મિત્રતા

 

સાંભળ્યું છે કે જો કોઈ મિત્રતા જીવનનાં સાત વર્ષ સુધી ટકી રહે તો તે જીવનપર્યંત ટકી રહે છે. જીયા અને પિયા બન્ને બાળમંદિરમાં પહેલીવાર મળેલા. તેઓ ત્યારથી સાથે. ધોરણ એક થી સાત દરમિયાન પણ સાથે જ હોવાથી તેમની મિત્રતા એક અનેરા સ્નેહ સંબંધમાં પરિણમેલી. ઘણા લોકો તો તેમને જુડવા બહેનો સમજતાં. એમની મિત્રતામાં એટલો બધો સ્નેહ હતો કે શિક્ષકો ગાઢ મિત્રતાના ઉદાહરણ રૂપે તેમની મિત્રતાનું ઉદાહરણ આપતા.

       ત્યારબાદ ધોરણ આઠમાં નવી શાળામાં પણ સાથે જ પ્રવેશ મેળવ્યો. પરંતુ અહી કંઈક બદલાયું, અને તે હતા એમના વર્ગો. બન્નેને અલગ-અલગ વર્ગમાં પ્રવેશ મળ્યો. તેથી તેઓ દુઃખી થયા. પરંતુ તે દુઃખને તેઓ રીસેસ દરમિયાન મળીને તેમજ સાથે જમીને ભૂલી જતાં. થોડા મહિના આમ ચાલ્યું. પછી ધીમે ધીમે વર્ગમાં હરીફાઈ વધવાથી બન્નેએ ભણવામાં મન લગાડ્યું અને તેમનું મળવાનું ઓછું અને ત્યારબાદ જાણે કે બંધ જ થઈ ગયું. અગિયારમાં ધોરણમાં જીયાએ સાયન્સ અને પિયાએ આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. શાળા એક જ હોવા છતાં શાળાનાં પરિસર સિવાય બન્નેનું મળવાનું થતું નહીં. આમ, શાળાના સોનેરી દિવસો વીતી ગયા.

       અગિયાર વર્ષ બાદ ૬ સપ્ટેમ્બરે પિયાએ શાળાની એક મિત્ર પાસેથી જિયાનો નંબર મેળવીને તેને સંદેશો મોકલ્યો.
"હાય જીયા!"
"હું પિયા! યાદ છે?"
"આજે તારો જન્મદિવસ છે તો જન્મદિવસની ખુબ ખુબ શુભકામના."
       થોડીવાર બાદ જીયાનો પ્રત્યુત્તર આવ્યો,
"હા, યાદ છે."
"ખુબ ખુબ આભાર."
"પણ તને મારો નંબર ક્યાંથી મળ્યો?"
"બસ મળી ગયો" પિયાએ કહ્યું.
       આવા જવાબ થકી પિયા વાતને આગળ વધારવા માંગતી હતી. પરંતુ ત્યારબાદ જીયાનો કોઈ જવાબ આવ્યો નહીં.
       એક મહિના પછી પિયાનો જન્મદિવસ હતો. તેની જેમ જીયાને પણ તેનો જન્મદિવસ યાદ જ હશે એવી પિયાને આશા હતી. પરંતુ બહુ રાહ જોવા છતાં પણ જીયાનો કોઈ મેસેજ ના આવ્યો. આ વાતને પણ આઠ મહિના થઈ ગયા છે. પિયા આજે પણ તેમની મિત્રતાની મીઠી યાદોને વાગોળે છે અને જીયાનાં મેસેજની રાહ જુએ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ