સુપરહીરો: રોહિત
રોહિતને સુપરહીરો ખૂબ જ ગમે. તેથી તે મોટો થઈને સુપર હીરો બનશે, એવું વારંવાર પોતાની માને કહ્યા કરતો. "મારો દીકરો તો પહેલાંથી જ સુપર હીરો છે." મા પણ રોહિતને ખુશ કરવા કહી દેતી. પરંતુ હકીકતથી બધા વાકેફ હતા કે રોહિત બે વર્ષનો હતો ત્યારે તેને પોલિયો થઈ ગયેલો જેથી તે એક પગથી વિકલાંગ હતો. આથી તેની સુપર હીરો બનવાની વાત પર તેની મા સિવાય ઘરના અન્ય સદસ્યો નિરાશા અનુભવતા અને તેની માને તેને ખોટી આશા આપવાનું બંધ કરવા કહેતા. પરંતુ રોહિતની માને તેના પર અતૂટ વિશ્વાસ હતો તેથી તે ઘરનાં સદસ્યોની વાત પર વધુ ધ્યાન આપતી નહીં.
રોહિતની મા નીતાબેન ઘરનાં સભ્યોને હંમેશા સમજાવવાનો પ્રયત્ન કરતાં કે સુપર હીરોને આપણે ભલે શરીરથી મજબૂત જોઈએ છીએ; એમાં પણ શંકા નથી કે તેઓ મનથી પણ મજબૂત હોય છે. ભલે આપણો દીકરો તનથી કમજોર હોય પણ એ મનથી મજબૂત રહેશે તો જીવનમાં ક્યારેય પાછળ નહીં રહે. તેથી હું તેને મનથી મજબૂત બનાવવા માંગુ છું.
રોહિત ભણવામાં તો પહેલાથી જ ખૂબ હોશિયાર અને તેને રમતોનો પણ ભારે શોખ. પણ તેની શારીરિક પરિસ્થિતિ તેની મેદાનની રમતોમાં ભાગ લેવા માટે પરવાનગી આપતી નહીં. રોહિતને નિરાશા તો થતી, પરંતુ માનાં વિશ્વાસ સામે નિરાશા ઝાઝો સમય ટકી શકતી નહીં. રોહિતને રમતો સાથે તરવાનો પણ ભારે શોખ હતો તેથી તેણે તરતા શીખવું એવું નક્કી કર્યું. તરવા માટે પગની આવશ્યકતા વધુ હોય છે એ સાદી માન્યતાથી દરેક વ્યક્તિ વાકેફ છે. પરંતુ રોહિતના તો પગ હોવા છતાં પણ નથી; છતાં તેને તરવૈયા બનવાનું માથે ઝનૂન સવાર હતું. રોહિતનો જુસ્સો જોઈને હવે તો તેના પિતા, દાદા અને દાદી બધાં તેને સાથ આપવા લાગ્યાં અને તેનો જુસ્સો વધારવા લાગ્યા. રોહિત જ્યારથી સમજતો થયો ત્યારથી જ તેને તેની શારીરિક ખામીને ઉપરવટ જઈને કંઈક સારું કાર્ય કરવું હતું. પહેલાં તો ફક્ત માનો જ સાથ હતો, પરંતુ હવે તો ઘરના બીજા સદસ્યો પણ રોહિતના મનને ઓળખી ગયા હતા.
રોહિત તરવાનું શિખવા માટે સ્વિમિંગ કલાસ (તરવાનું શીખવતી શાળા)માં ભરતી થયો. પોતે એક પગથી કમજોર હોવા છતાં તેનો જુસ્સો અજોડ છે એ જોઈને તેના પ્રશિક્ષક ખુબ જ ખુશ થયાં. તેમણે પણ રોહિતને ખૂબ ઉત્સાહથી તરવાનું શીખવ્યું. જોત જોતામાં રોહિત ખૂબ જ સારો તરવૈયો બની ગયો.
એક વાર રોહિત તેના મિત્રો સાથે નદીના કિનારે ફરવા ગયો. તેઓ ખૂબ મસ્તી કરી રહ્યાં હતાં. બધા મિત્રો પોતાની મસ્તીમાં હતા ત્યારે તેમનો એક મિત્ર કુણાલનો પગ લપસતાં તે નદીનાં પાણીમાં પડ્યો. કમનસીબે કુણાલને તરતા આવડતું ન હતું તેથી તેના બીજા મિત્રો ગભરાઈ ગયા. તેમને શું કરવું તે સમજાતું ન હતું, બધા વિચારી રહ્યા હતા કે શું કરીએ એવામાં તો રોહિત પાણીમાં કૂદી પડ્યો અને ખૂબ બહાદુરીથી તેણે કુણાલને બચાવી લીધો. તે કુણાલને લઈને બહાર આવ્યો ત્યારે સૌ કોઈ તેની વાહવાહી કરતા થાકતાં ન હતા. એક વિકલાંગ વ્યક્તિએ કોઈકને બચાવ્યો તેથી વાત છાપાનાં પાને ચડી ગઈ. જ્યારે રોહિતને રિપોર્ટરે પ્રશ્ન કર્યો, "તમે પોતે શારીરિક રીતે વધુ સક્ષમ નથી, તો તમને પાણીમાં કૂદતાં પહેલાં ડર ન લાગ્યો?" રોહિતે જવાબ આપ્યો, "જેની પાસે પાંખ હોય તેને પગ ન હોવાનો અફસોસ ક્યારેય ન થાય." ત્યારબાદ છાપાનાં મુખ્ય સમાચાર કંઈક આ પ્રમાણે હતાં- *પાણીનો સુપરહીરો- રોહિત* જેણે પોતાના કૌશલ્યની પાંખ વડે જીવન બચાવ્યું. પોતે શારીરિક રીતે વધુ સક્ષમ ન હોવા છતાં આજે સુપરહીરો કરે તેવું કાર્ય કરી બતાવ્યું.
છાપાના સમાચાર વાંચતા રોહિતની મા ગર્વથી કહેવા લાગી "હું નો'તી કહેતી આપણો રોહિત છે જ સુપરહીરો". રોહિતમાં રોપેલ સકારાત્મકતાનાં બીજ આજે વટવૃક્ષ બન્યાં હતાં.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો