જન્મદિવસની ઉજવણી

 સિયાના જન્મદિવસની ઉજવણી હતી. ખુશીનો માહોલ હતો. કેક કાપવાનો સમય આવ્યો, ત્યારે બધાં કેક જોઈને થોડાં ચકિત થઈ ગયા. જેનું કારણ કેક પર લખેલું નામ હતું. કેક પર હેપ્પી બર્થડે સિયાને બદલે હેપ્પી મધર્સ ડે લખેલું હતું. તેથી બધાં સિયાને પ્રશ્નો કરવા લાગ્યા.

     સિયાએ કહ્યું, મિત્રો આપણે દર વર્ષે આપણો જન્મ દિવસ ઉજવીએ છીએ. આપણા અસ્તિત્વને આપણે વધાવીએ છીએ. પરંતુ, ક્યારેય પણ આપણા અસ્તિત્વને દુનિયામાં લાવનારી એ ખાસ વ્યક્તિને વધાવી છે? નહીં. એટલે જ આ જન્મદિવસ હું મારા અસ્તિત્વને નહીં, પરંતુ મારી સૌથી ખાસ મિત્ર... મારી સખી... મારી માંના અસ્તિત્વને ઉજવવા માંગુ છું.

     દરેક માં પોતાનાં બાળક માટે ઘણું બધું કરે છે. એમાં નવું કંઈ જ નથી. પરંતુ તેમાં ખૂબ જ પ્રેમાળ લાગણી હોય છે. જે દરેક વ્યક્તિ માટે ખાસ તેમજ નવી હોય છે. મારાં માટે મારાં માતા-પિતા બંને મારી માં જ છે. પિતાજી બાળપણમાં જ અમને છોડી ગયા તેથી એમને જાણવાનો મોકો જ ન મળ્યો. મારા માટે બધું જ મારી માં છે. તે પોતાનો જન્મદિવસ પણ ક્યારેય નથી ઉજવતા. પોતાનાં માટે બધી જ વસ્તુ તેમને મોંઘી લાગે છે, અને મારાં માટે બધું જ તેમને સસ્તું લાગે છે. પોતાના માટે તેમને વિચાર જ નથી આવતાં, અને મારાં માટેનાં તેમના વિચારો જ નથી જતાં. હું કંઈ પણ કરી લઉં, મને ખબર છે; હું એમનાથી ક્યારેય નહીં જીતી શકું. તેથી આજે હું થોડી ચાલાકી કરીને જીતવા માંગુ છું.

     મમ્મી... મને માફ કરજો. તમે ક્યારેય તમારી બર્થડે કેક નથી કાપી. તમે કાપશો પણ નહીં. તેથી આજે આ મારાં જન્મદિવસ ને હું તમારાં જન્મદિવસ તરીકે ઉજવવા માંગુ છું. તમારાં માતૃત્વનો દિવસ તરીકે. આઠ માર્ચે દર વર્ષે માતૃત્વનો દિવસ તો આવે જ છે. પરંતુ તમારાં માટે હવેથી મારો જન્મદિવસ માતૃત્વનો દિવસ રહેશે. મમ્મી! હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. મારી પાસે આવો... અને આ તમારાં જન્મદિવસની કેક કાપો. સિયાની આંખો લાગણી ભીની હતી, અને તેની મમ્મીની આંખોમાં ખુશી હતી અને અધર નિ:શબ્દ.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ