સ્ત્રી: ઘરની સુપરહીરો

 "તમારી પાસે આ નવાં વિચારો છે, આપણા વાર્ષિક સામાયિકના મુખપૃષ્ઠ માટે! સાચે આ નવા વિચારો! આ એકદમ વાહિયાત છે. કંઈપણ કરો, કંઈક નવું વિચારો, કંઈક એવું જે સામાન્ય માણસોને લાગુ પડે. જેની સાથે સામાન્ય માણસો પોતાને જોડી શકે." આસ્થા પ્રકાશનનાં માલિકની ચિંતા ગુસ્સો થઈને વરસી રહી હતી.

     એક મહિનાથી આખી ટીમ તેમના વાર્ષિક સામાયિકનાં મુખપૃષ્ઠ માટે તૈયારી કરી રહ્યાં હતા. પરંતુ તેમના માલિકને કોઈપણ વિચારો મુખપૃષ્ઠ માટે ગમતાં જ ન હતાં. હવે ફક્ત એક અઠવાડિયું બાકી હતું અને સમયમર્યાદા પૂર્ણ થવાના આરે હતી, તેથી તેમની ચિંતા વધતા આજે તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા.

     મયૂર એકવાર ફરીથી નકારેલાં વિચારો સાથે પોતાના ટેબલ પર આવીને બેઠો. પોતાની ટીમને બોલાવીને તેણે કહ્યું, "કંઈક સામાન્ય માણસોને લાગુ પડે તેવું વિચારવું પડશે, તો બધા ફરીથી કામે વળગો." 

     રોનકે પોતાનો વિચાર જણાવતાં કહ્યું, "સુપર હીરો, સુપર હીરો કેવું રહેશે?"

      "રોનક મને લાગે છે કે તેં સાંભળ્યું નહીં મેં જે કહ્યું તે, સામાન્ય માણસોને લાગુ પડે તેવું અને તું સાવ આ બાળક બુદ્ધિ જેવા વિચારો આપે છે." મયૂરે રોનકને ટોકતાં કહ્યું.

     "હું જે સુપર હીરોની વાત કરું છું તે કોઈ સુપરમેન, બેટમેન કે છોટાભીમ નથી." રોનક બોલ્યો.

     "તો તું કોની વાત કરે છે?" શીતલે આતુરતાથી પૂછ્યું.

     "હું જેની વાત કરું છું, એ તમે લોકો છો." રોનકે ઉત્તર આપ્યો.

     "રોનક! સીધું સીધું બોલ; તારી ગોળ- ગોળ વાતો એમને સમજાતી નથી." સીમાએ કહ્યું.

     "સ્ત્રી! આજની સુપરહીરો, એટલે કે તમે લોકો. મેં સુપરહીરો કહ્યું ને તમે બધાં કાલ્પનિક સુપર હીરો વિશે વિચારવા લાગ્યા. પણ હું એમની વાત નથી કરતો; એ લોકો કાલ્પનિક દુનિયાનાં છે અને ત્યાં જ સારા લાગે છે. હું માનું છું કે આજની સ્ત્રી સુપર હીરોથી જરા પણ ઓછી ઊતરતી નથી. કેમ કે તેનાં એક હાથમાં દૂધની બોટલ છે,તો બીજા હાથમાં દવાનું કાગળ. એક હાથમાં ટિફિન બોક્સ છે, તો બીજા હાથમાં દાળની કડછી. એક હાથમાં ફોન છે, તો બીજા હાથમાં ફાઈલ. એક હાથમાં બાળક છે, તો બીજા હાથમાં એની જવાબદારી. એક હાથમાં ઓફિસ છે, તો બીજા હાથમાં ઘર. આવું તો ઘણું છે જે અવર્ણનીય છે. એક સ્ત્રી આ બધું જ ઘણી સારી રીતે સંભાળે છે; તો થઈને એ આપણી સુપર હીરો."રોનકે પોતાની વાત સમજાવતાં કહ્યું.

     આખી ઓફિસ તાળીના ગડગડાટથી ગૂંજી ઊઠી અને આસ્થા પ્રકાશનનાં વાર્ષિક સામાયિકનું મુખપૃષ્ઠ હતું - *સ્ત્રી, દરેક ઘરની સુપર હીરો.*


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ