પહેલું કર્તવ્ય
"તમે જાવ. મારી ચિંતા ન કરો. હું મારું અને આપણા બાળકનું ધ્યાન રાખીશ. તમે નાહકની ચિંતા કરો છો." સ્મિતાએ પોતાના પતિને આશ્વાસન આપતાં કહ્યું.
સૂરજે ભારે હૃદયે સ્મિતાનો હાથ પકડી રાખ્યો હતો.
હમણાં પંદર દિવસ પહેલાં જ સૂરજ પોતાના ઘરે આવ્યો હતો. પોતાની ગર્ભવતી પત્નીનાં પૂરા માસના દિવસો નજીક આવ્યા ત્યારે ખૂબ આજીજી પછી તેને રજા મળી હતી. હવે પંદર દિવસનાં જ આ ટૂંકા ગાળામાં પાછું જવાનું થયું. જો અતિજરૂરી ન હોત તો એ પોતાના બાળકનું મોં જોયા વિના આમ પત્નીને છોડીને ક્યારેય ક્યાંય ન જાત. પણ શું કરી શકે! એક સૈનિક માટે ભારતમાતાની પુકાર સૌથી મોટી પુકાર હોય છે. એક સૈનિક તેને ક્યારેય અવગણી ન શકે.
સૂરજ પહેલીવાર જ્યારે સ્મિતાને મળ્યો હતો ત્યારે જ તેણે કહી દીધું હતું કે,"એના માટે ભારતમાતાથી મોટું કોઈ નથી. એ કોઇનો પતિ બને તો પણ એનું *પહેલું કર્તવ્ય* તો ભારતમાંના દીકરા તરીકેનું જ રહેશે. જ્યારે જ્યારે તેની ભારતમાંને જરૂર પડશે એ બીજો વિચાર કર્યા વિના તરત જ પોતાની ફરજ બજાવશે." તે સમયે સ્મિતાએ ફક્ત સ્મિત રેલાવ્યું હતું.
આજે એ જ ઘડી આવી હતી. ભલે સૂરજે લગ્ન પહેલા સ્મિતાને મક્કમ સ્વરે પોતાનો ફેંસલો સંભળાવ્યો હોય. પણ આજે એ પોતે અસમંજસમાં હતો. સ્મિતા અને પોતાના આવનાર બાળકને છોડીને જવું તેના માટે પણ અતિ મુશ્કેલ હતું. એક ક્ષણ માટે તો તેણે વિચારી લીધું હતું કે તે પોતાના પાછા જવાનાં આદેશને નકારી દેશે. પરંતુ સ્મિતાએ તેને પોતાની ભારતમાનાં દીકરા તરીકેની ફરજ યાદ અપાવી. તેમજ ફરીથી તેવા જ સ્મિત સાથે સૂરજની અસમંજસ દૂર કરી. સાથે તેને કહ્યું, "તમારે પતિ અને પિતા તરીકેનો ધર્મ બજાવવાનો જ છે, પણ આજે આપણી ભારતમાંને તેના દીકરાની જરૂર છે." સ્મિતા સૈનિકની પત્નીને શોભે તેવી વાતો કરી રહી હતી અને સૂરજનો સામાન બાંધી રહી હતી. સૂરજ બસ તેને ભારે હૃદય સાથે આંખોમાં સ્નેહ ભરીને જોઈ રહ્યો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો