દ્રઢ નિશ્ચય

 "તું ગામમાં જઈને ખેતીનો વ્યવસાય કેમ કરવા માંગે છે? શું જરૂર છે, ત્યાં તો કોઈ બીજાને પણ તું કામ કરવા માટે રાખી શકે છે. અહીંયા કેટલી સરસ નોકરી મળે છે; તું તે કેમ નથી સ્વીકારતી?" રોહને માનસીને પૂછ્યું.

     "પ્રસ્તાવ તો ખૂબ જ સરસ છે, પણ હું પપ્પાના સ્વપ્નને પૂર્ણ કરવા માંગું છુ. તેથી ગામમાં જ ખેતી કરવા માંગુ છું." માનસીએ મક્કમતાથી જવાબ આપ્યો.

     માનસી પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાના ઘરે ગામમાં આવી ગઈ. તેણે પોતાના મિત્રોથી અલગ કંઈક નવું કરવાનું વિચાર્યું. એગ્રીકલ્ચરના અભ્યાસ બાદ તેણે ગામમાં જઈને ખેતીના વ્યવસાયને આગળ વધારવાનું વિચાર્યું. પિતાની ઇચ્છાને માન આપતાં તે શહેરની નોકરીને તરછોડીને ગામમાં આવી ગઈ. ખેતીનો વ્યવસાય તો વારસામાં મળ્યો જ હતો અને હવે તો વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ તે અવગત હતી તેથી તેણે ખેતીના વ્યવસાયની શરૂઆત કરી. બધું જ બરાબર ચાલતું હતું; પરંતુ કમનસીબે તે વર્ષે વરસાદ ન વરસ્યો. જેથી ખેતર જેવાં લહેરાવવાં જોઈએ તેવાં ન લહેરાયા. ગામનો દરેક વ્યક્તિ આવતાં વર્ષે વરસાદ પડશેની રાહમાં હતો; પરંતુ બીજા વર્ષે પણ વરસાદ ન આવ્યો. આવું સદંતર ત્રણ વર્ષ થતાં, ગામની આર્થિક પરિસ્થિતિ તંગ થઈ અને ઘણા લોકો શહેર ભણી દોડી ગયા.

     માનસીના મિત્રોએ પણ તેને શહેરમાં આવવા કહ્યું; તેની પ્રતિભાને લીધે તેને હજુ પણ ત્યાં નોકરી સરળતાથી મળી શકે તેમ હતું. પરંતુ માનસી હજુ પણ પોતાની વાત પર અડગ હતી, જે તેના મિત્રોને જીદ અને માનસીને દ્રઢ નિશ્ચય લાગતો હતો.

     ત્રણ વર્ષ પછી વરુણ દેવ રીઝાયાં. ગામમાં વરસાદ પડ્યો અને માનસીને પોતાના ખેતરોમાં પરસેવો પાડવાનો સાચુકલો મોકો મળ્યો. તેણે પોતાની માં સાથે મળીને ખૂબ જ મહેનત કરી; ઘણાં વર્ષો બાદ તેમણે પોતાનાં ખેતરોમાં હરિયાળી જોઈ. માનસીએ માંની આંખમાં પોતાના માટે ગર્વ જોયો અને માંએ માનસીની આંખમાં સ્વપ્ન પૂર્ણ કર્યાનો સંતોષ.



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ