અણકહ્યો પ્રેમ

 

દેવ અને દિવ્યા કૉલેજમાં સાથે અભ્યાસ કરતાં. બંનેનો વિષય પણ એક હોવાથી હંમેશા એક સાથે જ રહેવાનું થતું. બંનેને જુના હિન્દી ફિલ્મી ગીતો ખૂબ ગમે, બંને સાદગીમાં માને તેથી સાદા કપડાં જ પહેરે. ઘણી બધી બાબતોમાં સામ્યતા હોવાથી બંનેની મિત્રતા ગાઢ થવા લાગી અને એ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તે બંનેને ખબર જ ન પડી. છતાં પણ ક્યારેય એકબીજાને પોતાના મનની વાત કહી નહી. જેનું બંને પાસે કારણ હતું.

      એકવાર દેવે દિવ્યાને વાતવાતમાં પૂછી લીધું કે તે લગ્ન વિશે શું વિચારે છે? ત્યારે દિવ્યાએ કહ્યું કે તેને લગ્નમાં વિશ્વાસ નથી. દેવે કેમ પૂછયું તો જવાબ મળ્યો કે, "મારી આસપાસ મેં કોઈ પણ સફળ લગ્ન જોયા નથી, મારી મોટી બહેનનાં લગ્ન પણ તલાક પર આવી ગયા છે." દેવને જાણીને નવાઇ લાગી કે જેની સાથે તે પોતાના ભવિષ્યનાં મનોમન સપના સેવે છે, તે છોકરી લગ્ન કરશે કે નહીં તે નક્કી જ નથી! તેથી તેણે ચોખ્ખા શબ્દોમાં ક્યારેય દિવ્યાને તેના મનની વાત ન કરી, છતાં પણ બંનેના વર્તન-વ્યવહાર ઘણું બધું કહી દેતા. દિવ્યાને પણ દેવ સાથે ફાવતું પણ લગ્ન માટે તેનું મન તૈયાર ન હતું. ઘણા પ્રયત્નો છતાં પણ તે પોતાના મનને મનાવી ન શકી અને જોતજોતામાં બે વર્ષ પૂર્ણ થઇ ગયા.

      અલગ- અલગ શહેરોમાં રહેવાથી કોલેજ પૂર્ણ થયાં બાદ તેમનું મળવાનું પણ બંધ થઈ ગયું. મિત્રતા હતી; પરંતુ અણકહ્યા પ્રેમમાં પરિણમેલી મિત્રતા ક્યાં સુધી ટકે? ધીમે- ધીમે બંને વચ્ચે વાતો પણ ઘટી અને એક સમય એવો આવ્યો જ્યારે કામ સિવાય કોઈ વાતો જ ન થતી. જોકે કામ હોય તો સંદેશો કે ફોન દ્વારા માહિતીની આપ-લે કરવામાં આવતી, પણ એથી વધુ પહેલાં જેવી વાતચીત થતી નહી. એક દિવસ દેવનો ફોન આવ્યો અને તેણે કહ્યું, "દિવ્યા મારા લગ્ન નક્કી થઈ ગયા છે, તારે લગ્નમાં આવવાનું જ છે." દેવની વાત સાંભળીને દિવ્યાને પોતાને ખબર ન હતી કે તે ખુશ છે કે દુઃખી! તેણે ફક્ત ખૂબ ખૂબ અભિનંદન કહ્યું અને છોકરીનું નામ, એ શું કરે છે... વગેરે જેવી સામાન્ય બાબતો પૂછીને વાત પૂરી કરી.

      દેવનાં પપ્પા પણ શિક્ષક હતા. તેઓ નિવૃત્ત થાય તે પહેલાં તેમના મોટા દીકરા દેવનાં લગ્ન થઈ જાય તેવી તેમની ઇચ્છા હતી, જે દિવ્યા કૉલેજના સમયથી જાણતી હતી. દેવ માટે તેના પિતા ખૂબ જ મહત્વના હતા તેથી દેવ તેમની કોઈ વાત નહી ટાળે, તે પણ દિવ્યાને ખબર હતી. તેથી તેણે દેવને ક્યારેય કોઈ બંધનમાં બાંધ્યો નહીં, અને પોતાના મનની વાત મનમાં જ રાખી. દિવ્યા લગ્ન માટે કયારે તૈયાર થશે તે પોતે પણ જાણતી ન હતી. દિવ્યા દેવનાં લગ્નમાં પણ ગઈ અને ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી. ઘરે આવીને તેણે દેવને છેલ્લો સંદેશો મોકલ્યો, "તું જીવનમાં હંમેશા ખુશ રહે તેવી શુભકામના સહ અલવિદા. આમ, દેવનાં લગ્ન સાથે દિવ્યાનાં છેલ્લા સંદેશાથી બંને *અણકહ્યા પ્રેમથી* આઝાદ થઈ ગયા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ