મનસ્વીનો આભાસ

 

   "હેલ્લો...!" ડૉ. આભાસે ફોનનું રીસીવર ઊંચક્યું.
     ફોનની બીજી તરફથી, "ડૉ. આભાસ તમને કોઈ મળવા આવ્યું છે. અને આવનારનું નામ કહ્યું."
     "ઠીક છે, અંદર મોકલો"- ડૉ. આભાસે પ્રત્યુત્તર આપ્યો.
     ઝપાટાભેર મનસ્વી અંદર આવી. અને ડો. આભાસને કહેવા લાગી, "કાર્તિક આપણે નક્કી કર્યું હતું ગઈ કાલે મળવાનું. તો તું આવ્યો કેમ નહી? ખબર છે, હું કેટલી રાહ જોતી હતી! બીજીવાર આવું કરીશ તો તારી સાથે ક્યારેય વાત નહીં કરું."
     "મને માફ કરી દે. એક ઇમરજન્સી પેશન્ટ આવી ગયું હતું, એટલે ન આવી શકાયું. આ રવિવારે જરૂર મળવા આવીશ."ડો. આભાસે કહ્યું.
     મનસ્વી થોડી વાર બાદ ત્યાંથી જતી રહી. અને ડો. આભાસ સાથે બેઠેલા તેમના મિત્ર આકાશે કહ્યું,"આભાસ આ બધું શું છે?"
     ડો. આભાસે કહ્યું, "તને યાદ છે આપણી સાથે ભણતો કાર્તિક!"
     "કોણ...! જેને ડૉકટર થઈ સેનામાં ભર્તી થવું હતું તે ને?" આકાશે વળતો પ્રશ્ન કર્યો
     "હા, મનસ્વી તેની મંગેતર છે. ના... હકીકતમાં હતી." ડૉ.આભાસે કહ્યું
     "એટલે?" - આકાશે પૂછ્યું
     "કાર્તિક સેનામાં ભરતી થયો ત્યારબાદ મનસ્વી સાથે તેની સગાઈ થઈ ગઈ. સગાઈના બીજા દિવસ બાદ તેની પોસ્ટિંગ કાશ્મીરમાં થઈ તેનો ઓર્ડર આવ્યો. ત્યાં પોસ્ટીંગ થયાના થોડા સમય બાદ દુશ્મનોએ સૈનિકોની છાવણી પર હુમલો કર્યો. ગોળીબારીમાં કાર્તિકને ગોળી લાગી અને તે મૃત્યુ પામ્યો. મનસ્વીને આ ઘટનાનો એટલો આઘાત લાગ્યો કે તેનું માનસિક સંતુલન બગડી ગયું.જ્યારે મનસ્વીને એના પરિવારજનો મારી પાસે ઈલાજ માટે લાવ્યા, ત્યારે તેણે મને જ કાર્તિક સમજી લીધો. અને મને ભેટીને તે ખૂબ રડી. અને બધાને કહેવા લાગી, 'મેં નો'તું કહ્યું; કાર્તિક મને છોડીને ક્યારેય ન જાય. જુઓ મારો કાર્તિક મારી પાસે છે.' બધા સ્તબ્ધ હતા. પણ હું સમજી ગયો કે એ કાર્તિકના આભાસમાં છે. તેથી મને કાર્તિક સમજે છે. એની તબિયત અને કાર્તિકની દોસ્તી માટે હું મનસ્વીનો આભાસ તોડવા નથી માંગતો. મને વિશ્વાસ છે કે જ્યારે એ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે, ત્યારે આપોઆપ કાર્તિકનો આભાસ પણ તૂટી જશે." ડૉ. આભાસે કહ્યું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ