ભારત સોસાયટી
રમેશભાઈનો સ્વભાવ વિચિત્ર. વધુ પડતા ગુસ્સાવાળા તેથી એક જગ્યા પર ક્યારેય ટકી ન શકે. વારંવાર ઘર બદલવું જાણે એમની ટેવ થઈ ચૂકેલી. વણઝારા જેવું જીવન, પાડોશીઓ સાથે થોડો પણ ઝઘડો કે બોલચાલ શું થાય કે તરત જ ઘર બદલવાનો ફેસલો મનમાં ઘર કરી જાય. તેઓ જેમ બને તેમ વહેલી તકે ઘર બદલી પણ નાખે. તેઓ પોતાની પત્ની રમીલાબેન અને બાળકો સાથે ભાડાનાં ઘરમાં જ રહે, રમીલાબેન અને બાળકોને તો ઈચ્છા થાય કે કોઈ જગ્યા પર પોતાનું ઘર હોય અને આ વણઝારાનાં જીવનમાંથી છુટકારો મળે પણ રમેશભાઈના સ્વભાવને આભારી તેમનાં નસીબમાં એક જગ્યાનો ઠહેરાવ જ નહીં.
એકવાર તો રમેશભાઈએ ફક્ત એટલે ઘર બદલી નાખ્યું કેમ કે તેમની બાજુના ઘરમાં મુસ્લિમ પરિવાર આવીને વસ્યું. વારંવાર ઘર બદલવાથી બાળકોનાં શિક્ષણ પર અસર પડતી; તેથી આ વખતે તેમના પત્ની રમીલાબેને તેમને બાળકો વિશે વિચારવા કહ્યું. બધી જગ્યાએ ફરી વળેલા રમેશભાઈને માટે બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો તેથી તેમણે એક મિશ્ર વસ્તીની *ભારત સોસાયટી* નામની સોસાયટીમાં ભાડેથી ઘર રાખ્યું, જ્યાં સુધી બાળકોનું ચાલુ વર્ષનું ભણતર પૂરું ન થાય ત્યાં સુધી મન મારીને પણ રહી લેવું એમ કહીને તેમને રમીલાબેને મનાવ્યા.
હિંદુ ધર્મ સિવાય બીજો કોઇ ધર્મ પાળતા લોકો પર તેમને જરાય વિશ્વાસ નહીં, પરંતુ આ વખતે કોઈ ઉપાય ન રહેતાં એમણે ભારત સોસાયટીમાં રહેવું પડ્યું. થોડા સમયમાં જ આખી સોસાયટી તેમના મિજાજને ઓળખી ગઈ. દર વખતે લોકો તેમનો મિજાજ ઓળખીને તેમનાથી દૂર બનાવી લેતા પરંતુ ભારત સોસાયટી તારક મહેતાની ગોકુલધામ જેવી સોસાયટી; કંઈ પણ થાય તો બધા સાથે મળીને જે તે મુશ્કેલીને દૂર કરે.
સોસાયટીની મહિલાઓ સાથે રમેશભાઈનાં પત્ની રમીલાબેનનું સારું બનવા લાગ્યું તેથી તેમના પતિને સુધારવા અને લોકો પર વિશ્વાસ બેસાડવાની તેમણે બધાંએ સાથે મળીને યોજના કરી. કંઈપણ થઈ જાય પરંતુ રમેશભાઈને દરેક ધર્મનાં માણસ ઉપર અને તેમની એકતા પર વિશ્વાસ તો કરાવીને જ રહેવું, એવો આખી સોસાયટીનો પ્રણ હતો. રમેશભાઈ કોઈની સાથે હળે-મળે નહીં છતાં પણ દરેક વ્યક્તિ તેમની સાથે પ્રેમથી જ વર્તન કરે. દરેક ધર્મનો વ્યક્તિ પોતાના તહેવારોની ઉજવણી સોસાયટીના બધા સભ્યો- પરિવાર સાથે મળીને કરે તેથી રમેશભાઈનાં ઘરે પણ આમંત્રણ મળે. તેમને ગમે તો નહિ પરંતુ એક જ સોસાયટીમાં રહેતા હોવાથી ક-મને પણ હાજરી નોંધાવવી પડે. દરેક ધર્મનાં તહેવારો એક પછી એક આવ્યા જ કરે તેથી આ નિત્યક્રમ થતો ગયો અને કહેવાય છે ને કે તહેવાર માણસોને નજીક લાવે છે તે સત્ય જ હશે કેમ કે રમેશભાઈના મનમાંથી પણ કડવાશ ઓછી થતી હોઈ તેવી પ્રતીતિ બધાને થઈ રહી હતી.
એકવાર રમેશભાઈ સોસાયટીમાંથી બહાર જતાં હતાં અને તેમનું સ્કૂટર રસ્તામાં ઝઘડતાં કુતરાઓમાંથી એક સાથે અથડાયું અને તેઓ પડી ગયા. તેમને ઘણાં ઘા વાગ્યા. હવે, ઘરની બધી જરૂરિયાતો કોણ પૂરી કરે તે પ્રશ્ન હતો, કેમકે રમેશભાઈ સિવાય અન્ય કોઈ બહાર કામ કરતું નહીં અને રમીલાબેન ફક્ત ઘર સંભાળતા. પરંતુ પાડોશીઓએ તેમને કોઈ વાતની કમી થવા દીધી નહીં. બધી જરૂરતનો સામાન તેમને ત્યાં પહોંચતો કરવામાં આવ્યો. તેઓ એક મહિનો હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી તેમના બાળકોનો ખ્યાલ પણ પડોશીઓએ જ રાખ્યો. જ્યાં સુધી તેઓ એકદમ સારા નહીં થઈ ગયા ત્યાં સુધી પાડોશીઓ તેમના પડખે જ ઊભા રહ્યા. તે જોઈને તેમનું મન પરિવર્તન થઈ ગયું અને તેમણે ભારત સોસાયટી છોડીને ન જવાનો નિર્ણય કર્યો. વર્ષો પહેલાં ધર્મને નામે તેમના મન પર જે ઘા થયા હતા તે મિશ્ર વસ્તીની ભારત સોસાયટીમાં આવીને ભરાઈ ગયા. જેમ ભારત દેશમાં કોઈપણ જાતિ- ધર્મનો વ્યક્તિ દૂધમાં સાકરની જેમ ભળી જાય તેમ રમેશભાઈ પણ ભારત સોસાયટીમાં ભળી ગયા. વિવિધતામાં એકતા માટે પ્રચલિત આપણો ભારત દેશ આવી ભારત સોસાયટીમાંથી જ પ્રતિબિંબિત થતો હશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો