પિશાચ

      "તો નક્કી થયું, બે દિવસ પછી આપણે કેમ્પ (પડાવ)માં જઈશું. રાતના સમયે બોન ફાયર (આનંદસૂચક હોળી)માં કેટલી મજા પડશે! પૂનમની રાત છે, ખૂબ મજા આવશે." મૈત્રી પોતાના મિત્રો સાથે વનમાં પડાવ (કેમ્પ) માટે જવા ખૂબ જ ઉત્સાહથી યોજના બનાવી રહી હતી. બધા મિત્રોએ હામી ભરી, પરંતુ દેવ કંઈ બોલ્યો નહીં; તેથી આકાશે પૂછ્યું, "દેવ તું આવે છે ને?" 

     દેવ બોલ્યો, "તમે જાઓ, મને થોડું કામ છે; તેથી હું નહીં આવી શકું."

    "શું યાર, દેવ! તું હંમેશા આમ જ કરે છે, કોઈ વાત સરળતાથી, આનાકાની વગર માનવામાં તને તકલીફ થાય છે?" વિનય ફરિયાદ કરતાં બોલ્યો.

     "તને સાચે કામ છે કે પછી તું કંઈક છુપાવે છે?" આરોહી દેવની મજાક કરતાં બોલી. તેની વાત સાંભળીને દેવનો ચહેરો જાણે ફિક્કો પડી ગયો, તે કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો.

      બે દિવસ બાદ બધા મિત્રો ભેગા થયા અને પૂનમની રાત્રે બોનફાયર માટે જંગલમાં ગયા. બધા ખૂબ જ ખુશ હતા પરંતુ મૈત્રી થોડી દુઃખી અને ઉદાસ હતી. એને ચૂપચાપ એક જગ્યા પર બેઠેલી જોઇને તેના મિત્રો તેની મજાક કરવા લાગ્યા. "જેણે આ યોજના બનાવી તે કંઈક ઉદાસ અને દુઃખી લાગે છે, તમને શું લાગે છે શું કારણ હોઈ શકે?" આરોહી એ પ્રશ્ન કર્યો.

     "શું કારણ હોવાનું, ખબર જ છે બધાને! આકાશે વાત આગળ વધારી.

    "તમે લોકો કંઈ પણ ન બોલો, પ્લીઝ! હું દેવ વિશે નથી વિચારતી; એવું કશું જ નથી. મૈત્રીએ પોતાનો બચાવ કર્યો.

    "અમે ક્યાં દેવની વાત કરીએ છીએ?" વિનય બોલ્યો.

    "હા, અમને ખબર છે કે તે તરફથી કદાચ એવું ન હોય, પણ આ તરફથી તો પાક્કું છે જ ને! આરોહી મૈત્રીને છેડતા બોલી.

     મૈત્રી ગુસ્સે થઇને ત્યાંથી ચાલી ગઇ, આરોહી તેને મનાવવા જતી હતી પણ વિનય તેને રોકતા કહ્યું, "રહેવા દે. એને વધુ હેરાન ન કરતાં થોડીવાર એકાંતમાં રહેવા દે."

      દેવ કોલેજનો ખૂબ જ પ્રખ્યાત છોકરો હતો. કોલેજની દરેક છોકરીઓ દેવને પસંદ કરતી હતી અને મૈત્રી પણ તેમાંથી એક હતી. દેવ પણ હંમેશા મૈત્રીની આજુબાજુ જ રહેતો, હંમેશા તેની મદદ કરતો તેમજ જ્યારે મૈત્રીને જરૂર હોય ત્યારે તે હંમેશા તેની પડખે જ ઊભો મળે છતાં પણ તે ચોખવટમાં કંઈ જ નહીં કહેતો. તેનું  વર્તન કહી દેતું કે તે મૈત્રીને પસંદ કરે છે પણ તેની વાણી કંઈક અલગ ભાવ જ પ્રગટ કરતી. આથી મૈત્રી હંમેશા દેવના અલગ-અલગ વર્તન અને વાણીથી મૂંઝવણમાં રહેતી.

     મૈત્રી થોડીવાર બધાથી દૂર એકાંત માટે વન તરફ઼ ગઈ અને તે પોતાના વિચારોમાં ખોવાયેલી હોવાથી પડાવથી વધારે દૂર નીકળી ગઈ. ત્યાં નજીકમાં સ્મશાન હતું તે ભૂલથી ત્યાં પહોંચી ગઈ અને તેણે ત્યાં જે જોયું તે જોઈને એટલી હદે ડરી ગઈ કે તેનાથી જોરથી ચીસ પડાઈ ગઈ. મૈત્રીની ચીસ સાંભળીને સ્મશાનમાં ઊભેલા લોકોનું ધ્યાન તેના પર ગયું તેથી તે ત્યાંથી ભાગી અને કોઈ સાથે અથડાઈ. જેની સાથે અથડાઈ તેને જોઈને તો તેના પગ તળેથી જમીન ખસી ગઈ, તે દેવો હતો. કાળા રંગના ડરાવનાં કપડાં, આંખોનો બદલાયેલો રંગ તેમજ તેનાં મોં પર લાગેલું લોહી... આ બધું જોઈને મૈત્રી બેભાન થઈ ગઈ. તેણે પહેલી વાર દેવનું આવું રૂપ જોયું હતું. દેવનું તે રૂપ તે જાણતી હતી તેનાથી તે તદ્દન અલગ હતું.

     થોડીવાર પછી તે ભાનમાં આવી ત્યારે દેવે તેને બધી વાત સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, "મૈત્રી! હું એક પિશાચ છું. મારે પોતાનું જીવન ટકાવી રાખવા બીજાનું લોહી પીવું પડે છે. મને ખબર છે તને આ જાણીને ધક્કો લાગ્યો છે, કેમ કે તું મને ચાહે છે,  સાચું કહું તો હું પણ તને ચાહું છું. પણ તારી અને મારી દુનિયા ખૂબ જ અલગ છે. મારું અને તારું અસ્તિત્વ ક્યારેય એક ન થઈ શકે, તેથી તું મને ભૂલી જા અને આજે અહીંયા તેં જે પણ જોયું તે પણ ભૂલી જા. તેમાં જ તારી ભલાઈ છે. મૈત્રી દેવને કંઈ પણ ન કહી શકી.

     બીજી બાજુ ઘણી વારથી અદ્રશ્ય મૈત્રીને તેના મિત્રો તંબુમાં જોવા ગયા, તો તે ત્યાં ન હતી. તેથી તેઓ જંગલમાં તેને શોધવા નીકળ્યા. મૈત્રી... મૈત્રીની બૂમો પાડતા તેઓ મૈત્રી અને દેવના જ્યાં હતા તે તરફ આવી પહોંચ્યા. તેમનો અવાજ સાંભળીને મૈત્રીએ દેવને કહ્યું, "તું અહીંથી ચાલ્યો જા દેવ. જો આ લોકો તને જોશે તો અનર્થ થઇ જશે." તેનું સાચું રૂપ જાણ્યા બાદ પણ મૈત્રી તેને બચાવવા માંગે છે એ જોઈને દેવ ચકિત રહી ગયો અને મૈત્રીને પોતે જે કર્યું તે શા માટે કર્યું, તેમજ જે કર્યું તે સાચું કર્યું કે નહી; તે સમજાતું ન હતું. બન્ને અસમંજસમાં હતાં.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ