સફળ લગ્નનું રહસ્ય

      "હવે હું આ રોજનાં ઝઘડાથી કંટાળી ગઈ છું. તને નાની-નાની વાતોમાં પણ તકલીફ છે. મને સમજ નથી પડતી પ્રણવ કે તને કઈ રીતે સમજાવું. હવે તો તારી સાથે વાત કરવું જ એકદમ બેકાર-અર્થહીન લાગે છે." પ્રગતિએ કંટાળીને પ્રણવને જાણે કે પોતાનો ફેંસલો સંભળાવ્યો. 

     "એમ છે ત્યારે, તો સાંભળ...મને પણ તારી સાથે વાત કરવામાં કોઇ રસ નથી. વાત તો મને નથી સમજાતી કે ક્યારેય તેં મને કંઈ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે?" પ્રણવ પણ ક્રોધે ચડ્યો.

     "સાચું કહું તો મને હવે તને કંઈ જ નથી સમજાવવું. તારી સાથે વાત પણ નથી કરવી." પ્રગતિ ગુસ્સામાં હતી.

     "તો તારે કરવું છે શું?" પ્રણવનો ગુસ્સો વધતો જતો હતો.

     "મને... મને હવે તારાથી અલગ થવું છે. બસ, વાત અહીં પૂરી થઈ. દાદા-દાદીનાં લગ્નની વર્ષગાંઠ આવે છે, એની ઉજવણી થઈ જાય પછી આપણે ઘરે બધાને જણાવી દઇશું."  પ્રગતિએ વાતને પૂર્ણ વિરામ આપતાં જણાવ્યું.

     "તું સાચે મારાથી અલગ થવા માંગે છે? "પ્રણવ હજુ પણ આશ્ચર્યચકિત હતો.

     "હા, અને આ મારો છેલ્લો નિર્ણય છે." પ્રગતિએ કહ્યું.

     તારાબેન અને નટવરભાઈના પૌત્ર અને પૌત્રવધુ પ્રણવ અને પ્રગતિ એકબીજાને ખૂબ પ્રેમ કરતા. પણ વારંવાર ઝઘડા થતાં રહેતા. જેનાંથી કંટાળીને આજે પ્રગતિએ તેનો છેલ્લો નિર્ણય સંભળાવી દીધો. પ્રણવ કંઈ બોલ્યો નહીં. તે વાતને વધારવા માંગતો ન હતો. કારણ કે પ્રગતિ પ્રત્યે તેને હજુ પણ અત્યંત પ્રેમ હતો.

     પ્રણવ અને પ્રગતિની અનબનને આખું ઘર જાણતું હતું. પરંતુ પતિ-પત્ની વચ્ચે કોઈ બોલતું ન હતું. નાનાં મોટા ઝઘડા તો  ચાલ્યા કરે. પરંતુ તેમનો તે દિવસનો ઝઘડો દાદી સાંભળી ગયા. તેમણે દાદાજીને વાત કરીને નિકાલ લાવવાનું વિચાર્યું.

     ત્રણ દિવસ પછી દાદા-દાદીનાં એટલે કે નટવરભાઈ અને તારાબહેનનાં લગ્નને પચાસ વર્ષ પૂરાં થતાં હોવાથી ઘરમાં ઉત્સવ હતો. ઘરે પધારેલાં મહેમાનોમાંથી કોઈકે દાદા-દાદીને તેમના સફળ પચાસ વર્ષનાં લગ્નજીવનનું રહસ્ય જણાવવા કહ્યું, અને દાદા-દાદીને પ્રણવ પ્રગતિને આડકતરી રીતે સમજવાનો મોકો મળી ગયો. તેઓ ક્યારથી કોઈક આવા જ મોકાની શોધમાં હતાં.

     "અમારા સફળ લગ્નજીવનનું રહસ્ય, એકબીજા પરનો વિશ્વાસ અને પ્રેમ છે." દાદાજીએ કહ્યું.

     "એનો અર્થ એ કે તમારી વચ્ચે ઝઘડા તો ક્યારેય ન થતાં હશે?" ઉજવણીમાં પધારેલ એક મહેમાને પૂછ્યું.

     "અમારા રોજ ઝઘડા થતાં, અને હજુ પણ થાય છે; પણ હવે પહેલાં કરતાં ઓછા. "દાદીએ જવાબ આપ્યો.

     "પરંતુ દાદાએ કહ્યું કે તમારા બંને વચ્ચે ખૂબ જ પ્રેમ અને વિશ્વાસ છે તો ઝઘડો...." પ્રણવના એક મિત્રએ વાક્ય અધૂરું છોડ્યું.

     "બેટા! ઝઘડાનું કારણ હંમેશા અવિશ્વાસ નથી હોતો. પહેલાં અમારા ઝઘડા એકબીજાને સમજવામાં ઊભી થતી ગેરસમજને લીધે થતાં. હવે એમની કાળજી લેવામાં મારે એમની સાથે ઝઘડવું પડે છે." દાદીએ જ ઉત્તર આપ્યો.

     "*લગ્નજીવન સફળ એકબીજા પર વિશ્વાસ, એકબીજાને સમજવાનો પ્રયાસ અને એક બીજાની ભૂલોને હસી કાઢવાનાં અંદાજથી થાય છે.* તમારી દાદી કંઈક બોલે ત્યારે હું તેના શબ્દો પાછળ રહેલો પ્રેમ જોઉં છું નહીં કે તેના કડવા શબ્દો. તમારી ભાષામાં કહું તો બે અપૂર્ણ (imperfect) વ્યક્તિ એક સંપૂર્ણ (perfect) લગ્નજીવન બનાવે છે. બે સંપૂર્ણ વ્યક્તિ ક્યારેય પણ સંપૂર્ણ જીવન ન જીવી શકે. કેમ કે, તેઓ પોતે ક્યારેય ખોટા હોતાં જ નથી એવા ખોટા આભાસમાં રહે છે. તેથી સામેવાળાને સમજતાં નથી અને લગ્નજીવન તૂટવાની કગાર પર આવે છે. દાદાજીની વાતો સૌ એકધ્યાનથી સાંભળતા હતા.

     પ્રણવ અને પ્રગતિને પણ પોતે ક્યાં ભૂલ કરી રહ્યા છે તે સમજાઈ રહ્યું હતું. ઉત્સવ પૂરો થયો અને મહેમાનો વિદાય થયાં. પ્રગતિ અને પ્રણવ પણ પોતાના રૂમમાં આવ્યા. પ્રગતિ પ્રણવને ભેટીને રડી અને કહ્યું, "પ્રણવ તે દિવસે મેં તને જે કહ્યું તેને તું ભૂલી જા. મેં ગુસ્સામાં કહ્યું હતું; હું તારા વગર નહીં રહી શકું."

     "અરે ગાંડી! તને લાગે છે કે તું કહે અને હું તને છોડી દઉં? એવું ક્યારેય નહીં બને. પ્રગતિ! મને લાગે છે કે આપણા લગ્ન જીવનમાં એક જ વાતની ખામી છે." પ્રણવે આશ્વાસન આપતા કહ્યું.

     "શું" પ્રગતિ હજુ પણ ડુસકાં ભરતી હતી.

     "એકબીજાને સમજવાનાં પ્રયાસમાં. દાદાજીએ કહ્યું તેમ આપણે એકબીજાને સમજવામાં ભૂલો કરીએ છીએ. જે થઇ ગયું તે જવા દે. ઘણું મોડું થઈ ગયું છે, હવે આપણે સુઈ જઈએ. સવારે આપણે નિર્ણય પણ તો જણાવવાનો છે." પ્રણવ પ્રગતિની હાંસી ઉડાવતા બોલ્યો.

     "પ્રણવ... તું મને હેરાન કરવાનું ક્યારે બંધ કરશે?" પ્રગતિ ગુસ્સે થતી હતી કે તરત જ "કાન પકડીને સૉરી... માફ કર... હું તો મજાક કરતો હતો." પ્રણવે કહ્યું. 

     બહાર દાદા-દાદીએ રાહતનો શ્વાસ લીધો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ