દ્રષ્ટિકોણ

 કોલેજમાં અભ્યાસ કરતાં બે મિત્રો યથાર્થ અને સમર્થ એક કોફી શોપમાં બેસીને કોફીનો સ્વાદ માણતાં હતાં અને તેમને મળેલ પ્રોજેક્ટ વિષે ચર્ચા- વિચારણા કરતાં હતા. ત્યારે જ એક મોંઘીદાટ ગાડી કોફી શોપની સામે ઊભી રહી. એમાંથી એક રોબદાર યુવાન ઉતર્યો, કોફી લીધી, અને જતો રહ્યો. તે જોઈને યથાર્થે કહ્યું, "એક દિવસ મારો પણ આવો જ વટ હશે."

      સમર્થે કટાક્ષમાં સ્મિત રેલાવ્યું. ત્યારે યથાર્થે તેના સ્મિતનું કારણ પૂછ્યું. સમર્થે વળતો પ્રશ્ન કરતાં પૂછયું, "તને ખબર છે એ કોણ હતો?"

     "ના" યથાર્થે  કહ્યું. 

     "તે આપણા શહેરના જાણીતા હીરાના વેપારી શેઠ ત્રિકમદાસનો દીકરો યશ હતો અને તેની પાસે જે ગાડી, સુખ- સુવિધા અને મોંઘા કપડાં છે તે એની પોતાની મહેનતના નથી. એના સફળ જીવન પાછળ એની નહીં પરંતુ એના પિતાની મહેનત રહેલી છે." આટલું કહીને સમર્થ પોતાની કોફી પૂર્ણ કરીને બહાર આવ્યો એની સાથે યથાર્થ પણ બહાર આવ્યો.

     સમર્થે યથાર્થને પૂછ્યું, "એક વાત પૂછું યથાર્થ! તારા માટે સફળતા શું છે?"

     "અં.... એ જ... જે યશ પાસે છે. મોંઘી ગાડી- કપડાં, સુખ- સુવિધાના સાધનો અને મજાની લાઈફ."

     સમર્થે ફરીથી સ્મિત રેલાવ્યું. એ પણ પહેલાંની જેમ કટાક્ષમાં. તેથી યથાર્થે સમર્થને પુછ્યું, "તારા મતે સફળતા શું છે?"

     "મારા મતે સફળતા એ સુખ સગવડ કરતાં વધુ જીવનથી મળેલ સંતોષ છે. અને તે ત્યારે જ મળે છે જ્યારે આપણે આપણને જે ગમે તે કાર્ય કરીએ." સમર્થે કહ્યું.

     "તો શું તને જીવનની સુખ સુવિધા નથી જોઈતી? શું તું મોંઘી ગાડીમાં ફરવા નથી માંગતો?" યથાર્થે પ્રશ્ન કર્યો.

     "જો ના એમ કહું તો એ જવાબ ખોટો હશે." સમર્થે કહ્યું.

     "જોયું, તને પણ જીવનની ભૌતિકતામાં રસ તો છે જ સમર્થ." યથાર્થે જવાબ આપ્યો.

     સમર્થે કહ્યું, "પણ હું આ બધું મહેનત કરીને મેળવવા માગું છું. કેમ કે *ભૌતિક ચીજવસ્તુઓ સામાજિક જીવનની સફળતાના માપદંડો છે.* જો એ વારસામાં મળે તો કિંમતી છે, પરંતુ જો મહામહેનતે મળે તો જ એ મુલ્યવાન છે. તું યશને જુએ છે અને હું ત્રિકમદાસને જોઉં છું. સાંભળ્યું છે કે, ત્રિકમદાસનું પરિવાર ખૂબ જ ગરીબ હતું. તેમના માતા-પિતા ખેતી કરતાં તેથી ત્રિકમદાસ નાનપણથી જ ભણવામાં ખૂબ જ મન લગાવતાં. તેમને મોટા થઈને કંઈક બનવું હતું, વેપાર કરવો હતો. પણ વેપાર કરવું ક્યારેય એમના માટે સહેલું રહ્યું નથી. તેમણે અહીં સુધી પહોંચવા લોખંડનાં ચણા ચાવ્યા છે. શરૂઆતમાં તેમણે ભલભલા હિંમતવાનની હિંમત તૂટી જાય તેવી નિષ્ફળતા જોઈ છે. પરંતુ ક્યારેય હાર નથી માની. તેમની પાસે એક લક્ષ્ય હતું અને તે કોઇપણ ભોગે તેમણે હાંસલ કરવું જ હતું. પોતે અભ્યાસ કરતાં ત્યારે સાથે માતા- પિતાને મદદ કરવા હીરા ઘસવાનું કાર્ય પણ કરતાં. આજે તેઓ પોતે હીરાના મોટા વેપારી છે. એમની સફળતા પાછળ અતૂટ હિંમત અને અથાક મહેનત રહેલી છે અને પરિવારનો સાથ તો ખરો જ! તેથી મારું માને તો તું યશને નહીં પરંતુ ત્રિકમદાસને જો. કેમ કે *સફળતા માટે...મહેનત ખૂબ જ જરૂરી છે.*" યથાર્થે વાક્ય પૂર્ણ કર્યું.

     બંને મિત્રો હસવા લાગ્યા અને પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કરવા પુસ્તકાલયમાં જતા રહ્યા.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ