કેડી
*પ્રસ્તાવના*- વિપરીત પરિસ્થિતિ જીવનમાં સાહસ ને જન્મ આપે છે. જો એ સાહસ સાથે જીવનમાં આગળ ડગલું ભરવામાં આવે તો સમાજમાં નવી કેડી કંડારી શકાય.
હું લગ્ન મારી શરતે જ કરીશ. એ મક્કમ સ્વરને હંમેશા શ્રિયાના માતા- પિતા નરમ કરવાનો પ્રયાસ કરતા. પરંતુ તેઓ જેટલો પ્રયાસ કરતાં સ્વર એટલો જ મજબૂત થતો જતો.
શ્રિયા અને પ્રિયા નીતાબેન અને હરેશભાઈ ની આંખના તારાઓ. પરંતુ પ્રિયા નામનો તારો ઝાંખો પડતા શ્રિયા નામના તારામાં વધુ તેજ આવવા લાગ્યું. પાંચ વર્ષ પહેલા પ્રિયાના લગ્ન નક્કી થઈ ગયા હતા. તે એક દિવસ તેના મંગેતરને મળવા જઈ રહી હતી. અચાનક સામેથી ટ્રક આવ્યો અને પ્રિયાની સ્કુટી સાથે અથડાઇ ગયો. ભયંકર અકસ્માત થયું. જેના પરિણામ સ્વરૂપે પ્રિયા હંમેશા માટે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠી. લગ્નેતર જો વહુ બોજ બનતી હોય તો કોણ લગ્ન કરે? તેથી પ્રિયાના લગ્ન પણ તૂટી ગયા. નીતાબેન અને હરેશભાઈને દીકરો ન હોવાથી બંને બહેનો જ માતા-પિતાનું ધ્યાન રાખશે, એવું નક્કી કરેલું. પરંતુ સંજોગોએ શમણા પર પાણી ફેરવી દીધું.
ઘરની પરિસ્થિતિ જોતા શ્રિયાએ નક્કી કર્યું કે તે હવે લગ્ન કરશે નહીં. પરંતુ માતા-પિતાના દબાણ હેઠળ તેણે શરતી લગ્ન કરવાની હામી ભરી. કારણ કે વૃદ્ધાવસ્થાને ઉંબરે ઉભેલા મા-બાપ ક્યાં સુધી માનસિક રીતે અસંતુલિત પુત્રીનું ધ્યાન રાખશે? શ્રિયાની શરત એ હતી કે, 'જે છોકરો ઘર જમાઈ બનશે તેની સાથે જ તે લગ્ન કરશે'. પરંતુ પુરુષ પ્રધાન સમાજમાં તો આવું કઈ રીતે બને? તેથી શ્રિયા માટે શરૂઆતમાં જે માંગા આવતા હતા તે પણ હવે બંધ થઈ ગયા.
શ્રિયા પુરુષ પ્રધાન સમાજમાં પરંપરાથી તદ્દન વિપરીત *કેડી* કંડારવાનો પ્રયત્ન કરી રહી હતી. જે લોખંડના ચણા ચાવવા જેવી વાત હતી. આ વાતની જાણ એક દિવસ નીતાબેન અને હરેશભાઈએ પોતાના અંગત મિત્ર દંપતી સુશીલાબેન અને મહેન્દ્રભાઇને કરી. તે વખતે તેમનો દીકરો શિવાંશ પણ ત્યાં જ હતો ને વાત સાંભળી રહ્યો હતો. તેને શ્રિયા વિશે થઈ રહેલી ફક્ત વાતો સાંભળવાથી જ તે ગમી ગઈ. તેથી તેણે પોતાના માતા-પિતાને શ્રિયા સાથે લગ્ન કરવાની વાત જણાવી. શ્રિયાની શરત ને લીધે માતા પિતાનો વિરોધ આવ્યો. પરંતુ તેમને સમજાવતા શિવાંશે કહ્યું કે શ્રિયા તેની જગ્યાએ સાચી છે. તેની શરત મને મંજુર છે. હું એના આ મનોબળ અને સાહસને બિરદાવું છું. શિવાંશે ઉમેર્યું કે 'મમ્મી- પપ્પા તમે ફક્ત એક દીકરાના માતા-પિતા તરીકે અને પરંપરાગત સમાજની રીતથી વિચારો છો. એક છોકરીના દ્રષ્ટિકોણથી જુઓ તો તમને સમજાશે કે એક દીકરી માટે આવો નિર્ણય લેવો કેટલું કઠિન રહ્યું હશે! અને હું તેને આ *સાહસની નવી કેડી* કંડારવામાં સાથ આપવા માંગુ છું. શિવાંશની વાતને ધ્યાન પર લેતા બંને પરિવારો સમાજમાં એક નવી *કેડી* કંડારવા જઈ રહ્યા હતા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો