સંવેદના
ઝરૂખામાં ઊભા રહીને સવારનું સૌંદર્ય નિહાળતાં હર્ષદભાઈએ કંઈક જોયું અને એમનું મન કંપી ગયું. મેદાનમાં એક નાનું કબૂતર બેઠું હતું અને તેનાથી થોડે દૂર એક કૂતરો ઊભો હતો. કબૂતરને જોઈને તેણે તેને પકડવા દોટ મૂકી ત્યારે પોતાનો જીવ બચાવવા કબૂતર જેવું ઉડ્યું કે તરત જ બિલ્ડિંગ (મકાનને) અથડાઈને ભોંય તળિયે પડ્યું.
હર્ષદભાઈ ઝરૂખામાંથી જોઈ રહ્યાં હતાં તેથી તેઓ તરત જ નીચે પારેવાંને લેવા ગયા. જેવું તેમણે તેને ઊંચક્યું ત્યારે જોયું કે બરાબર પત્થરનો ઘા તેના હૃદય પર વાગ્યો હતો. તેઓ કબૂતરને પોતાનાં ઘરે લઈ આવ્યા. જેવાં તેઓ લિફ્ટમાં ગયા કે કબૂતરે તેમને ધીમેથી આંખો ખોલીને જોયું અને પછી તરત જ આંખો મીંચી દીધી; જાણે કે તેણે જાણી લીધું કે હવે તે સુરક્ષિત હાથોમાં છે. ઘરે લાવીને હર્ષદભાઈએ કબૂતરનાં ઘાવ સાફ કર્યા અને તેના પર મલમ લગાવ્યો ત્યારે એણે ફરીથી આંખો ઉઘાડી. હર્ષદભાઈએ તેને પાણી પાયું અને કબુતરે ફરીથી તેની આંખો મીંચી દીધી, આ વખતે હંમેશાં માટે... આ બધું હર્ષદભાઈની દીકરી મીની જોઈ રહી હતી. ઘાયલ કબૂતર માટે તેનાં હૃદયમાં એક સંવેદના જાગી હતી અને તે સંવેદના કબૂતરની આંખો મીંચાતાં *આંખોમાં વેદનાનો ડૂમો* લઈ આવી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો