે?" જિજ્ઞાસુ દેવે પ્રશ્ન કર્યો.
"બેટા, તું દાદાજીને પૂછ. મને રસોઈ કરવા દે." મમ્મીએ કહ્યું અને દેવે પ્રશ્ન દાદાજીને કર્યો.
દાદાજીએ સમજાવ્યું, "બેટા જરૂરિયાતમંદ તો ઘણાં બધાં છે, પણ આજકાલ સૌથી ખરાબ પરિસ્થિતિ તો આ ધરાની છે. તેથી મદદની જરૂરત સૌથી વધારે તો ધરાને જ છે."
"દાદાજી, ધરા તો કાલે મારી સાથે રમતી હતી; ત્યારે તો એકદમ સારી હતી." સાત વર્ષના દેવે જવાબ આપ્યો.
દાદાજી હસ્યા અને કહ્યું, "બેટા! ધરા એટલે આપણી ધરતી માં જેના પર આપણે રહીએ છીએ."
"આપણે ધરતી માંને કઈ રીતે મદદ કરી શકીએ?" દેવે ફરીથી પ્રશ્ન કર્યો.
"આપણે ધરતીને સાફ રાખીને, ગમે ત્યાં કચરો ન ફેંકીને અને સૌથી મહત્વનું...વૃક્ષો વાવીને." દાદાજી બોલ્યા.
"એમ ત્યારે હું પણ વૃક્ષો વાવીશ, અને મારા મિત્રોને પણ કહીશ. દાદાજી! હું વૃક્ષ વાવું તો મને ફળ ક્યારે ખાવા મળશે?" દેવના પ્રશ્નનો અંત જ ન આવતો હતો.
"બેટા! ફળ આવતા વાર લાગે. સૌપ્રથમ છોડ વાવવો પડે. એ છોડ ધીમે ધીમે વૃક્ષ બને તેના માટે એને રોજ પાણી અને સમયાંતરે ખાતર આપવું પડે. એની કાળજી લેવી પડે, જેમ તારી મમ્મી તારી કાળજી લે તેમ." દાદાજી પણ દેવની જિજ્ઞાસાને સંતોષવાના દરેક પ્રયાસ કરતા હતા.
થોડા દિવસ બાદ શાળામાં વેકેશન પડ્યું. દેવે પોતાના મિત્રો સાથે મળીને ઘણા બધા છોડ રોપ્યા. તેઓ રોજ તે છોડને પાણી આપતા અને દાદાજીની સલાહ મુજબ ખાતર પણ આપતા. તેઓ એ છોડની સાથે જ રમતાં. થોડા દિવસ બાદ શાળા શરૂ થઈ. દેવના અન્ય મિત્રો છોડને ભૂલતાં ગયા. પણ દેવ બરાબર છોડનું ધ્યાન રાખતો. હવે છોડને ખાતર અને પાણીની જરૂર ન હતી, કેમ કે છોડ હવે વૃક્ષ બની ગયું હતું; અને હવે તેના પર ફળ પણ આવવા લાગ્યા હતા.
દેવ પણ મોટો થઈ ગયો. અભ્યાસ અર્થે શહેરથી દૂર ગયેલો દેવ જ્યારે અભ્યાસ પૂર્ણ કરીને પરત ફર્યો, ત્યારે તેના દાદાજીએ કહ્યું, "દેવ યાદ છે, તું નાનો હતો; ત્યારે તેં આ છોડ રોપેલો. જે હવે મોટું વૃક્ષ થઈ ગયું છે. હવે તેના પર ફળ પણ આવે છે." "બીજા છોડ જે મારા મિત્રોએ રોપ્યા હતા તે?" દેવે પ્રશ્ન કર્યો. "તે પણ હવે વૃક્ષ થઈ ગયા છે." દાદાજીએ કહ્યું. "ધરાને બચાવવા તમે કરેલા કાર્યોમાં વૃક્ષ વાવણી સર્વ શ્રેષ્ઠ હતું. તેમજ તારા આ સત કાર્યનું ફળ તારી આવનારી અનેક પેઢીઓને મળતું રહેશે. અને હા, આ ધરા એટલે ધરતી. તારી સાથે બાળપણમાં રમતી ધરા નહીં." દાદાજીએ કટાક્ષ કર્યો. "દાદાજી! હવે હું મોટો થઈ ગયો છું." કહીને દાદા પૌત્ર બંને હસવા લાગ્યા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો