સમયની કરામત
"ડૉ. શું થયું છે, અમારી ખુશીને... એ અચાનક બેહોશ કેમ થઈ ગઈ?" ખુશીની મમ્મીએ ગભરાતાં પૂછયું.
"ખુશીને જેમ બને તેમ જલ્દી હોસ્પિટલમાં જ લઈ જવી પડશે; હું હમણાં કંઈ નહીં કહી શકું. એમ્બ્યુલન્સને આવતાં વાર લાગશે, એની રાહ જોવી પાલવે નહીં; કોઈ છે જે આપણને જલ્દી હોસ્પિટલ પહોંચાડી શકે?" ડૉ. જવાબ આપ્યો.
"ગામમાં એક જ વ્યક્તિ છે જે આ કામ કરી શકે છે- શંકર." ગામનાં એક વ્યક્તિએ કહ્યું.
"જલ્દી બોલાવો શંકરને, એક મિનિટ પણ મોડું નહીં ચાલે." ડૉ. ઝડપ બતાવતાં કહ્યું.
શંકર પોતાની ટેક્સી લઈને આવ્યો, અને પલક ઝબકતાં તો તેણે હોસ્પિટલની સામે ટેક્સી ઉભી કરી દીધી. ખુશીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને સદભાગ્યે તેનો જીવ બચી ગયો. ખુશીનાં માતા- પિતા શંકરનો પાડ માનતાં થાકતા ન હતા.
"શંકર તું આજે નહીં હોત તો અમારી ખુશીનું શું થાત?" ખુશીના પિતાએ કહ્યું
"એમ કઈ ખુશી આપણને છોડી જતી હોય! તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે." શંકર આશ્વાસન આપતાં બોલ્યો.
આ બધી વાત હોસ્પિટલમાં બેઠેલ એક યુવાન સાંભળી રહ્યો હતો. તેણે શંકર પાસે આવીને કહ્યું, "શું તમે મારી પણ મદદ કરશો?"
"તમે કોણ; શું હું તમને જાણું છું? અને હું તમારી મદદ કઈ રીતે કરી શકું?" શંકરે જવાબમાં ઘણાં બધાં પ્રશ્નો કર્યા.
"મેં હમણાં સાંભળ્યું કે તમે પલક ઝબકતાંમાં એક છોકરીને હોસ્પિટલમાં લઇ આવ્યાં, તેથી તેનો જીવ બચી ગયો." યુવકે કહ્યું.
"હા, પણ હું તમારી કઈ રીતે મદદ કરી શકું?" શંકરે પૂછ્યું.
"ભાઈ! હું એક કાર રેસર છું, મારી માં બીમાર છે. એમની સાથે અહીંયા મારા સિવાય કોઈ નથી; બે દિવસમાં એક કાર રેસ છે અને મારા પર ઘણા બધા પૈસા લાગ્યા છે. જો હું નહીં જાઉં તો અમારી કંપનીને ખૂબ નુકસાન થશે; મેં અમારી કંપનીમાં વાત કરી હતી પણ તેઓ નુકસાન થવાને લીધે મને છોડવા નથી માંગતા અને કોઈપણ સંજોગોમાં હું મારી માંને અહીં આવી હાલતમાં એકલી નહીં છોડી શકું. જો તમે મારા વતી આ રેસમાં ભાગ લો તો બંને પરિસ્થિતિ સંભાળી શકાય એમ છે, તેથી હું વિનંતી કરું છું કે તમે મારી મદદ કરો." યુવકે શંકરને આજીજી કરતાં કહ્યું.
થોડી વાર વિચારીને શંકર યુવકને કહ્યું, "મને માફ કરો, પણ હું કોઈ રેસર નથી, કોઈનો જીવ બચાવવા માટે મેં ગાડી ઝડપે ચલાવી હતી. મેં ક્યારેય કોઈ રેસમાં ભાગ લીધો નથી તેથી તમે મને માફ કરો."
"દરેક વસ્તુ ક્યારેક પહેલીવાર થાય છે. તમે જ એક છો જે મારી મદદ કરી શકે તેમ છે તેથી હું તમને વિનંતી કરું છું; ભાઈ! મારી એક વિનંતી સ્વીકારો." યુવક શંકરને મનાવવાનો પ્રયત્ન કરતો હતો.
યુવાન શંકર સમક્ષ ખૂબ જ કાલાંવાલાં કરવા લાગ્યો તેથી શંકરે હામી ભરી. બે દિવસ બાદ રેસ હતી. શંકર પહેલીવાર રેસમાં ભાગ લઈ રહ્યો હતો તેથી થોડો ગભરાયેલો હતો. પણ પૂરી મહેનતથી રેસમાં ઉતર્યો અને જીત્યો; યુવકે તેનો દિલથી આભાર માન્યો. શંકરે બીજીવાર કોઈકનાં જીવ બચાવવા જેટલું અગત્યનું કામ કર્યું હતું. શંકરની ગાડી ચલાવવાની રીતથી કંપનીના માલિક એટલા બધા ખુશ થયા કે તેમણે શંકરને એક રેસર તરીકે પોતાની કંપનીમાં રાખી લીધો અને શંકરે ત્યારબાદ ખૂબ જ નામના મેળવી. શંકરે ક્યારેય સપનામાં પણ ન વિચાર્યું હતું કે તે એક સામાન્ય ટેક્સી ડ્રાઈવરમાંથી સફળ રેસર બની જશે. આજે જ્યારે શંકર વિચારે છે તો એને પોતાના પર વિશ્વાસ નથી થતો કે તેનું બાળપણનું અણકહ્યું સપનું આ રીતે પૂર્ણ થશે.
ઘણી વાર સાચો સમય અને તેની કરામત માણસને સફળતા તરફ દોરી જાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો