ગ્લાનિ
"મોહન આ પાંચ ફાઈલના ડેટા કાલ સવાર સુધીમાં આપવાના છે, થઈ જશે?" મેનેજરે મોહનને કહ્યું.
"પણ હમણાં તો જવાનો સમય થઈ ગયો છે." દિવસભરનો થાક મોહનનાં અવાજમાં ઉતરી આવ્યો.
"તું ઓવરટાઈમ કરી લે, આનું ત્રણ ગણું વળતર મળશે." મેનેજરે કહ્યું.
ત્રણ ગણું વળતર સાંભળીને મોહનની આંખોમાં ચમક આવી ગઈ. એનો થાક ક્યાંક અદ્રશ્ય થઇ ગયો. ત્યારે મોહનને તેનાં સહકર્મી મિત્ર કિશને પૂછ્યું, "તું પૈસા પાછળ આટલો પાગલ કેમ છે?"
"તને ખબર છે કિશન! મારા પિતાજી પૈસાના અભાવે મૃત્યુ પામ્યા હતાં. જો તે દિવસે મને પાંચ સો રૂપિયાની કોઈકે મદદ કરી હોત તો આજે પિતાજી જીવતા હોત. મેં કોની પાસે મદદ ન માંગી, શું ન કર્યું! પણ પિતાજીને બચાવી ન શક્યો. એ વાતની ગ્લાનિ મને જીવનભર રહેશે." મોહને જવાબ આપ્યો.
"છતાં પણ મારું માનવું છે કે પૈસા જીવનમાં બધું નથી હોતાં." કિશને કહ્યું.
"તું એવું એટલે કહી શકે છે કિશન, કેમ કે તેં આ પૈસાનો અભાવ જોયો નથી. એના અભાવે તેં તારા પ્રિયજનને ગુમાવ્યાં નથી." મોહનની વાત શૂળની જેમ કિશનના હૃદયમાં ભોંકાય ગઈ. પરંતુ તે મોહનને કંઈ જવાબ ન આપી શક્યો. "હું ઘરે જાઉં છું. તું કામ પતાવ." ફક્ત એટલું કહીને કિશન પોતાના ઘરે આવ્યો.
ઘરે આવીને તેણે ટેબલનાં ખાનામાંથી એક ફોટો કાઢ્યો. તે ફોટાને જોઇને તે પહેલાં તો ખૂબ રડ્યો. પછી ફોટાને જોતાં તે બોલ્યો, "પૈસાના અભાવે નહીં પરંતુ તેની ઘેલછામાં મેં મારા એક નહીં પરંતુ બે પ્રિયજનને ગુમાવ્યાં છે. એક મારી પત્ની અને બીજુ મારું બાળક. જો તે દિવસે હું એ ડીલ (deal) કરવા માટે ન ગયો હોત તો કદાચ મારી પત્ની અને બાળકને બચાવી શક્યો હોત. હું લોહીના બાટલાની પૂરતી સગવડ કરી શક્યો હોત. જો કે ડોક્ટરોએ તારા માટે (પોતાની પત્નીના ફોટાને જોતાં બોલ્યો) લોહીના બાટલાની સગવડ કરવાના ઘણાં પ્રયત્નો કર્યા, પણ છેવટે પૂરતાં બાટલા ન મળ્યા. અંતે મેં તમને બન્નેને ગુમાવ્યાં. જો હું તે સમયે ત્યાં હોત તો ક્યાંયથી કંઇપણ કરીને...." વાક્ય અધૂરું રહ્યું, પણ કિશનની આંખમાંથી આંસુ સદંતર વહેતા રહ્યાં.
"આજે મારી પાસે જોઈએ તેટલા પૈસા છે. પણ તેનો શો અર્થ? આ મારા ઘરમાં જે મારા જીવનની સાચી મૂડી હતી, તેને તો મેં વર્ષો પહેલાં આ કાગળ કમાવવાની ઘેલછામાં ગુમાવી દીધી." તે પોતાનું ખાલી ઘર અને તિજોરીમાં પડેલ પૈસાને ગ્લાનિ સાથે જોતા બોલી રહ્યો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો