મિથ્યા મિત્રતા

 મંગળ ગ્રહના રહેવાસીઓ (ઍલિયન્સ) એકવાર ચબૂતરે બેસીને વાતો કરતા હતા કે અલગ-અલગ ગ્રહો પર તેમના ભૂતકાળમાં કેવા અનુભવ રહ્યા. ત્યારે એમાંથી એક વૃદ્ધ ઍલિયને, જેમને સૌ ઍલિયન દાદા કહેતા; તેમણે જણાવ્યું કે,"મારો પૃથ્વી પરનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. પૃથ્વીવાસી ખૂબ જ સારા અને મદદગાર છે. જ્યારે હું ભૂલથી પૃથ્વી પર પહોંચી ગયો હતો ત્યારે પૃથ્વી પર રહેતા એક પરિવારે મને ખૂબ જ મદદ કરી હતી. તેથી મને અહીંયા જેવું જ પૃથ્વી પર પણ લાગ્યું હતું. તે પરિવારના બધા સભ્યોએ મને પોતાના સભ્યની જેમ રાખ્યો હતો અને મને ફરીથી અહીંયા આવવા માટે મદદ પણ કરી હતી."

     આ બધી વાતો ત્યાં બેઠેલો એક નાનો ઍલિયન ખૂબ જ ધ્યાનથી સાંભળતો હતો. વાતો સાંભળીને તેને પૃથ્વી પર જવાની, ત્યાંના લોકોને જાણવાની ઇચ્છા થઈ. તેણે પોતાની માતાને પોતાની ઈચ્છા જણાવી. તેની માતાએ તેને કહ્યું, "હવે પૃથ્વી પર બધું બદલાઈ ગયું હશે અને ત્યાંના લોકો હજુ પણ પહેલાં જેવા જ હશે એની કોઈ ખાતરી નથી. અને પૃથ્વી પર ભ્રમણ કરવા માટે તું ખૂબ જ નાનો છે. તેથી તું હમણાં ત્યાં ન જઈ શકે." માતાની વાતો સાંભળીને નાનો ઍલિયન રિસાઈને એકલતામાં સમય પસાર કરવા ગયો.

     ઍલિયન જ્યાં બેઠો હતો ત્યાં થોડી વાર બાદ એક યાન ઉતર્યું. તે જોઇને પહેલાં તો એ અચંબિત થઈ ગયો. ત્યાર બાદ તેમાંથી કેટલાક લોકો ઉતર્યા. તે માણસો હતા. પહેલા તો તેને વિશ્વાસ જ ન થયો કે માણસો તેના ગ્રહ પર આવ્યા છે. પરંતુ ખુશી એ વાતની થઈ કે હવે તેને પૃથ્વી પર જવાની જરૂર નથી. તે માણસોને પોતાના ગ્રહ પર જ જાણી શકશે. તેણે તરત જ માણસો સાથે મિત્રતા બાંધી. માણસોએ પણ ખૂબ જ ઉષ્માભેર તેની મિત્રતાને વધાવી લીધી. ઍલિયને માણસોને પોતાના વિસ્તારથી પરિચિત કરાવ્યા. પોતાનું ઘર બતાવ્યું. પોતાના જેવા બીજા ઍલિયનોની સાથે પણ મિત્રતા કરાવી. તેમની આગતા- સ્વાગતામાં કોઈપણ કમી રાખી નહીં.

      ઍલિયન ખૂબ જ ખુશ હતો કે માણસો હજુ પણ પહેલાં જેવા જ છે, પ્રેમાળ અને મિલનસાર છે. તેથી તેની પૃથ્વી પર જવાની ઇચ્છા પણ વધી ગઈ. તેણે ફરીથી પોતાની માતાને પૃથ્વી પર જવાની ઈચ્છા વ્યક્ત કરી. આ વખતે માતા પણ માની ગઈ. પરંતુ થોડા દિવસ બાદ તેણે નોંધ્યું કે ઍલિયનોથી છુપાઈને માણસો કંઈ કાર્ય કરે છે. તેને માણસોની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાતા તેની વાત પોતાના પરિવારને કરી. ઍલિયનોએ એક રાત્રે માણસોના સામાનની ચકાસણી કરી તો તેમને જાણ થઇ કે તેઓ વૈજ્ઞાનિકો છે. તેઓ પૃથ્વી પરથી બીજા ગ્રહ પર સંશોધન કરવા માટે આવ્યા છે. તમામ પ્રકારની માહિતી મેળવીને તેઓ પોતાનું વર્ચસ્વ તેમના ગ્રહ પર પણ સ્થાપવા માંગે છે. સત્યથી પરિચિત થતાં ઍલિયનોએ એક જૂથ થઈને માણસોને પોતાના ગ્રહ પરથી ભગાડી મૂક્યા. વૈજ્ઞાનિકોએ અડધું સંશોધન કરીને જ પૃથ્વી પર પરત ફરવું પડયું.

     પૃથ્વીને અને માણસોને મળવાનો શોખ ધરાવતા ઍલિયને દુઃખી હૃદયે તેની માતાને કહ્યું, "માં માણસો ખૂબ જ બદલાઇ ગયા છે. તેઓ ઍલિયન દાદાએ કહ્યું તેવા જરા પણ નથી. મારો અનુભવ તો જરા પણ સારો ન રહ્યો અને જે સારું હતું તે બધું મિથ્યા હતું. હું પૃથ્વી પર જવાની જીદ હવે ક્યારેય નહિ કરું. માણસોની મિત્રતા મિથ્યા હતી તેઓ ખૂબ સ્વાર્થી છે માં."

     એલિયનની માતાએ તેને છાતી સરસો ચાંપી લીધો.

     


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ