ગુજરાતીની ઓળખ
*શીર્ષક- ગુજરાતીની ઓળખ*
મીઠી બોલીનું માખણ લગાવી પોતાનું કામ કરાવી લે, એ પાકો ગુજરાતી જાણવો.
ના, ના...ગુજરાતીઓની ફક્ત આ જ ઓળખ નથી. આમ તો ગુજરાતી ઘણી બધી બાબતોમાં અલગ તરી આવે, પણ તેમની મીઠી બોલી જગપ્રસિદ્ધ છે. તેથી ગુજરાતી તરીકે આ ઓળખાણથી ઓળખાવું મને ખૂબ જ ગમે. આ સિવાય પણ ઘણી બાબતો છે જે નીચે મુજબ છે.
જો કોઈ વ્યક્તિ એમ કહે કે તે શત પ્રતિશત શાકાહારી છે, તો માનજો કે તે વ્યક્તિ 99% ગુજરાતી જ હોવો જોઈએ.
ગુજરાતીઓની વાનગી મોટેભાગે મીઠી હોય છે, કદાચ એટલે જ તેઓ મીઠા બોલા હશે.
કહેવાય છે કે ગુજરાતીઓ બહુ ઓછા સેનામાં જોવા મળે છે. કારણ કે તેમને લડાઈ ઝઘડો પસંદ નથી. આમ તો માતૃભૂમિની સેવા કરવામાં ક્યારેય પાછા ન પડે, પણ લડાઈ ઝઘડાથી હંમેશા દૂર રહેતા લોકો તમને મોટેભાગે ગુજરાતી જ જોવા મળશે.
દેશ હોય કે વિદેશ ખાસ કરીને ગુજરાતી તહેવારો જેવા કે નવરાત્રી હોંશે- હોંશે અને વાજતે- ગાજતે, ગમે ત્યાં હોય ત્યાં ઉજવે પૂરજોશમાં નવ દિવસ ગરબાની તાલ પર ઝૂમે એ પાક્કો ગુજરાતી જ હોય.
આમ તો દરેક ભગવાનને સંપૂર્ણ શ્રદ્ધાથી માને પણ જય શ્રીકૃષ્ણ જો સંભળાય તો એ ગુજરાતી સિવાય બીજું કોઈ મુખમંડળ ન હોય.
ખાધે- પીધે સુખી અને મોજ મસ્તીમાં રહેનારા એ ગુજરાતીઓની ઓળખાણ. તેથી જ તો તેમને લેરી લાલા કહેવાય. કેમ કે ખાવા પીવામાં અને મોજ કરવામાં ક્યારેય પાછળ ન પડે. પોતાનો વ્યવસાય જમાવવામાં પણ તેઓ ક્યારે પાછળ ન જ હોય. દેશ હોય કે વિદેશ પોતાનો સિક્કો જમાવીને જ રહે. તેથી તો કહેવાય છે, "જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત."
પોતાની આગવી ઓળખ લઈને ચાલવું ગુજરાતીઓને ખૂબ જ ગમે. તેનું ઉદાહરણ- સેમસંગના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલ પ્રણવ મિસ્ત્રી જે પાલનપુરના મૂળ વતની છે, એમણે વિદેશમાં પણ પોતાની ગાડીની નંબર પ્લેટ પર પાલનપુર લખાવ્યું છે, આ પાક્કા ગુજરાતીની ઓળખ નથી તો શું છે!
આમ, પોતે ગુજરાતી છે એ વાતનો ગર્વ ક્યારેય ન છોડે એવા ગુજરાતની એક હું પણ પાક્કી ગુજરાતી.
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો