જો સ્વપ્ન સાચું થાય તો...
"મારી પાસે જો કોઈ જાદુ હોત તો હું આ આખી દુનિયા બદલી નાખત. દુનિયા નહીં તો ઓફિસ તો બદલી જ નાખત." કોઈ કોઈને સમજતું જ નથી. રોજ રોજની તકલીફોથી કંટાળીને તુલસી એક જગ્યા પર એકલી આવીને બેઠી અને પોતાની સાથે જ વાતો કરી રહી હતી. ત્યાં એક વ્યક્તિ હતો એણે તેને કહ્યું કે "આ લે, હું તને કંઈક આપું છું." અને તે વ્યક્તિએ તુલસીને કંઈક આપ્યું. તુલસીને તો કંઈ સમજ ન પડી, તેણે જોયું તો એ એક ચિરાગ હતો. એ કંઈ સમજે અને બોલે તે પહેલાં તો તે માણસ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો.
તુલસીને કંઈ સમજાયું નહીં. તે અસમંજસમાં જ પોતાના ઘરે આવી અને ચિરાગને ટેબલ પર મૂકી દીધો. તેનો નાનો ભાઈ રમતાં રમતાં તેના રૂમમાં આવ્યો અને ટેબલ પર ચિરાગને જોઈને અલાદીનનો ચિરાગ તેને યાદ આવતાં તેણે તેને ઘસ્યો. તેવામાં તો તુલસી બાથરૂમમાંથી બહાર આવી અને તેના ભાઈને ગુસ્સામાં રૂમમાંથી જવા કહીને દરવાજો બંધ કરી દીધો. જેવો તેનો ભાઈ ગયો કે ચિરાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને જીન બહાર આવ્યો.
જીને પૂછ્યું, "બોલ તારી ઈચ્છા શું છે?" તુલસી તો સ્તબ્ધ રહી ગઈ. પહેલાં તો એને કંઈ સમજાયું નહીં પછી તે ધીમેથી બોલી, "અમારી ઓફિસમાં ઘણો ભ્રષ્ટાચાર છે, તેને દૂર કરો. કોઈ સારા વિચારને માન જ નથી આપતું; બધા ફક્ત પોતાનો જ ફાયદો જોઈ છે." "તારી ઈચ્છા પૂર્ણ થાઓ" જીન એટલું બોલ્યો ને પછી અદ્રશ્ય થઇ ગયો.
બીજે દિવસે તુલસી ઓફિસમાં ગઈ તો તેણે જોયું કે આખુ ઓફિસ બદલાયેલું અને વાતાવરણ પણ સકારાત્મક હતું. ઓફિસના લોકો એકબીજાના મંતવ્યોને માન આપતા હતાં. પ્રવર- અવર (સિનિયર-જુનિયર) જેવું કંઈ નહોતું. બધાં પોત પોતાનું કામ ઈમાનદારીથી કરતા હતા. ઓફિસની કાયાપલટથી તે ખૂબ જ હેરાન હતી પછી એને યાદ આવ્યું કે આ જાદુઈ ચિરાગનાં જીનનો કમાલ હોવો જોઈએ. તે ખૂબ જ ખુશ થઇ ગઈ અને મનમાં ને મનમાં જીનનો હૃદયથી આભાર માની રહી હતી કે તેની મમ્મીનો અચાનક અવાજ સંભળાયો.
તુલસી! બેટા તુલસી ઉઠી જા; નહિતર તને ઓફીસ જવામાં મોડું થશે, અને તુલસી જાગી ગઈ. જાગીને જોયું તો તે પોતાના ઘરમાં હતી પછી નિઃસાસો નાખતાં બોલી, "હું સપનું જોતી હતી! કાશ, મારું સપનું સાચું થઈ જાય તો દુનિયા કેટલી સુંદર થઈ જાય. પણ એની શક્યતા... વાક્ય અધૂરું છોડીને તે પોતાનું રોજીંદુ કાર્ય કરવા લાગી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો