ડિયર ડાયરી
હું અને મારી ડાયરી જ્યારે જ્યારે મળીએ ત્યારે ત્યારે અઢળક વાતો કરીએ. સુખ- દુઃખની, હર્ષોલ્લાસની કે પછી આનંદ- વિષાદની વગેરે... એ મારા મનનાં દરેક સ્પંદનોને સાચવી રાખે. જ્યારે જ્યારે મને સમય મળે અને હું એને વાંચવા બેસુ ત્યારે એ પણ મારી સાથે તે યાદોને વાગોળે. મારી એની સાથે મિત્રતા મારી શાળાના એક શિક્ષકે કરાવેલી. તેઓ કહેતા કે જે લોકો અંતર્મુખી હોય છે, તેમણે ડાયરીને મિત્ર બનાવવી જોઈએ. ઘણીવાર અંતર્મુખી લોકોની એ ખાસ મિત્ર હોય છે.
હું ઘણા બધા લોકો માટે અંતર્મુખી હોઈ શકું પરંતુ મારી ડાયરી માટે ચોક્કસ બહિર્મુખી જ હોઈશ. જે વાતો કોઈને ન કહી શકું તે વાતો મુક્ત મને મારી ડાયરીને કહી શકું છું. એમાં મેં કઈ લાગણીઓ નથી ચીતરી! બધુ જ લખ્યું છે. અને એણે ભૂમિ બની બધુ જ સાચવ્યું છે. કોઈક વાર નવાઈ લાગે કે આટલી મોટી દુનિયામાં હું મારા નાનકડા બેગમાં એક આખી ધરતી લઈને ચાલુ છું. અને એ કેવી રીતે બધુ પોતાનામાં સમાવી લેતી હશે? જો મારે મારી ડાયરી માટે કંઈક કેહવુ હોય તો કહીશ કે-
મારી લાગણીનો લગોલગ ભાર ઝીલે, તોય ઝૂકતી નથી
સથવારે સ્પંદનો સાચવે, તોય ફરિયાદ કરતી નથી
સખી- સાથી થઈ સંભાળે, તોય કશું માંગતી નથી
મન મારું મોકળુ જાણે, તોય પૂછ્યા વિના કહેતી નથી
તારો ખૂબ ખૂબ આભાર ડિયર ડાયરી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો