પૂરક: ગામ અને શહેર
"આજે આકાશમાં તારા કેમ નથી દેખાતાં?" પૂર્વીકાએ આકાશ તરફ જોતાં કહ્યું.
"તારા...? મુંબઈમાં તને ક્યારથી તારા નજર આવવાં માંડ્યા? તે પણ આ વિસ્તારમાં!" રાધિકાએ આશ્ચર્ય સાથે કહ્યું અને પૂર્વીકા સ્વપ્નમાંથી બહાર આવી હોય તેમ કહ્યું, "હું તો ભૂલી જ ગઈ કે હું ક્યાં છું... એક મહિનો મમ્મી- પપ્પા સાથે ગામમાં રહી આવી તેથી ગફલત થઈ ગઈ."
"તું ગામને બહુ યાદ કરે છે ને?" રાધિકાએ ભૂલથી જાણે કે પૂર્વીકાની દુઃખતી નસ દબાવી.
"હા, મમ્મી- પપ્પા અને જીગરને પણ, પૂર્વીકા નિઃસાસો નાખતાં આગળ બોલી; તને ખબર છે, મને ગામડું અતિપ્રિય છે."
"તો, તું ત્યાં જ કેમ નથી રહેતી? ગામની સાથે સાથે તું મમ્મી- પપ્પા અને જીગર પાસે પણ રહી શકીશ." રાધિકાએ જિજ્ઞાસાવૃત્તિ વધારી.
"હું પણ ત્યાં જ રહેવા માંગુ છું. પણ આ કામ... હું આ કામ નહીં છોડી શકું. તું જાણે છે ને કે ગામમાં અમારા ઘરની પરિસ્થિતિ કેવી છે! જીગરનો ભણતરનો ખર્ચ, તેમજ મમ્મી- પપ્પાની દવા, ઘરનો ખર્ચ એ બધું હવે પપ્પાથી એકલા હાથે નહીં પહોંચી શકાય. તેથી મારે અહીં રહેવું જ પડશે અને ગામમાં મને આટલા સારા પગારવાળી નોકરી પણ નહીં મળે."
"તારે અહીં મજબૂરીમાં રહેવા પડે છે તેથી તું શું શહેરને નફરત કરે છે?" વાત આગળ વધારતાં રાધિકાએ પૂછ્યું.
"ના, બિલકુલ નહીં. ક્યારેય નહીં. હું શહેરને ક્યારેય નફરત ન કરી શકું. ઊલ્ટું મને શહેર પ્રત્યે બહુમાન છે કે,તેના થકી મારું ઘર ગામમાં શાંતિથી ચાલે છે. સ્વાસ્થ્યની બાબતમાં શહેરમાં ઘણી ખામીઓ છે, પણ પેટનો ખાડો પૂરવા માટે ભોજન અહીંથી જ મારા ઘરને મળે છે. તને ખબર છે લોકો શહેરને કોંક્રિટનું જંગલ કહે છે; ત્યારે સાચું કહું તો મને દુઃખ થાય છે. આ કોંક્રિટના જંગલો જ ઘણાં ગામડાનાં ઘરમાં પેટની આગને ટાઢક પહોંચાડે છે. હું શહેરની તરફદારી પણ નથી કરતી. પરંતુ આજે જીવનશૈલી એટલી બધી બદલાઈ ગઈ છે કે કંઈ ન કરી શકાય. જે રોટલો પૂરો પાડે તેને ક્યારેય કોસવું ન જોઈએ એવું મારું અંગત માનવું છે.
"સાચી વાત છે, ખામી શહેરમાં નહીં માણસની મહત્વકાંક્ષાઓમાં છે. માણસ વધુ મહત્વકાંક્ષી બન્યો તેથી જ તો આ કોંક્રિટના જંગલો ઊભા થયા છે." રાધિકાએ પણ સુર પુરાવ્યો.
"હા, એકદમ સત્ય કહ્યું; અને આપણે પણ એમાંથી જ એક છીએ. ખરુ ને! પોતાની ઘડિયાળ તરફ નજર કરતા પૂર્વીકા બોલી વાત-વાતમાં ખબર જ ન પડી કે આટલી વાર થઈ ગઈ. ચાલ હવે, કાલે ઑફિસ પણ જવાનું છે."
શુભરાત્રી કહીને બંને પોતાના ઓરડામાં જતા રહ્યા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો