જતન
"માનવ, બેટા! આટલા જલ્દી કેમ જાય છે? હમણાં જ તો તું આવ્યો હતો. પહેલા તો પંદર દિવસે આવતો હવે તો એકથી બે મહિના સુધી તું દેખાતો જ નથી." શાંતાબેને ફરીયાદ કરી.
"માફ કરી દો, મમ્મી. હવે પ્રયત્ન કરીશ કે જલ્દી આવી શકું." માનવે સમજાવવાનો પ્રયત્ન કર્યો.
"તું હંમેશા કહે છે, પણ આવતો નથી. શાંતાબેન હજુ પણ ગુસ્સે જ હતાં.
"મમ્મી, પ્લીઝ! માની જાઓ. હું પાછો આવીશ ત્યારે આપણે ઘરે જઈશું અને જો તમે નારાજ રહેશો તો હું કઈ રીતે જઈશ?" માનવ શાંતાબેન પર પ્રેમ ઠાલવી રહ્યો હતો.
"બસ, મને મનાવતા તો કોઈ તારી પાસેથી શીખે." શાંતાબેને ઓગળતા ગુસ્સા સાથે બોલ્યા.
"અને હા મમ્મી! પપ્પા ક્યાં છે?" માનવે પૂછ્યું.
"હશે બાગકામ કરતા; એમને તો બાગ જ ગમે...ખબર તો છે તને." શાંતાબેને જવાબ આપ્યો.
"સારું ત્યારે એમને મળીને હું નીકળી જઈશ. જલ્દી આવીશ, તમે તમારું ધ્યાન રાખજો અને પપ્પાનું પણ." કહીને માનવ નીકળી ગયો.
માનવ અને શાંતાબેનની વાતો બાલ- વૃદ્ધ સંગમ ઘરમાં નવા આવેલ સદસ્ય મીનાબેન સાંભળી રહ્યા હતાં. માનવનાં ગયા બાદ શાંતાબેનને તેમણે પૂછ્યું, "એ તમારો દીકરો હતો?"
"હા," શાંતાબેને ટૂંકમાં જવાબ આપ્યો.
"આજના દીકરાઓ આવા જ હોય છે. ઉપર ઉપર પ્રેમ બતાવે પણ મનમાં તો કંઈક બીજું જ ચાલતું હોય." મીનાબેન પોતાનો આક્રોશ ઠાલવતા હતા.
"ના,ના તમે ખોટું સમજી રહ્યા છો." શાંતાબેને તેમની મુંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો.
"મારો દીકરો પણ કહેતો કે હું તમને ક્યારેય એકલા નહી છોડુ પરંતુ આજે જોવ હું ક્યાં આવી ગઈ છું!" મીનાબેનની આંખમાંની વેદના છલકાઈ ગઈ.
શાંતાબેને એમને શાંત કર્યા અને કહ્યું, "માનવે જ આ બાલ- વૃદ્ધ સંગમ ઘર બનાવ્યું છે અને એ મારો દીકરો પણ નથી."
"તો પછી એ તમને મમ્મી કેમ કહેતો હતો?" મીનાબેનને જિજ્ઞાસા થઈ.
મેં માનવને જન્મ નથી આપ્યો. હું અને એના પપ્પા અમે પાલક માતા-પિતા છીએ. માનવ મોટેભાગે બહાર જ રહે છે, અમને મળવાનો તેને ખૂબ જ ઓછો સમય મળે છે તેથી તેણે આ ઘર બનાવડાવ્યું. અમને બાળક અને મિત્રોની ખોટ ન સાલે એ માટે.
"તો પછી માનવનાં અસલી માતા- પિતા?" મીનાબેને પ્રશ્ન કર્યો.
"હું જ્યારે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે મારી ખાસ મિત્ર લગ્ન પહેલાં ગર્ભવતી થઈ ગઈ. તેના પ્રેમીએ તેને ગર્ભવતી થઇ પછી થોડા મહિના બાદ છોડી દીધી. તેના વિશ્વાસઘાતને તે ક્યારેય ભૂલી ન શકી. માનવમાં તેને તેનો વિશ્વાસઘાતી પ્રેમી દેખાતો તેથી તેનાં જન્મ બાદ તેણે માનવનો અસ્વીકાર કર્યો અને માનવને અનાથાશ્રમમાં છોડવાનો નિર્ણય કર્યો. પરંતુ હું એ કુમળા છોડ જેવા બાળકનો તિરસ્કાર ન કરી શકી. તે સમયે હું પણ કુંવારી જ હતી, મારા પતિએ મારી સાથે લગ્ન કરીને મારો સાથ આપ્યો અને અમે માનવનો ઉછેર કર્યો." શાંતાબેને કહ્યું. મીનાબેન મૌન થઈ બધું સાંભળી રહ્યા હતાં.
શાંતાબેને આગળ કહ્યું જ્યારે માનવને આ વાતની જાણ થઈ ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું, "મમ્મી- પપ્પા હું નસીબદાર હતો; બીજા મારા જેટલાં નસીબદાર ન હોય તે માટે હું એવા બાળકોને માતા-પિતા આપવા માંગું છું અને સંતાન વિનાના માતા-પિતાને બાળક." તેથી તેણે આ ઘરનું નિર્માણ કર્યું. તે આવા તો ઘણા બધાં ઘરો બનાવવા માંગે છે.
"અમારું પોતાનું કોઈ સંતાન નથી, જે છે તે માનવ જ છે. પરંતુ મને એ વાતની વધુ ખુશી થાય છે કે જે કુમળા છોડનું અમે જતન કર્યું તે આજે વટવૃક્ષ બનીને અન્ય કુમળા છોડ અને પાનખર બેસેલ વૃક્ષને સંરક્ષણ પૂરું પાડવાનો અથાગ પ્રયત્ન કરે છે." શાંતાબેન ગર્વથી બોલી રહ્યાં.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો