તું ઝાકળ બની વરસી જા
કોરું જીવન આ વર્ષોથી, તું વરસાદ બની વરસી જા;
તરબોળ ન કરવું હોય તો, છેલ્લે ઝાકળ બની વરસી જા.
રાહ જોઉં છું મંઝિલની, તું માર્ગ બની મળતો જા;
મૃગજળ દેખી આગળ વધુ, તું ઝાકળ બની વરસી જા.
બંધ રાખ્યા મેં દિલનાં દરવાજા, તું આવીને ખોલી જા;
હ્રદય ભીનું કરવું મને, હવે તું ઝાકળ બની વરસી જા.
ભીનાશ ભલે ન મળે વર્ષાની, તું પર્યાય વર્ષાનો બની જા;
મોતી બની જે પર્ણે ચમકે, તે ઝાકળ બની વરસી જા.
જીવન સૂનું રણ રેતીનું, તું ક્ષણનાં પગલાં ભરતો જા;
ક્ષણનું જીવન બક્ષ થોરને, તું ઝાકળ બની વરસી જા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો