આપણું ઘર

 

    *આપણું ઘર* વૃદ્ધાશ્રમમાં આજે એક કાર્યક્રમ યોજાયેલ હતો. દર વર્ષે અહીં એ કાર્યક્રમ યોજાતો. દર વર્ષે વૃદ્ધો તેમના આપણું ઘરમાં આવવાના અને તેના પહેલાના અનુભવો વર્ણવતા. આપણું ઘરમાં આવવાની એમની મજબૂરી, કેવી સ્થિતિમાં તેઓ અહીં આવ્યા ? ટૂંકમાં, પોતાના અત્યાર સુધીના જીવનનો સાર કહેવાનો, તેમના અનુભવો કહેવાનો, જીવનની ખાટી- મીઠી યાદોને વાગોળવાનો અને આપણું ઘર સાથે એક મજબૂત સંબંધ પ્રસ્થાપિત કરવાનો આ દિવસ હતો.
     ઘણા વર્ષોથી ત્યાં રહેતા બધા આપણું ઘરની આ પરંપરાથી વાકેફ હતા. અહીં તેમને પોતાના પહેલાના ઘરથી પણ વધુ પોતાનું લાગતું હતું અને આપણું ઘર હતું પણ એવું જ. અતિશય પ્રેમાળ, હૂંફ અને લાગણીથી ભરપૂર. પરંતુ આ વાતથી હમણાં હમણાં જ આવેલ મનસુખભાઈ અજાણ હતા. તેઓ આજે આ થઇ રહેલ શોર-કિલ્લોલથી કંઈક અલગ જ પોતાની દુનિયામાં ખોવાયેલા હતા. કાર્યક્રમ શરૂ થવાનો હતો. જ્યારે રમેશભાઈ આવીને તેમના વિચારોના વમળમાં એક નાનો મનસુખભાઈ નામ રૂપી પથ્થર ફેંક્યો ત્યારે તેઓ ભાનમાં આવ્યા. આંખોના આંસુને છીપાવતા ખોટું હાસ્ય મલકાવીને રમેશભાઈ સાથે કાર્યક્રમમાં ગયા.
     દરેક વ્યક્તિ મોટાભાગે પોતાના આપણું ઘરમાં આવીને જે સુખદ અનુભવો થયા તેને જ વાગોળતા હતા. થોડીવાર પછી મનસુખભાઈનો વારો આવ્યો પરંતુ મન દુખી હતું તેથી તેઓ બોલવા ન માગતા હતા, છતાં પણ બધાની જીદથી તેઓ ઊભા થયા. પોતાના વિચારો રજુ કરે તે પહેલા લાગણીના મારાએ શબ્દો પહેલા મોતી ટપકાવી મૂક્યું. વાતાવરણ થોડું ગંભીર બની ગયું. આંસુ છીપાવતા તેમણે કહેવાનું શરૂ કર્યું-

ખુશ છું આવી અહીં, પરંતુ દિલ દુભાય છે કેમ?
હસતા હસતા ક્યારેક અચાનક આંસુ છલકાય છે કેમ?
છુપાવું છું; મનાવું છું; મનમાં ભરી યાદોનો હેમ,
સ્મૃતિપટ પર અંકિત શિલાલેખને મિટાઉં કેમ?
આજે આ ઝાડ પૂછે છે એના વિખૂટા પાંદડાને એમ
પ્રશ્ન કરું કે રહેવા દઉં મન મૂંઝે શાથી એમ?
આજે ખોલ્યા છે અધર તો પ્રશ્ન થાય છે એમ
તે મને છોડ્યું એ સત્ય છે કે મારો વ્હેમ?

     આથી વધુ તેવું કંઈ પણ ન કહી શક્યા. કારણ કે મનસુખ નામથી ઓળખાતા તેઓ આજે મનથી જ અત્યંત દુઃખી હતા. હોય પણ કેમ નહીં! પોતાના લોહી પસીનાથી બનાવેલ ઘરથી *આપણું ઘર* સુધીની એમની યાત્રાનું કારણ ક્યાં ખબર હતી એમને?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ