સત્યથી સફળતા સુધી
"આ કામ ક્યાં સુધી કરવું પડશે? મેં તને કીધું હતું ને કે હું આ કામ હવે નહીં કરું; તને કેટલી વાર કહેવાનું હોય! આટલી સરળ વાત સમજવામાં તને કેમ આટલી મુશ્કેલી પડે છે?" વિનય કંટાળીને રશ્મિને કહી રહ્યો હતો.
"તારી પાસે કોઈ રસ્તો નથી, વિનય. તારે કરવું જ પડશે." પોતાનો મોબાઈલ બતાવતાં... "તને યાદ છે કે પછી..." રશ્મિએ વિનયને ધમકાવ્યાં બાદ આગળ કહ્યું, "આ છેલ્લી વાર છે આટલું કામ કરી દે પછી તને નહીં કહું."
"આ હું ઘણાં સમયથી સાંભળું છું. પણ તારી માંગણીઓ પૂરી જ નથી થતી, તને ખબર છે રશ્મિ આમાં કેટલું જોખમ છે; એક વાત તો કહે, તું મારી મિત્ર છે કે પછી..." વિનય વાક્ય અધૂરું છોડ્યું.
રશ્મિ અને વિનય મિત્ર હતા. બંને એક સાથે જ કોલેજમાં અભ્યાસ કરતાં. વિનય રશ્મિને પસંદ કરતો તેથી તેની દરેક વાત માનતો. બંનેને એકસાથે એક જ કંપનીમાં કામ કરવું હતું પરંતુ વિનયને પહેલા નોકરી મળી ગઈ. રશ્મિએ ખૂબ માથાકૂટ કરી કે તેને પણ વિનય સાથે જ નોકરી મળે પરંતુ એવું થઈ શક્યું નહીં. ઊલટું રશ્મિને વિનયની હરીફ કંપનીમાં નોકરી મળી. રશ્મિ શરૂઆતથી જ વધુ પડતી મહત્વાકાંક્ષી હતી. તેની આ મહત્વાકાંક્ષાને તેની કંપનીના માલિક જાણી ગયા અને તેમણે બઢતી (પ્રમોશન)નાં બહાના હેઠળ રશ્મિ પાસે ખોટા કામો કરાવવાનું શરૂ કર્યું.
રશ્મિ જાણતી હતી કે વિનય તેને પસંદ કરે છે તેથી તેનો ફાયદો ઉઠાવવા લાગી. વિનય પણ રશ્મિ દ્વારા કહેવામાં આવેલ દરેક કાર્ય કરવા લાગ્યો. પરંતુ તેને અંદરખાને ખબર હતી કે તે ખોટું કરી રહ્યો છે. જ્યારે તે રશ્મિ સામે આનાકાની કરતો ત્યારે રશ્મિ કહેતી કે સાગરમાંથી એક લોટો પાણી ઓછો થઈ જાય તો સાગરને કંઈ ફરક નહીં પડે. તારી કંપનીનો જો એક નાનો પ્રોજેક્ટ અમારી કંપનીને મળી જશે તો તારી કંપનીને કંઈ ફરક નહીં પડે અને વિનય રશ્મિની ચાસણીમાં ડૂબેલી વાતોમાં આવી જતો.
ધીમે ધીમે આ બધું વધવા લાગ્યું. જ્યારે જ્યારે વિનય કંપનીની ગોપનીય માહિતી રશ્મિને આપતો ત્યારે તેના અંતરમાં સંવાદો ચાલતા, ટીવી સિરિયલોમાં બતાવવામાં આવે ને તેમ. તેના અંદર રહેલા દેવ અને દાનવ બહાર આવી ઝઘડાં કરતાં.
દેવ- "આ ખોટું છે."
દાનવ- "પણ મિત્રની મદદ કરવી ખોટું નથી."
દેવ- "વિનય! તું તારી કંપની સાથે દગો કરે છે."
દાનવ- "પણ રશ્મિની કંપનીને તેનાથી ફાયદો થાય છે."
દેવ- "તું જે કંપનીમાં કામ કરે છે તેનાથી તારું ઘર ચાલે છે અને રશ્મિને મદદ કરવાથી તને શું ફાયદો? ઉલ્ટું તું તારા માલિકને દગો આપે છે, જે તારા પર વિશ્વાસ કરે છે."
દાનવ- "વિનય! તું આની વાતમાં નહીં આવ, એ તને ભટકાવે છે. જો તું રશ્મિની મદદ નહીં કરશે તો એને કેટલું દુઃખ થશે... તું રશ્મિનું હૃદય તોડી શકશે?"
દેવ- "તું મારી વાત સાંભળ, વિનય..."
દાનવ- "ના...તું મારી વાત સાંભળ..."
"તમે બંને ચૂપ થઈ જાઓ... એટલું બોલતા તો બંને જાણે અદ્રશ્ય થઈ ગયા. મને ખબર છે, મારે શું કરવાનું છે. હવે, હું કોઈની વાતમાં નહીં આવું. કેમ કે હવે હું એ કરીશ જે મારું મન કહેશે." વિનય પોતાની સાથે જ વાર્તાલાપ કરી રહ્યો હતો.
બીજા દિવસે વિનય ઓફિસમાં ગયો. તેણે રશ્મિને જે ફાઈલ જોઈતી હતી તે હાથમાં લીધી, પોતાની જગ્યા પર જઈને તેણે ફોટા પાડ્યા અને રશ્મિને મોકલ્યા. રશ્મિએ તેનો આભાર માન્યો. ત્યાર બાદ વિનયે તેને મોબાઇલ વડે સંદેશો મોકલ્યો, "આજ પછી મારો સંપર્ક કરીશ નહીં. તારી અને મારી મિત્રતા અહીં જ પૂર્ણ થાય છે. તું તારા જીવનમાં ખુશ રહે તેવી શુભેચ્છા સહ અલવિદા."
સંદેશો વાંચીને તરત જ રશ્મિએ વિનયને ફોન કર્યો. વિનયે ફોન ઉપાડ્યો નહીં તેથી તેણે તેના મોબાઇલમાં રહેલો વિડીયો વિનયને મોકલ્યો. જે વિનય માટે ધમકી હતી કે, 'તારા આ વીડિયોને તારા માલિક સુધી પહોંચતા વાર નહીં લાગે.' વિડીયો જોઈ વિનય કટાક્ષમાં હસ્યો અને ફાઇલ લઇને તેના માલિકના રૂમમાં ગયો. ત્યાં તેણે તેમને બધી હકીકત જણાવી દીધી તેમજ તેઓ જે સજા આપશે તે તેને મંજૂર હશે, એમ પણ કહ્યું.
વિનયનાં માલિક મોહનભાઈએ વિનયને ચોકાવતો ખુલાસો કરતાં કહ્યું, "આ વાત હું ઘણા વખતથી જાણું છું. તેમજ તે જે આજે ફોટા મોકલ્યા તેનાથી તેમને કંઇ જ ફાયદો નહીં થાય કેમ કે તે આખો પ્રોજેક્ટ જ ખોટો છે, તે એ પ્રોજેક્ટ જ નથી જેમની તેમને જરૂર છે. આ બધી માહિતી એમને તારા તરફથી મળે છે, એ જાણીને મને પણ ધક્કો લાગ્યો હતો. પરંતુ આ છેલ્લી વાર હું તને ચકાસવા માંગતો હતો કેમ કે તું આપણી ઓફીસનો સૌથી મહેનતુ કાર્યકર્તા છે. તેથી તારી મહેનતમાં ઈમાનદારીનો સ્વાદ છે કે નહીં તે મારે ચકાસવો હતો.
વિનયને તેના માલિક તેના પર આટલો બધો વિશ્વાસ કરે છે તે જાણીને ખૂબ પસ્તાવો થયો, અને તેણે પોતાની ભૂલ માટે સજા રૂપે નોકરી છોડવાનો નિર્ણય લીધો. પરંતુ મોહનભાઈએ તેને તેની ઈમાનદારી બદલ એક મોટા પ્રોજેક્ટ પર કામ સોંપ્યું અને "તું મને નિરાશ નહીં કરે, એનો મને વિશ્વાસ છે," એમ કહ્યું. વિનયે ખૂબ જ મન લગાવીને કામ કર્યું અને પ્રોજેક્ટ પોતાની કંપની માટે મેળવ્યો. તેની આ ઈમાનદારી અને મહેનતથી ખુશ થઈને તેને બઢતી આપવામાં આવી તેમજ વર્ષનો સર્વશ્રેષ્ઠ કાર્યકર્તા તરીકેનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો. સત્ય, વિશ્વાસ અને મહેનતથી જ જીવનમાં સફળતા હાંસલ થાય છે, એ વિનયે ખૂબ સારી રીતે શીખી લીધું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો