આમલી

 મેહુલભાઈ જ્યારે નોકરીએથી ઘરે આવ્યા, ત્યારે તેમના બાળકો આમલીનો ચટકારો લઇ રહ્યા હતા. બાળકોએ પ્રેમથી પપ્પાને આગ્રહ કર્યો, "પપ્પા આમલી ખુબ જ સરસ છે, તમે ખાશો? મેહુલભાઈ એમને ના પાડી. ત્યારે એમની દીકરી પિન્કીએ વધુ જીદ કરી અને મેહુલભાઈ ગુસ્સે થઈને પોતાના રૂમમાં જતા રહ્યા. રસોડામાંથી નીતાબેન આ બધું જોઈ રહ્યા હતા.


     પપ્પાના ગુસ્સે થવાથી પિન્કી રડી પડી અને મમ્મી પાસે ગઈ. મમ્મીએ તેને જેમ તેમ કરીને શાંત પાડી. પછી તેમના દીકરા રાહુલએ મમ્મીને પૂછ્યું, "મમ્મી પપ્પા તો પિન્કીને ક્યારેય ખીજવતા નથી, તો આજે આવું કેમ થયું?" મમ્મીએ થોડું સ્મિત રેલાવ્યું. બાળકોને આશ્ચર્ય થયું કે પપ્પાના ગુસ્સા પર મમ્મી આમ શા માટે કરે છે?


     બેટા, આમલી ખાવા માટે પપ્પાને ક્યારેય પૂછવું નહીં. આમલી સાથે એમનું વેર છે; તે પણ બાળપણથી. બાળકોએ પૂછ્યું, "કેમ?" ત્યારે એમની મમ્મીએ કહ્યું, "તમારા પપ્પાને બાળપણમાં રમત રમવાનો ખૂબ જ શોખ હતો. અને તેમાં પણ આમલી- પીપળી રમત તેમને ખૂબ જ ગમતી. કેમ કે વૃક્ષ પર બેસીને ફળનો સ્વાદ પણ રમતા રમતા માણી શકાય. અને એમને આમલી ખૂબ જ ભાવતી." "તો પપ્પા હવે આમલી કેમ નથી ખાતા?" રાહુલે પૂછ્યું.


     એક વાર બન્યું એવું કે જ્યારે તમારા પપ્પા તેમનાં મિત્રો સાથે આમલી- પીપળીની રમત રમતા હતા, ત્યારે તેમનો કોઈ મિત્ર તેમને પકડવા આવ્યો. એનાથી પોતાને બચાવવામાં તમારા પપ્પા ઝાડ પરથી પડી ગયેલા. "પણ મમ્મી પપ્પા પડી ગયા એમાં આમલીનો શો દોષ?" બેટા, આમલીનો દોષ નથી. દોષ આ રમત માટે રાખવામાં આવેલ નામનો છે. એ વખતે તમારા પપ્પાને ખૂબ વાગ્યું હતું. એક મહિના સુધી તદ્દન પથારીમાં રહેવું પડ્યું હતું જેથી તેમને રમવા મળ્યું નહી. "તેથી હવે પછી હું આમલી- પીપળીની રમત પણ નહીં રમુ અને આમલી પણ નહીં ખાઉં એવી એમણે પ્રતિજ્ઞા લીધી હતી." તેથી તમારા પપ્પા આમલી નથી ખાતા. હવે સમજ્યા?


     થોડીવારમાં મેહુલભાઈ પોતાના રૂમમાંથી બહાર આવ્યા ત્યારે પીન્કીએ કાન પકડીને માફી માગી. અને ખૂબ જ પ્રેમથી કહ્યું, "પપ્પા, જો તમને મારા લીધે કંઈક વાગી જાય તો તમે મારી સાથે પણ ક્યારેય વાત નહીં કરશો?" મેહુલભાઈ એ પિન્કીને તરત ઊંચકી લીધી અને કહ્યું, "ના બેટા, ક્યારેય નહી." "તો પપ્પા, તમે આમલી સાથે કેમ હજુ સુધી ગુસ્સે છો?" રાહુલે પૂછ્યું. ત્યારે પિંકીના હાથમાં જે આમલી હતી તે ખાઈને મેહુલભાઈએ આમલી સાથેનું પોતાનું વેર પૂર્ણ કર્યું. અને બધા હસી પડ્યા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ