ફતિમાગુલની ચિઠ્ઠી

 બાળકો ગઈ કાલે આપણે કઈ રીતે પત્ર લખાઈ તે શીખ્યા. આજે તમારે બધાંએ પોતાનાં પરિવારનાં કોઈ એક સદસ્યને પત્ર લખવાનો છે. "તમે કોને પત્ર લખશો?" શિક્ષકે પૂછયું. વિદ્યાર્થીઓ પોતે કોને પત્ર લખશે તે જણાવવા લાગ્યા. પરંતુ ફાતિમા કંઈ બોલી નહીં. થોડી વાર બાદ દરેક વિદ્યાર્થી પોતાનાં પરિવારનાં સૌથી પ્રિય વ્યક્તિને પત્ર લખીને શિક્ષકને આપવા લાગ્યા. ફાતિમાએ સૌથી છેલ્લે શિક્ષકને પોતાનો પત્ર આપ્યો. પછી શિક્ષકે વર્ગ સમક્ષ દરેક વિદ્યાર્થીઓનાં પત્ર વાંચવાનું શરુ કર્યું. એક પછી એક પત્ર વાંચતાં છેલ્લે એમના હાથમાં અંતિમ પત્ર આવ્યો. પત્ર પર સૌથી ઉપરનાં ભાગમાં લખ્યું હતું, *ફાતિમા ગુલની ચિઠ્ઠી અલ્લાહના નામે...*  શિક્ષકે આટલું વાંચ્યું કે બધાં જ વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. શિક્ષકે વર્ગનાં બાળકોને શાંત કરાવતાં પત્ર આગળ વાંચ્યો...

     "અલ્લાહ! અબ્બાને હું પૂછું છું કે અમ્મી ક્યાં છે? તો અબ્બા કહે છે કે અમ્મી તમારી પાસે છે. મેં પૂછ્યું કેમ? તો કહેવા લાગ્યા કે તમને અમ્મીની જરૂર છે. પણ અલ્લાહ મને અમ્મીની ખૂબ જ યાદ આવે છે. મને અમ્મી વગર જરા પણ ગમતું નથી. હું શાળાએ આવું ત્યારે અમ્મી જ મને બે ચોટલી કરી આપે પણ હમણાં કેટલાક દિવસથી અબ્બા કરે છે. અબ્બા કંઈ સારી ચોટલી નહીં કરે, એમને ચોટલી કરતાં નથી આવડતું. મારી ચોટલી રોજ છૂટી જાય છે એટલે બધાં મને હસે છે. અબ્બા શાક-રોટલી પણ બરાબર નથી બનાવતાં. એમની રોટલી રોજ બળી જાય છે. મને અમ્મીનાં હાથનું જ ખાવાનું ભાવે છે. અમ્મી વગર અબ્બાને રોજ ઑફિસ જવામાં મોડું થઈ જાય છે. અલ્લાહ તમે અમ્મીને અમારી પાસે પાછાં ક્યારે મોકલશો? મને અને અબ્બાને તમારાં કરતાં વધારે અમ્મીની... જરૂર છે." શિક્ષકની આંખોના ઝળઝળિયાંએ પત્રના આગળનાં શબ્દોને અદ્રશ્ય કરી દીધા.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ