એક ગણિકાની આત્મકથા
આજકાલ દરેક વ્યક્તિને પોતાનું જીવન ચરિત્ર લખવાનો શોખ હોય છે. લોકો કેવી કેવી મુશ્કેલીઓને પાર કરીને જે તે મુકામ પર પહોંચ્યા એ કહેવું ગમે છે. જેથી એમનો સંઘર્ષ બીજાને પ્રેરણા આપે. મને પણ મારી જીવનગાથા કહેવી છે. હું જાણું છું કે મારો સંઘર્ષ કોઈ માટે પ્રેરણાદાયક ન હોઈ શકે. પરંતુ કદાચ કોઈ અમારુ દુઃખ સમજીને અમને તિરસ્કારની ભાવનાથી લોકો ન જુએ એવી આશા છે.
મારું નામ ચાંદની છે હું છેલ્લા ૨૦ વર્ષથી કમાઠીપુરામાં ચંદા (ગણિકા) તરીકે રહું છું. આ જીવન મેં નો'તુ પસંદ કર્યું. આ જીવન મને પરિસ્થિતિઓએ ઉપહારમાં આપ્યુ છે. હું મારા પરિવાર સાથે એક નાનકડા ગામમાં રહેતી હતી. મારા પિતા ખેતી કરતા અને અમારુ ગુજરાન ચાલતું. ખૂબ જ સાધારણ સ્થિતિ હોવાથી મને ખૂબ જ ભણવું હતું અને પગભેર થવું હતું. તેથી હું ભણવામાં ખૂબ જ મન લગાવતી. મારા માતા-પિતાને એ વાતનો ખૂબ જ ગર્વ હતો. તેઓ પણ મને ડોક્ટર બનાવવા માટે તનતોડ મહેનત કરતા.
તે સમયે હું મુંબઈની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે ખૂબ જ નામી કોલેજ હતી તેથી મેં એ કોલેજમાં દાખલો લીધો હતો. પરંતુ અમારી હોસ્ટેલના બાથરૂમમાં સ્પાઇ કેમેરા લગાવેલા હતા જેનાથી અમે શરૂઆતમાં અજાણ હતા. જેના ફોટા અને વિડિયો ક્લિપથી કૉલેજના પ્રોફેસરો ગરીબ છોકરીઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલતા હતા. એની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો અમે બધાએ ઘણીવાર પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા. જો કોઈને કહેશો તો તમને પરીક્ષામાં નાપાસ કરવામાં આવશે એમ કહીને અમારા મોં પર તાળા લગાવી દેવામાં આવતા હતા. અને જો કોઈ તે છતાં પણ ના પાડે તો તેમની પાસે રહેલ ફોટો અને વિડીયો લીક કરવાની ધમકી આપતા. મેં એક વાર હિંમત કરીને આ વાતની જાણ અમારી કૉલેજના ટ્રસ્ટીને કરી. તેમણે દેહવ્યાપારમાં જોડાયેલા પ્રોફેસરને બોલાવીને મને ચૂપ કરાવી દેવા માટે કહ્યું.
તેમણે મને ખૂબ જ મારી અને બદનામ કરવાની ધમકી આપી. હું ખુબ જ રડી અને જીવન ટૂંકાવવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ હોસ્ટેલની વોર્ડનને ખબર પડી અને વાત બહાર જાય તો કોલેજની બદનામી થાય અને તેમના કાળા કાંડ બહાર આવે તેથી તેમણે મને એક રાતે હોસ્ટેલમાંથી જ ગાયબ કરાવી દીધી. અને હું કોઈ છોકરા સાથે ભાગી ગઈ છું એવી અફવા મારા ગામમાં અને કોલેજમાં ફેલાવી દીધી.
મને બેહોશ કરવામાં આવી હતી જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું એકદમ શોર કિલ્લોલ થતાં વાતાવરણમાં હતી. મારા હાથ-પગ બંધાયેલા હતા અને હું એ દેહવ્યાપારના ગંદા કળણમાં ફસાઈ ચૂકી હતી. મેં ત્યાંથી ભાગવાનો વિચાર કર્યો પણ જાઉં ક્યાં? બધા જ રસ્તા બંધ હતા. તેથી હું ક્યાંય પણ જઈ શકી નહી. અને અંતે અને હું ચાંદનીથી ચંદા બની ગઈ.
અમને ગણિકાઓને લોકો તુચ્છકારે કરે છે, તિરસ્કારની નજરથી જુએ છે. પરંતુ અમે પણ સમાજનો જ હિસ્સો છીએ. જે કળણમાં સમાજના ફક્ત કેહવા માટેના મોટા લોકો તેની બાજુમાંથી જવાથી પણ ડરે છે, અને તેની તરફ જોતાં પણ નથી, તેઓ એ ભૂલે છે કે આ કળણ તેમના દ્વારા જ બનાવવામાં આવ્યું છે. જેને તેઓ ગંદકી સમજે છે, તે ગંદકી એમણે જ ફેલાવી છે. આપણો સભ્ય સમાજ.... નહી નહી, તમારા સભ્ય સમાજના સભ્યો લોકો જ અમારા દરવાજા પર રાત્રે હોય છે. દિવસે જે સફેદ પોશાક પહેરીને નીકળે છે, અમારા તરફ તિરસ્કારથી જુએ છે... તેઓના એ જ સફેદ પોશાક રાત્રે અમારી દિવાલ પર લટકેલા હોય છે. અમને કલંકિત કરનાર પુરુષ જ્યારે સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે જીવન જીવી શકે છે, તો શું અમને ફક્ત એક માણસ તરીકે જીવવાનો પણ અધિકાર નથી?
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો