પરિપ્રેક્ષ્ય

    "તને શું લાગે છે, આ સરળ છે? બહુ મહેનત લાગે ત્યારે શરીર આવું કસાયેલું બને છે. રોજ સવારે વહેલું ઊઠવું પડે. કસરત કરવી પડે. સંતુલિત આહાર જ લેવો પડે. ત્યારે પોતાને સંતુલિત રાખી શકાય." યથાર્થે આવેશથી કહ્યું.

      "તો, તું શું માને છે, મગજને કસવું સરળ છે? એના માટે તારા કસાયેલા શરીર માટે લાગે તેનાં કરતાં વધુ મહેનત લાગે. સવારે તો મારે પણ ઊઠવું જ પડે અને ઘણી વાર તો રાત્રે પણ મોડે સુધી જાગવું પડે. મારા મગજને સંતુલિત રાખવા, નવા વિચારોથી ભરવા અને નવુ જ્ઞાન મેળવવા." સમર્થ પણ આવેગમાં આવી ગયો.

     યથાર્થ અને સમર્થ વાદ કરતાં કરતાં ક્યારે વિવાદમાં ઊતરી પડ્યા, બન્નેને ખબર પણ ન પડી. પોતે જે જીવન જીવે છે તે મુશ્કેલ છે. છતાં પણ ટકી રહેવા ખૂબ મહેનત કરે છે તેવો પોતાનો મત સાબિત કરવા માંગતા હતા. જો કે, બંને પોતાની રીતે સાચા જ હતા. મન હોય કે તન કસાયેલા રાખવા મહેનત તો કરવી જ પડે ને! આ વાત તેમનો મિત્ર રાજ ખૂબ સારી રીતે જાણતો હતો. પરંતુ, વાદથી વિવાદમાં ઉતરેલ મિત્રોને હમણાં આ સમજાવવું સરળ ન હતું, તે પણ તે જાણતો હતો. બીજી બાજુ યથાર્થ અને સમર્થનો વિવાદ તો ચાલુ જ હતો. રાજ બન્નેની વાત સાંભળી રહ્યો હતો અને વિચારતો હતો કે આ વાતનો ફેંસલો કઈ રીતે લાવવો! થોડી વાર બાદ તેને એક યુક્તિ સૂઝી. તેણે બન્નેને શાંત કરતાં કહ્યું, "તમારામાંથી કોણ વધુ મહેનત કરે છે, તે જાણવાની મારી પાસે એક યોજના છે."

     બન્ને મિત્રોએ આતુરતાથી યોજના જણાવવા કહ્યું. રાજે કહ્યું, "તમે બન્ને એક મહિના માટે એકબીજાનું જીવન જીવી જુઓ." યથાર્થે પૂછ્યું, "શું કરવાનું છે?" રાજે કહ્યું, "વધારે કંઈ નહીં, તમે બન્ને એક માસ સુધી એકબીજાની દિનચર્યાને અનુસરો." "હું તો કરી લઈશ, પણ આ યથાર્થથી થશે?" સમર્થે ગૌરાંવિત થતાં કહ્યું. તેની વાતથી યથાર્થ ક્રોધિત થયો ને બન્નેનો વિવાદ ફરીથી ચાલુ થયો કે તરત જ રાજે બન્નેને રોકીને યોજના પર અમલ કરવાનું સૂચન કર્યું.

      બીજા દિવસથી બન્ને એકબીજાનું જીવન જીવવા લાગ્યા. શરૂઆતનાં કેટલાંક દિવસો તો બન્ને પોતે સાચા છે તે સાબિત કરવામાં તેમને એકબીજાનું જીવન જીવવામાં કેટલી તકલીફ પડે છે તેના વિશે કંઈ બોલ્યા નહી. પરંતુ મહિનાના અંતે રાજે તેમને બન્નેને પોતાના અનુભવ જણાવવા કહ્યું ત્યારે બન્નેએ કબૂલ કર્યું કે તન હોય કે મન, કસાયેલું રાખવામાં ખૂબ જ મહેનત લાગે છે. તેમજ સૌથી વધુ મહેનત ત્યારે લાગે છે જ્યારે તમે કોઈ કામથી પરિચિત અને ટેવાયેલા નથી હોતા છતાં તે કામ તમારે કરવું પડે.

     યથાર્થે કબૂલ કર્યું કે સમર્થ હંમેશા સારા ગુણથી પાસ થાય છે કેમ કે તે અતિશય મહેનત કરે છે. સમર્થે પણ માન્યું કે યથાર્થ રમત- ગમતમાં તેમની કૉલેજનું નામ તનતોડ મહેનત કરીને જ ઊંચું કરી શક્યો છે. રાજે કહ્યું, "ચાલો ત્યારે, એ જ વાત પર ઉપાહાર ગૃહમાં નાસ્તો કરી આવીએ. તેમજ આજનો નાસ્તો મારા તરફથી" સમર્થે પૂછયું, "કેમ ભાઈ, કઈ ખુશીમાં?" "તમારા બન્ને પાસે તમારા સ્વભાવથી વિપરીત મહેનત કરાવવાની ખુશીમાં." રાજે ઉત્તર આપ્યો. ત્રણેય મિત્રો હસવા લાગ્યા.

     ત્રણેય ઉપાહાર ગૃહમાં ગયા ત્યારે રાજે ફરીથી બન્નેને પૂછ્યું, "સાચું સાચું કહેજો, એક મહિના સુધી એકબીજાનું જીવન જીવવામાં કેવો અનુભવ થયો?" યથાર્થે જવાબ આપતાં કહ્યું, "શરૂઆતમાં તો હું જ સાચો છું એ સાબિત કરવા હું વાંચતો હતો પણ બહુ કંટાળો આવતો. ધીમે ધીમે મને વાંચન ગમવા લાગ્યું. મારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. મને સમજાયું કે તન કરતાં મનની કસરત વધુ મહેનત માંગે છે." સમર્થે જણાવ્યું, "મારા માટે તો પહેલાં દિવસથી જ મુશ્કેલ હતું કેમ કે મેં ક્યારેય મારા સ્થૂળ દેહને કેળવ્યો નથી. તેથી મેં તો ખૂબ જ મુશ્કેલી અનુભવી. હું પણ યથાર્થની જેમ મારો મત જ સાબિત કરવા માંગતો હતો. પણ મે નોંધ્યું કે મારા શરીરમાં ઘણાં બધા ફેરફારો થયા. તેથી મેં મારા મતની સાબિતી છોડીને ફક્ત મારાં શરીરમાં થતાં સકારાત્મક ફેરફારો તરફ ધ્યાન આપતાં એક મહિના સુધી યથાર્થનું જીવન જીવ્યો."

     રાજે કહ્યું, "મિત્રો, આપણને હંમેશા અન્યનાં કામ જ સરળ લાગે છે, પરંતુ જો આપણે જાતે તે કાર્ય કરીએ ત્યારે જ વાસ્તવિકતાનું ભાન થાય. તમે બન્ને વાસ્તવિકતાને પણ સમજી ગયાં અને તમારામાં સકારાત્મક બદલાવ પણ આવ્યો, ખબર છે એનું કારણ?" "ના". બન્ને એક સાથે બોલ્યા. "કેમ કે, જીવન ક્યારેય સરળ નથી થતું, આપણે વધુ મજબૂત થતાં જઈએ છીએ. આ હું નથી કહેતો, કશે વાંચ્યું છે." રાજે કહ્યું અને ત્રણેય મિત્રો હસી પડ્યાં.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ