શિયાળની યોજના
"જુઓ, એમ તો માણસો મને વધુ પસંદ નથી, પરંતુ એમની એક વાત મને ગમી હતી કે પોતાનું ઘર આપણે પોતે જ બચાવવું પડશે." પ્રાણીઓની સભામાં શિયાળભાઈએ વાત શરુ કરી.
"તમે શું કહેવા માંગો છો?" સસલાંએ પૂછ્યું.
"આપણું ઘરે એટલે કે આ વન; જેને આ માણસો જ નષ્ટ કરી રહ્યા છે, તેથી આપણે કંઈક કરવું પડશે." શિયાળભાઈએ જવાબ આપ્યો.
"જે આપણું ઘર નષ્ટ કરે છે તમે તેમની સલાહ માનવાની વાત કરો છો?" હાથીએ કહ્યું
"કારણ કે, દુશ્મનની સલાહ ઘણી વાર કારગર સાબિત થાય છે." શિયાળે જવાબ આપ્યો.
"તમારી પાસે કોઈ યોજના છે?" વાઘે પૂછ્યું.
"દર વખતની જેમ કોઈ ઉત્કૃષ્ટ યોજના નથી પણ વિચારી લીધું છે કે હવે એમને આપણે વનનાં વૃક્ષ નહીં કાપવા દઈએ." શિયાળે કહ્યું.
"સરકારે કાયદો બનાવ્યો છે કે વનને કાપવા નહીં. પરંતુ તેઓ ચોરી છૂપે રાતના સમયે વૃક્ષ કાપે છે, ત્યારે આપણે સૂતા હોઈએ; તો હવે આપણે શું કરીશું?" સસલાએ ફરીથી પૂછ્યું.
"આપણે ગોરીલાભાઈની મદદ લઇ શકીએ; એમનો દેખાવ માણસ જેવો જ છે અને રાત્રીના સમયે કોઈને ખબર પણ નહીં પડશે." શિયાળ પોતાની યોજના જણાવી રહ્યો હતો.
"પણ ગોરીલાભાઈએ કરવાનું શું છે?" ઉત્સાહી સસલું ફરી બોલ્યું.
"આપણે ગોરીલાભાઈને ભૂત બનીને માણસોને ડરાવવા કહીએ તો કેવું રહેશે?" શિયાળે પોતાનું ચાલક દિમાગ વાપર્યું.
"પણ આપણે માણસોને સમજાવીએ તો?" ભોળા હાથીભાઈએ પ્રસ્તાવ રાખ્યો.
"ના, સમજાવવાનો વખત જતો રહ્યો છે, હવે કરવાનો વખત આવ્યો છે." સિંહે દહાડતાં કહ્યું.
બધા પ્રાણીઓએ મળીને માણસોને ડરાવવાની યોજના બનાવી. યોજના મુજબ ગોરીલાભાઈને હવે મનાવવાનાં હતા. ગોરીલાભાઈ જરા હઠીલાં તે આમ શાનાં માને? તેથી ગોરીલાભાઈને મનાવવાની જવાબદારી પણ શિયાળનાં માથે જ આવી. શિયાળે કહ્યું, "ગોરીલાભાઈ મેં જોયું હતું કે તે દિવસે તમારે ગરમી ઊંઘવું પડ્યું. મને ખૂબ ખરાબ લાગ્યું. અમે એક યોજના બનાવી છે, જો તમે અમને મદદ કરશો તો તમને વૃક્ષની છત્રછાયા મળશે. શાંતિથી ગરમીમાં તમે વૃક્ષની છાયા નીચે ઉંઘી શકશો." અંતે ગોરીલાભાઈ માની ગયા.
તે રાત્રે પણ માણસો ચોરી છૂપે વનનાં વૃક્ષો કાપવા આવ્યાં. પરંતુ યોજના પ્રમાણે ગોરીલાભાઈએ ભૂત બનીને તેમને ડરાવ્યાં અને માણસો ત્યાંથી ભાગી ગયા. આવું ઘણાં દિવસો સુધી ચાલ્યું અને વનમાં ભૂત છે એમ માનીને ત્યાંથી લાકડાં કાપવાનું બંધ થઈ ગયું. આમ, પ્રાણીઓએ સાથે મળીને પોતાનું ઘર બચાવ્યું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો