આઈએમપી પ્રશ્નો

 

પરીક્ષાનો સમય હતો. બધાં વિદ્યાર્થીઓ વાંચનાલયમાં  બેસીને વાંચી રહ્યાં હતાં. ત્યાં જ એક વિદ્યાર્થીએ આવીને ફોડ પાડ્યો કે, "શ્રુતિ અને રિયાને જયંતિ સર બોલાવે છે," બંનેને નવાઈ લાગી. કેમ કે જયંતિ સર સામાન્ય રીતે એમને કંઈ ખાસ ઓળખતા ન હતાં. અને ડર પણ લાગ્યો કેમ કે જયંતિ સર પી.ટી શિક્ષક હતાં તેમજ સ્વભાવે થોડા કડક પણ. તેથી ડર લાગવો સ્વાભાવિક હતો. છતાં પણ બંને ગયાં ત્યારે જયંતિ સરે તેમને એક કાગળ આપ્યું.

     એ કાગળ સામાજિક વિજ્ઞાનના પેપરના આઈએમપી પ્રશ્નોનું હતું. (જયંતિ સર સામાજિક વિજ્ઞાનનું ટ્યુશન આપતાં હતાં.)બંને ખુશ થઈ ગયાં કેમ કે સામાજિક વિજ્ઞાનનું પેપર તેમનાં માટે થોડું ભારે હતું, તેથી જો આઈએમપી મળી જાય તો મગજનો ભાર થોડો ઓછો થઇ જાય. તેઓ ખુશ થતાં થતાં પેપર જોઈ રહ્યાં હતાં, ત્યારે ફરીથી એક વિદ્યાર્થીએ આવીને કહ્યું કે, "યોગેશ સર તમને બોલાવે છે." શ્રુતિ અને રિયા મૂંઝાયા. તેઓ સર પાસે ગયા. ત્યારે સરે તેમને પૂછ્યું, "લઈ આવ્યા આઈએમપી પ્રશ્નો?" રિયાએ જવાબ આપ્યો," હા, સર". "પરંતુ તમને કેવી રીતે.... "શ્રુતિ વાક્ય પૂર્ણ કરે તે પહેલાં જ તેને યોગેશ સરે અટકાવતા કહ્યું કે, "જયંતિ સરને મેં જ કહ્યું હતું તમને આઈએમપી પ્રશ્નો આપવા માટે. કારણ કે હું જાણવા માંગતો હતો કે મારી દિકરીઓ કેટલી નિષ્ઠાવાન છે? તેમને પોતાની લાયકાત પર વિશ્વાસ છે કે નહીં? અને આઈએમપી તેમનાં માટે કેટલાં જરૂરી છે?

     શ્રુતિ અને રિયાને તરત જ ભાન થઈ ગયું કે આ તો એમની પરીક્ષા લેવાઇ હતી. જેમાં તેઓ નિષ્ફળ ગયા. શ્રુતિને જાણે કે કોઈ આઘાત લાગ્યો અને રિયાને પણ ખોટું લાગ્યું હતું. આઈએમપી પ્રશ્નોનું પેપર શ્રુતિનાં હાથમાં હતું. તેના હાથ એકદમ ઠંડા પડી ગયા. એ કંઈ પણ બોલી ન શકી. રિયાને કંઈ ખાસ ફરક ન પડ્યો. સરને મળ્યા બાદ શ્રુતિએ તે પેપર એના બીજા મિત્રોને આપી દીધું. એનું અંતરમન એને ડસી રહ્યું હતું, કે આવી ભૂલ એનાથી કઈ રીતે થઈ ગઈ? જે પ્રશ્નો એણે જોયા હતાં તે પરીક્ષામાં પૂછાય શકે તેવાં હોવા છતાં પણ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા તેણે એ પ્રશ્નો જ વાંચ્યાં નહીં. અને ત્યારબાદ તેણે ક્યારેય આઈએમપી પ્રશ્નોની ઈચ્છા ન રાખી, ના કોઈ પાસે માંગ્યાં, ન કોઈને પૂછ્યા.

     આ વાતને વર્ષો વીતી ગયા છે. પરંતુ શ્રુતિ આજે પણ એ વાત ભૂલી નથી શકી. કારણ કે તેનું અંતરમન એને ભૂલવા નથી દેતું. શ્રુતિ આજે પોતે એક શિક્ષક છે. અને આજે જ્યારે વિદ્યાર્થીઓ તેની પાસે આઈએમપી માંગે છે, ત્યારે તેને પોતાની સાથે બનેલી ઘટના યાદ આવે છે. ત્યારે તેનું મન તેની સાથે વાત કરે છે કે," આઈએમપી જેવું કંઇ હોતું નથી. એ તો મનને મનાવવાની વાત છે. બાકી પ્રશ્નો કયા પુછાય શકે તે તો પેપર કાઢવાવાળા સિવાય કોઇને ખબર નથી હોતી."

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ